સુરત(Surat): કેન્દ્રીય વિદેશમંત્રી ડો.એસ જયશંકરે(S. Jaishankar) સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)ના કન્વેન્શન હોલમાં આયોજિત મોદી@20’ પુસ્તક અને ‘ગ્રોઈંગ ઈન્ડિયા, ગ્લોરીફાયિંગ વર્લ્ડ: મોદી યુગમાં વિદેશ નીતિ’ વિષય પર પ્રેરક વિચારો રજૂ કરતા જણાવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના રૂપમાં દેશને વિરાટ વ્યક્તિત્વ મળ્યું છે. વિશ્વના માનસપટલમાં ભારત તરફ જોવાની નજર મોદીના પ્રયાસોથી ધરમૂળથી બદલાઈ છે. ભારતે મુશ્કેલીના સમયે અફઘાનિસ્તાન જેવા દેશોની પણ વ્હારે આવ્યું હતું. ભારતે સંકટના સમયે પાડોશી દેશોને મદદ કરીને પાડોશી ધર્મને સાર્થક કર્યો છે.’
કેન્દ્રીય વિદેશમંત્રી ડો.એસ. જયશંકરે સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત ‘વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ભારતની ભૂમિકા’ વિષય પર યુવાનો સાથે સંવાદ કરતા MODI@20 પુસ્તકમાં નરેન્દ્ર મોદીની 20 વર્ષની યાત્રાને શબ્દદેહ આપવાનો પ્રયાસ કરાયો છે, જે અન્ય માટે પ્રેરણાદાયી સાબિત થશે એવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ પુસ્તકમાં વિવિધ ક્ષેત્રના 21 જેટલા મહાનુભાવો દ્વારા લેખ લખવામાં આવ્યા છે. જેમણે ‘રાઈટ વિઝન, રાઈટ એક્શન’થી રાષ્ટ્રનો તેજ વિકાસ થઈ શકે છે એનું તાદ્રશ્ય શબ્દ ચિત્રણ કર્યું છે. દરેક વ્યક્તિએ ખાસ કરીને ભારતના યુવા વર્ગે આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ.
નરેન્દ્ર મોદીની સામાન્ય કાર્યકર્તા અને મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીની યાત્રા અંગે તેમણે જણાવ્યું હતુ કે, છેલ્લા 20 વર્ષમાં નરેન્દ્ર મોદીની કુનેહ અને દીર્ઘદ્રષ્ટિના પરિણામે આજે ભારતની ખ્યાતિ વિશ્વફલક પર અંકિત થઈ છે. આ સંદર્ભે જયશંકરે ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે ભારતમાં કોરોના સામે બે બિલિયન વેક્સીનેશન, ૮૦ કરોડ લોકોને ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાશન આપૂર્તિ અંગે હું વિદેશમાં વાત કરૂ છું ત્યારે વિદેશીઓ આશ્ચર્ય પામે છે.
તેમણે યૂક્રેન- રશિયાના યુદ્ધ દરમિયાન ભારતીયોને યૂક્રેનમાંથી સહી સલામત પરત લાવવાની વડાપ્રધાન મોદીની મુત્સદીગીરીનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું એ સમયે યુક્રેનમાં વીસ હજાર વિદ્યાર્થીઓ ફસાયા હતા. કેન્દ્ર સરકારના પાંચ મંત્રીઓને યુક્રેન અને આસપાસના દેશોમાં મોકલવામાં આવ્યા હતા. વડાપ્રધાનએ રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુટિન અને યુક્રેનના ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી ખાતરી મેળવી કે જ્યારે ભારતીય વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરાઈ રહ્યા હોય ત્યારે ફાયરિંગ અને હવાઈ હુમલા નહીં થાય. મોદીના આ ડાયરેકટ કોમ્યુનિકેશનના કારણે બન્ને દેશો સંમત થયા અને વંદે ભારત મિશન હેઠળ 90 ફ્લાઈટમાં જાનહાનિ વિના તમામ વિદ્યાર્થીઓને ભારત લાવવામાં સફળતા મેળવી. વિદેશમાં ફસાયેલા નાગરિકોને ‘મદદ’ પોર્ટલથી ઉગારવાના કારણે વિદેશ જતા દરેક ભારતીય હવે કોઈ પણ વિકટ સંજોગોમાં સુરક્ષાની લાગણી અનુભવે છે.
જયશંકરે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની વિદેશ નીતિને નાગરિકકેન્દ્રી, વિકાસકેન્દ્રી અને સુરક્ષાકેન્દ્રી બનાવી છે. યમન અને યુક્રેન ક્રાઈસીસ દરમિયાન તબક્કાવાર કુલ 70 લાખ ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા. અનેક મુસીબતો, સંકટો, કુદરતી- માનવસર્જીત આફતોની સામે પણ નરેન્દ્રભાઈની અડગ ઈચ્છાશક્તિના કારણે ભારત વિશ્વગુરૂ બનવા તરફ ઝડપભેર આગળ વધી રહયું હોવાનું આ ઉદાહરણ છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. સતત વિકાસ સાધી દુનિયાના સૌથી મોટા અર્થતંત્ર ધરાવતા દેશોમાં સ્થાન મેળવવું એ વડાપ્રધાનનું સર્વોચ્ય ધ્યેય હોવાનું મંત્રીએ જણાવી ઉમેર્યું કે, ભારતે મેન્યુફેક્ચરિંગ, ડિઝિટલ વર્લ્ડ, ઈકોનોમિક ગ્રોથ જેવા મહત્વના માપદંડો પર ધ્યાન કેન્દ્રીત કરી વિકાસની હરણફાળ ભરી છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં વડાપ્રધાનએ આધારની ક્ષમતા અને ઉપયોગિતા યથાર્થ સમજી હતી, જે તેમણે વડાપ્રધાન બન્યા બાદ અનેક યોજનાઓને આધાર સાથે જોડી લાભાર્થીઓને સીધા બેંક ખાતામાં સહાયના નાણા જમા કરવામાં અને ડિજીટલ ભારત અભિયાનને વેગવાન બનાવવામાં આધારનો સફળ પ્રયોગ કર્યો છે.
આ અંગે ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ડો.એસ.જયશંકર દેશવિદેશમાં અવારનવાર સુરતના ચોમેર વિકાસ, શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓની સરાહના કરતા રહે છે. તેમણે વડાપ્રધાન અને વિદેશમંત્રીની સ્થાયી અને જનહિતની વિદેશનીતિથી નિતનવા પડકારોને અવસરમાં ફેરવી વિકસતા ભારતની છબીને વૈશ્વિક ધોરણે સરાહવામાં આવે છે એમ જણાવ્યું હતું.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સ્ટેટ સંયોજક કૌશલભાઈ દવે,સુરત મહાનગરપાલિકાના સંયોજક પ્રો. વિજયકુમાર રાદડિયા અને રાહુલ તિવારીએ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સુપેરે સફળ બનાવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ, ધારાસભ્ય ઝંખના પટેલ, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અજય તોમર, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલ કે.એન.ચાવડા, પ્રોફેસરો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં યુવા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.