પોલીસની ખુરશી પર બેસી એક વ્યક્તિને પૈસા, તલવાર અને બંદૂકથી ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવી મોંઘી પડી ગઈ છે. તેનો વીડિયો વાયરલ થતાં જ પોલીસે કેસ નોંધીને આ વ્યક્તિની ધરપકડ કરી છે. 50 વર્ષીય આ વ્યક્તિને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટના મહારાષ્ટ્રના થાણે જીલ્લાની છે.
થાણેના ડોમ્બિવલીમાં પોલીસની ખુરશી પર બેઠેલા એક વ્યક્તિએ નોટો, તલવાર અને બંદૂકના ઢગલા સાથે ઈન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. આ આરોપીનું નામ સુરેન્દ્ર પાટીલ ઉર્ફે ચૌધરી છે. તેની ઉંમર 50 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે.
આ વ્યક્તિ અવારનવાર વીડિયો બનાવીને ઈન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર વાયરલ કરતો હતો. હાલમાં જ એક વીડિયો વાયરલ થયા બાદ માનપાડા પોલીસે કેસ નોંધીને સુરેન્દ્ર પાટીલની ધરપકડ કરી હતી. માનપાડા પોલીસ આજે તેને કલ્યાણ કોર્ટમાં રજૂ કરશે. પોલીસ સ્ટેશનમાં પોલીસની ખુરશી પર બેસીને ફિલ્મી ડાયલોગ બોલી રહ્યો હતો કે, ‘રાની નહિ હે તો ક્યાં હુઆ, યે બાદશાહ આજ ભી લાખો દિલો પે રાજ કરતા…’
સોશિયલ મીડિયા પર છે હજારો ફોલોઅર્સ
તમને જણાવી દઈએ કે ડોમ્બિવલીના ઠાકુર્લી વિસ્તારમાં રહેતા સુરેન્દ્ર પાટીલને રીલ બનાવવાનો શોખ છે. તે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરતો હતો, ઈન્સ્ટાગ્રામ પર તેના હજારો ફોલોઅર્સ છે. માનપાડા પોલીસે થોડા દિવસો પહેલા સુરેન્દ્ર પાટીલને એક કેસના સંબંધમાં પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. તે દરમિયાન પોલીસ રૂમમાં કોઈ ન હતું ત્યારે તેણે પોલીસકર્મીની ખુરશી પર બેસીને વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો.
કાર, બંદૂક સહિત ઘણી વસ્તુઓ મળી
સુરેન્દ્ર પાટીલ વિરુદ્ધ કલમ 336, 170, 500 સાથે ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ એક્ટ અને આર્મ્સ એક્ટની કલમ 30 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુરેન્દ્ર પાટીલ પાસેથી એક મોંઘી કાર, એક લાઇસન્સવાળી બંદૂક, 5 જીવતા કારતૂસ અને એક કુકુરી હથિયાર મળી આવ્યા છે, જેની કુલ કિંમત 65 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ સિવાય સુરેન્દ્ર પાટીલ વિરુદ્ધ માનપાડા, કોલશેવાડી અને મહાત્મા ફૂલે ચોક પોલીસ સ્ટેશનમાં કુલ 7 કેસ નોંધાયેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.