370 હટવાની અસર : જે પર્સ લઇને કાશ્મીર છોડયું હતું હવે તેને લઇને વતનમાં જઇશ : સ્થાનિક કાશ્મીરી

જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ કરાઇ છે અમદાવાદમાં વસેલા અને ૩૦-૩૨ વર્ષ પહેલા અડધી રાત્રે તમામ મિલકત અને જન્મભૂમિ કાશ્મીર છોડીને ભાગવા મજબૂર બનેલા કાશ્મીરી પંડિતોમાં…

જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ રદ કરાઇ છે અમદાવાદમાં વસેલા અને ૩૦-૩૨ વર્ષ પહેલા અડધી રાત્રે તમામ મિલકત અને જન્મભૂમિ કાશ્મીર છોડીને ભાગવા મજબૂર બનેલા કાશ્મીરી પંડિતોમાં સરકાના નિર્ણયથી આનંદનો માહોલ જોવા મળ્યા હતો. ફરીથી તેઓ તેમના બાળપણની યાદોને, તેમની જન્મભૂમિની માટીની સુગંધ માણી શકશે તેવી આશા સાથે તેમની આંખોમાં હર્ષનાં આંસુ જોવા મળ્યા હતા.

જમ્મુ અને કાશ્મીર પર છેલ્લા કેટલાક દિવસથી દેશના દરેક નાગરિકોની નજર હતી, જેના સંદર્ભમાં સરકારે પાંચમી ઓગસ્ટે નિર્ણય આપીને જમ્મુ અને કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જ્યારે લદ્દાખને અલગ રાજ્ય બનાવવાની ઘોષણા કરી છે. આ નિર્ણય વિશે શહેરમાં વસતા જમ્મુ અને કાશ્મીરના લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. સરકારના નિર્ણયથી દેશના અને રાજ્યના લોકોને શું ફાયદા અને નુકસાન થશે તેની વાત લોકોએ મુક્ત મને જણાવી હતી.

પિતાને ધમકી મળી હતી કે, પાકિસ્તાની ઝંડો ફરકાવો, નહીં તો માર્યા જશો

૩૦-૩૨ વર્ષથી નહીં છેલ્લા ૭૨ વર્ષથી આ સમયની રાહ અમે દરેકે જોઇ છે, આજે આ સપના જેવું લાગે છે. હું ૧૭ વર્ષની હતી જ્યારે મારા પરિવારને ભાગવું પડયું. આજે દુનિયાના અલગ અલગ ખૂણે કાશ્મીરી પંડિતો રહે છે. એ નાનકડી ઉંમરે હું ઘરેથી માત્ર એક નાનું પાકીટ લઇને નીકળી હતી હવે આ જ પાકીટ લઇને પાછા જવાની ઇચ્છા છે. જ્યારે કાશ્મીર છોડયુ એ પરિસ્થિતિ શબ્દોમાં કહી શકાય તેમા નથી.મારા પિતાને ધમકી આપવામાં આવી હતી કે, ઘર પર પાકિસ્તાની ઝંડો ફરકાવો, નહી તો બઝા માર્યા જશો. અમને મરવુ મંજુર હતું પરંતુ ઇસ્લામિક ધર્મ અપનાવવો નહી. મારા સગાઓએ તેમની વિરુધ્ધ જઇ છાતી પર ગોળી ખાધી છે. આજે જે કાશ્મીરી પંડિતો મૃત્યુ પામે છે તેમના છેલ્લા શ્વાસ કાશ્મીરમાં લેવાય તેવી ઇચ્છા હોય છે. ઘણી વખત એવું લાગે કે ભારતીય હોવાને કારણે અમારે આટલી મુશ્કેલીનો સામનો કરવો પડયો છે નહીં તો પોતાનું ઘર છોડવું કોને ગમે??.. થોડા મહિના પહેલા કોઇએ મને મારા જ ઘરનો ફોટો પાડીને મોક્લ્યો પણ તે વ્યવસ્થિત ન હતો. આજે અમારા ચાર માળના ઘરમાં ઉગ્રવાદી રહે છે એટલે ફોટો પાડવો પણ મુશ્કેલ છે. – વીના કૌલ કચવા

૭૦ વર્ષમાં જમ્મુ-કાશ્મીરનું જે ડેવલપમેન્ટ નથી થયું તે હવે થશે

આ ઐતિહાસિક નિર્ણય છે જેને બિરદાવવો જોઇએ. આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીર દેશ સાથે જોડાશે. રાતોરાત અમે જે જગ્યા ખાલી કરીને ભાગ્યા હતા આજ સુધી તે જગ્યા ફરીને નથી જોઇ, હવે ત્યા પાછા જઇ શકીશું તે વાતની ખુશી છે આ સાથે ૭૦ વર્ષમાં જમ્મુ-કાશ્મીરનું જે ડેવલપમેન્ટ નથી થયું તે હવે થશે. ત્યાં ઇનવેસ્ટમેન્ટ થશે, ત્યાના લોકોને બહાર જવાની તક મળશે. – મિસ્ટર ટીંગ

ભારત સાથે જોડીને કાશ્મીરીઓને સ્પેશિયલ સ્ટેટસ આપ્યું છે

હું અમદાવાદમાં છેલ્લા ૩૦ વર્ષથી રહું છું અને કોર્પોરેશન ઓફિસમાં કામ કરું છું. ૧૯૯૦માં જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે માત્ર ૧૯ વર્ષનો હતો. અમદાવાદ મારી કર્મભૂમિ છે જ્યારે કાશ્મીર મારી જન્મભૂમિ છે. અમને કાશ્મીરમાંથી જે રીતે ખદેડયા તે યાદ આવે તો આજે પણ રૃવાડા ઊભા થઇ જાય છે. આજે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી અમને ભારત સાથે જોડીને કશ્મીરીઓને સ્પેશિયલ સ્ટેટસ આપ્યું છે જેને આવકારીએ છીએ . – રાજેશભાઇ મિસ્કિન

પૂર્વજોનું મકાન અલગાવવાદી નેતાઓએ દબાણ કરીને ઓછી કિંમતે ખરીદી લીધું હતું

સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય પરિવર્તન કારી છે. કારણ કે, જમ્મુ કાશ્મીરમાં અત્યાર સુધી કાયદો લાવવા માટે ત્યાની વિધાનસભામાંથી ખરડો પસાર કરવો પડતો હતો. પરંતુ આ નિર્ણય બાદ કેન્દ્ર સરકાર સીધો હસ્તક્ષેપ કરી શકશે. જેનાથી સામાન્ય લોકોને જ ફાયદો થશે, હવે ભવિષ્યમાં સારી કંપનીઓ પણ કાશ્મીરમાં આવશે જેથી યુવાનોને નોકરી માટે બીજા રાજ્યોમાં નહીં જવુ પડે. હું અહીંયા ઘણા વર્ષોથી સ્થાયી થયો છું, પરંતુ મારો ભાઇ ત્યા રહે છે. જમ્મુમાં રહેતા લોકોને અલગાવવાદીઓથી ઘણી મુશ્કેલીઓ પડી છે. તેઓએ અમારા પૂર્વજોના મકાન પણ દબાણ દ્વારા સસ્તી કિંમતે ખરીદી લીધા હતા. ઘણી વખત કેન્દ્ર સરકારના ઇનકમ ટેક્સના અધિકારીઓ સામાન્ય ચેકિંગ માટે આવતા ત્યારે તેમની સાથે પણ મારપીટના બનાવો બનતા હતા. હવે આવા અત્યાચારો બંધ થશે અને લોકોને શાંતિ થશે. પ્રો. રતન પરિમો, ડિરેક્ટર એલ.ડી. મ્યુઝિયમ

સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય સંવિધાનનો ભંગ કરે છે

સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી પણ શકે છે. કારણ કે, સંવિધાન મુજબ જમ્મુ અને કાશ્મીરમાં કાયદો બનાવવા માટે ત્યાંની વિધાનસભામાં પસાર કરવો જરૃરી છે. જમ્મુ અને કાશ્મીરને કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવાથી ફાયદા કરતા નુકસાન વધારે જોવા મળશે. ૩૫-એ કલમને હટાવવાથી શું થશે તેના પર રિસર્ચ કરવું પડશે. પરંતુ સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય સંવિધાનનો ભંગ કરે છે. ઉપરાંત બીજા રાજ્યોના લોકોને કાશ્મીરની નાગરિતા આપવાનો નિર્ણય માત્ર જમ્મુ અને કાશ્મીરનું સંવિધાન જ કરી શકે છે. – ઝૈદ અબ્દુલ, સ્ટુડન્ટ

યુવતીઓને તેમના ઘરની નજીક શિક્ષણ અને નોકરી મળી શકશે

જ્યારે જમ્મુ કાશ્મીર પર નિર્ણય આવ્યો ત્યારે હું ક્લાસમાં હતી. તેથી ત્યાના કાયદામાં કેવા ફેરફારો થયા છે, તેની વધારે જાણકારી નથી. પરંતુ હવે ત્યાં બીજા રાજ્યના લોકો આવી શકશે, તેથી હવે જમ્મુ કાશ્મીર પણ ભારતના અન્ય રાજ્યોની જેમ ગણના થશે. તેથી ત્યાં બિઝનેસનો વિકાસ થશે અને યુવાનો માટે નોકરીની તકો વધશે. હું અહીંયા જમ્મુથી ઉચ્ચ અભ્યાસ માટે આવી છું. કારણ કે ત્યા મને સારા શિક્ષણની આશા નથી, ત્યાં શિક્ષણની સાથે ડર પણ છે. પરંતુ હવે શાંતિની આશા જોવા મળે છે. ત્યાના યુવાઓમાં ખાસ તો યુવતીઓને તેમના ઘરની નજીક નોકરી અને શિક્ષણ મળશે. તે સૌથી મહત્ત્વની વાત છે. – માન્વિકા ગુપ્તા, સ્ટુડન્ટ એલ.ડી. એન્જિનિયરિંગ

ઉગ્રવાદીઓએ ગનપાવડર નાંખીને કેટલાયના ઘર બાળી નાંખ્યા હતા

૧૯૯૦માં કાશ્મીર છોડયા સિવાય બીજો કોઇ વિકલ્પ નહતો. ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે ભયંકર હતી. આજના નિર્ણય બાદ કાશ્મીરી પંડિતોનું અસ્તિત્વ વધશે. જે લોકો મોટા મોટા ભાષણ આપી રહ્યા છે તે સમયે પોલીસ કે પ્રસાંશન અમારી સાથે નહતું. મુસ્લિમ પાડોશી પણ એટલા ડરમાં રહેતા કે તેઓે પણ અમારી મદદ ન કરી શક્યા. અમારા ત્રણ-ત્રણ માળના ઘરને ઉગ્રવાદીઓએ ગનપાવડર નાંખીને અમારી સામે કેટલાયના ઘર બાળી નાંખ્યા હતા. તે પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિની સરખામણી કરતા આજે સોનાનો સુરજ ઉગ્યો છે. -રાકેશભાઇ રાજદાન

જમ્મુ ભલે કાશ્મીરથી અલગ હોય પણ તેની સીધી અસર ટુરિઝમ પર પડે છે

‘હું જમ્મુનો છું અને છેલ્લા એક દાયકાથી ટુરિસ્ટો માટે કાર ડ્રાઇવિંગ કરું છું. ૩૭૦ ની કલમ નાબુદ કરવામાં આવી એ બહુ સારું થયું. જમ્મુ ભલે કાશ્મીરથી અલગ હોય પણ તેની સીધી અસર અમારા ધંધા પર પડયા વગર રહેતી નથી. અમારો ધંધો ટુરિસ્ટો પર ચાલે છે એટલે સીઝનમાં કમાઇ લઇશું એવું વિચારીયે પણ છેલ્લા ઘણાં સમયથી કાશ્મીરની સ્થિતિ બહુ ખરાબ છે. દર મહિને પૈસા આપીને પત્થર મારો કરાવવામાં આવે છે. કાર પર ચડીને કાચ ફોડી નાંખતાં હતાં. તેથી ટુરિસ્ટો પણ આવતા ગભરાતા હતાં. હવે સ્થિતિ સુધરશે એવું લાગે છે. પરિણામે અમે શાંતિથી ધંધો કરી શકીશું. – બાબુભાઇ તરસેમલાલ, જમ્મુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *