દારુબંધીના લીરેલીરાં: અમદાવાદમાં લક્ઝુરિયસ બંગલામાં દારૂ વેચવાનું રેકેટ ઝડપાયું, લાખોના દારૂના સાથે 9 શખ્સોની ધરપકડ

Ahemdabad News: બોપલના મણિપુર ગામ પાસેના પ્રાર્થના ઉપવન જલધાર હોલિડે રિસોર્ટના બંગલા નંબર 7 અને 15માં અમદાવાદ(Ahemdabad News) ગ્રામ્ય ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી 5 હજાર દારૂની બોટલ સાથે 9 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન રાજસ્થાનના બુટલેગરોએ દારૂનો જથ્થો છુપાવવા માટે આ બંગલો ભાડે રાખી તેમાં ગોડાઉન બનાવ્યું હોવાનું સામે આવ્યુ હતું.ઝડપાયેલા દારૂમાં બિયરની 4,317 બોટલ અને અન્ય તમામ જાણીતી બ્રાન્ડની વ્હિસ્કીનો સમાવેશ થાય છે.

14.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે બાતમી મળી હતી કે, ઇશ્વરસિંહ સિસોદિયા તેના પિતા શંભુસિંહ અને સાળા કરણસિંહ સાથે મળીને મણિપુરમાં આવેલા પ્રાર્થના ઉપવન જલધારા હોલિડે રિસોર્ટમાં મકાન ભાડે રાખીને દારૂ સપ્લાઈ કરે છે. પોલીસે તપાસ કરતા દારૂને બીજા વાહનમાંથી ખાલી કરવામાં આવી રહ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે શંભુસિંહ સિસોદિયા, કરણસિંહ સહિત આઠ લોકોની ધરપકડ કરી હતી, જ્યારે ઈશ્વરસિંહ સિસોદિયા ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ કરતા મકાનમાંથી તથા બે ગાડીઓમાંથી દારૂ તથા બિયરની કુલ 4281 બોટલો મળી આવતા દારૂના જથ્થા સહિત કુલ રૂ. 14.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દારૂને પેટી પલંગ, સ્ટોર રૂમ અને બાથરૂમમાં સંતાડ્યો હતો
ગ્રામ્ય એલસીબીએ વધુ એક બાતમીના આધારે બંગલો નંબર-7માં રેડ કરી હતી, જ્યાં રેડ કરતા મજૂરી કામ કરતા હરીશ મીણાની ધરપકડ કરી હતી. પોલીસે આ બંગ્લોમાંથી દારૂ અને બિયરની 1085 બોટલ મળીને કુલ પાંચેક લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તપાસ કરતા સામે આવ્યુ કે દિલીપ કલાસવાએ આ બંગલો દારૂનો જથ્થો છુપાવવા માટે ભાડે રાખ્યો હતો, જ્યારે શીલજનો જીજ્ઞેશ કટારા અહીં આવીને દારૂનો જથ્થો લઇ જતો હતો અને વેચાણ કરતો હતો. પકડાયેલા આરોપી હરીશને 10 હજાર પગાર આપીને દારૂનો જથ્થો ઉતારવાની મજૂરી કામે રાખ્યો હતો. ત્યારે હવે પોલીસે વોન્ટેડ દિલીપ અને જીજ્ઞેશને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. દારૂને પેટી પલંગ, સ્ટોર રૂમ અને બાથરૂમમાં સંતાડ્યો હતો.

આ રીતે ઉદયપુરથી દારૂ લઇ આવવામાં આવે છે
અમદાવાદ ગ્રામ્ય ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ જે એમ પટેલે કહ્યું કે ઉપવન જલધારા હોલીડે રિસોર્ટના બંગલા નંબર 7 અને 15માં દરોડા દરમિયાન લાખોનો દારૂ ઝડપાયો હતો. આ બંને કોઠીઓ રાજસ્થાન સ્થિત દારૂના તસ્કરો ઈશ્વરસિંહ સિસોદિયા, તેના પિતા શંભુસિંહ અને સાળા કરણસિંહે ભાડે રાખી હતી. આરોપીઓ ઉદયપુરના રહેવાસી છે. તેનો સાથી ઇશ્વરસિંહ રાજસ્થાનથી ગુજરાત ગાડીઓમાં વિદેશી દારૂ અને બિયર લાવતો હતો.