ગુજરાતમાં ચુંટણીના શંખ ફૂંકાઈ ચુક્યા છે, ઉમેદવારોએ પણ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી મતદારોને આકર્ષવા રેલીઓ અને સભા કરી તમામ પ્રયાસો શરુ કરી દીધા છે. ત્યારે આ વખતે ભાજપે ઘણા દિગ્ગજોના નામ કાપી બીજાને ટીકીટ આપી છે. સુરત શહેરની ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપના ઝંખના પટેલની ટિકિટ કપાઈને સંદીપ દેસાઈને ટીકીટ આપવામાં આવી છે.
ત્યારે આજ રોજ વર્તમાન ધારાસભ્ય ઝંખના પટેલના સમર્થકો દ્વારા સંદીપ દેસાઈને ટીકીટ મળતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ઝંખના પટેલના સમર્થકો દ્વારા રસ્તા વચ્ચે જ નારાબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો. ‘ઝંખના બહેન તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હે…’ અને ‘તાનાશાહી નહિ ચલેગી’ ના નારા લગાવી કોળી સમાજના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો.
સુરતમાં મોટાભાગના ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. પરંતુ ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના પટેલને રીપીટ નથી કરાયા. ગત પાંચ વર્ષ દરમિયાન તેમની કામગીરી ખાસ વધુ ચર્ચામાં રહી ન હતી. પરંતુ તેમને લઈને અનેક મોટા વિવાદ પણ સામે આવ્યા હતા. કોરોનાથી લઈને લોકડાઉનમાં વધુમાં વધુ લોકોને મદદરૂપ થયા હતા. સાથે જ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો સાથે સંકલન કરી રસોડા પણ શરૂ કર્યા હતા, છતાં ચોર્યાસીમાંથી ઝંખનાને કાપીને સંદીપ દેસાઈને ટિકિટ અપાઈ છે.
ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારો જાહેર થઈ ગયા છે. દરેક પાર્ટીના મોટાભાગના ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે. ફોર્મ ભરાતા જ હવે મતદારોને આકર્ષવા માટે ઉમેદવારો પાસે રાત ઓછીને વેશ જાજા જેવી સ્થતિ સર્જાઈ છે. લોકોને આકર્ષવા માટે દરેક પાર્ટીના ઉમેદવારો દ્વારા હાલ પ્રચાર અભિયાન તેજ કરી દેવામાં આવ્યો છે. નેતાઓ દ્વારા રેલીઓ, સભાઓ અને ડોર ટુ ડોર પ્રચાર પણ વધારી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.