વડોદરાની ૭ વર્ષની લવિશ્કાનો રેકોર્ડ… દુનિયાનું બીજા નંબરનું શિખર સર કરનાર દુનિયાની પ્રથમ બાળકી…

દુનિયાના સૌથી બીજા ઊંચા પર્વતના બેઝ કેમ્પ પર પહોંચનારી પ્રથમ બાળકી

માઈનસ ૨૦ ડિગ્રી ટેમ્પરેચર વચ્ચે ફક્ત ત્રણ દિવસમાં ૧૫,૫૫૦ ફૂટ ઊંચાઈ પર પહોંચી

સાત વર્ષીય બાળકીનો જુસ્સો યંગસ્ટર્સને પણ શરમાવે તેવો છે. ત્રણ મહિના પહેલા જ ઉત્તરાખંડમાં૧૬,૪૯૯ ફૂટ ઊંચાઈ પર આવેલ રુપકુંડ ટ્રેક પાર કરીને તમામ રેકોર્ડ બ્રેક કર્યા હતા અને હવે દુનિયાના બીજો સૌથી ઊંચો પર્વત કિલીમાન્જારોના ૧૫,૫૫૦ ફૂટ ઊંચાઈ પર આવેલા બેઝ કેમ્પ પાર કર્યો છે. આમ એક જ વર્ષમાં આટલી નાની ઉંમરે બંને રેકોર્ડ પોતાના નામે કરનાર લવિશ્કા નાગર દુનિયાની પ્રથમ બાળકી બની છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી અને નવરચના સ્કૂલમાંં બીજા ધોરણમાં અભ્યાસ કરતી લવિશ્કાએ પર્વત સાથે દોસ્તી કરી લીધી હોય તેવું લાગે છે. વર્ષ ૨૦૧૮માં તેણે પૂણેમાં આવેલો રાજમચ્છી, વિસાપુર ટ્રેક, રુપકુંડ અને હવે આફ્રિકામાં ે૧૯૩૫૦ ફૂટ ઊંચાઈ પર આવેલા કિલીમાન્જારોનો બેઝ કેમ્પ પાર કર્યો છે.ઘરેથી તો તે કિલીમાન્જારો પર્વત સર કરવા નીકળી હતી પરંતુ વાતાવરણના પ્રકોપના કારણે તેની આ ઈચ્છા અધૂરી રહી ગઈ છે.

લવિશ્કા તેના પિતા અને કાકા સાથે ૨૬ સપ્ટેમ્બરે કિલીમાન્જારો પર્વત સર કરવા નીકળી  હતી. લવિશ્કાની માતાએ કહ્યું કે, ત્રણ દિવસમાં તેઓ ૧૨૭૦૩ ફૂટ ઊંચાઈ પર પહોંચી ગયા હતા. પરંતુ ખરાબ વાતાવરણને કારણે તેમણે પરત નીચે ફરવું પડયું હતું. જો કે લવિશ્કાની જીદ અને હિંમતના કારણે નીચેથી ફરી તેના પપ્પા લવિશ્કાને લઈને કિલીમાન્જારો પર્વત ચઢવા નીકળી પડયા હતા. માઈનસ ૨૦ ડિગ્રી તાપમાન અને ૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન તેમજ બરફ વર્ષામાં ત્રણ દિવસમાં તેઓ કિલીમાન્જારોના બેઝ કેમ્પ કેથેડ્રલ પોઈન્ટ-શીરા પીક પહોંચ્યા હતા. ત્યાંથી ફક્ત ૩૦૦૦ ફૂટ જ દૂર કિલીમાન્જારોનું મુખ્ય શિખર હતું પરંતુ ખરાબ હવામાનને કારણે પરત ફરવું પડયું હતું. વધુમાં કહ્યું કે, લવિશ્કાએ ૨૦૧૯માં માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચવા માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે.

શિખર સુધી મને કેમ ન લઈ ગયા?

લવિશ્કાના પપ્પા કહ્યું  કે, લવિશ્કાને બેઝ કેમ્પથી પરત ફરવું જ ન હતું. જ્યારે અમે ૧૩૦૦૦ ફૂટ ઊંચાઈ પર પહોંચ્યા ત્યારે ૧૦ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને ન લઈ જવા તેવી બોર્ડ પર સૂચના લખેલી હતી તેમ છતાં લવિશ્કાનું સ્વાસ્થ્ય સારુ હોવાથી અમે ૧૫,૫૫૦ ફૂટ ઊંચાઈ પર પહોંચ્યા હતા. પરંતુ ખરાબ વાતાવરણને કારણે હું જોખમ લેવા માંગતો ન હતો. કારણકે એક પિતા ક્યારેય કોચ બની ના શકે.

દિવસમાં ત્રણવાર પાવાગઢ ચઢ-ઉતર કરતી !

લવિશ્કાના માતાએ કહ્યું કે, કિલીમાન્જારો ચઢવા માટે છેલ્લા ત્રણ મહિનાથી લવિશ્કા ઘણી મહેનત કરતી હતી. દરરોજ અઢી કલાક સ્પોર્ટસ કરતી હતી. આ સિવાય એક દિવસમાં પાવાગઢ પર્વત ત્રણ વખત ચઢીને ઉતરતી હતી. તેમજ વડોદરાથી ડાકોર પગે ચાલીને જતી હતી.

Trishul News