માણાવદર(Manavadar): જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ત્યારે આ કમોસમી વરસાદ(Rain) માણાવદરમાં ત્રણ લોકોને કાળરૂપે ભરખી ગયો છે.
મળતી માહિતી અનુસાર, માણાવદરમાં ગઈકાલે ખાબકેલા અનરાધાર વરસાદને કારણે ચુડવા ગામની નદીમાં પૂર આવ્યું હતું. જેમાં છત્રાસા અને ચુડવા ગામની વચ્ચે આવેલાં ખેતરોમાં કામ કરવા માટે આવેલા લાઠ ગામના 12 જેટલા ખેતમજૂરો ભરેલી રિક્ષા નદીના વહેણમાં તણાઈ જવા પામી હતી. જેમાંથી 9 મજૂરને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા, જોકે ત્રણ જેટલી મહિલાઓ લાપત્તા થઈ હતી, જેમના મૃતદેહને શોધીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, રિક્ષા નદીના પૂરમાં તણાયાની અને મહિલાઓ ડૂબી હોવાની માહિતી વહીવટીતંત્રને મળતા જ જૂનાગઢ કલેક્ટર દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા આદેશ આપવામાં આવ્યો હતો. માણાવદર વહીવટી તંત્રના મામલતદાર, ટીડીઓ, ફાયર વિભાગ, NDRF અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. જોકે સદનસીબે નવ લોકોના જીવ બચી ગયા હતા, જ્યારે ત્રણ મહિલા ડૂબી ગઈ હોવાની જાણ આજુબાજુના લોકોને થતાં લોકોનાં ટોળેટોળાં ભેગા થઇ ગયા હતાં.
ઉલ્લેખનીય છે કે, NDRF ની ટીમ દ્વારા મોડી રાત્રે મહામહેનતે એક મહિલાનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે આજે વહેલી સવારે અન્ય બે મૃતદેહને NDRF ની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. નદીમાં ડૂબી ગયેલ શાંતાબેન રાઠોડ (ઉં.વ. 60), સંજનાબેન સોલંકી (ઉં.વ.18) અને ભારતીબેન સોલંકી (ઉં. વ. 40) નામની આ ત્યારે ત્રણેય મહિલાના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે માણાવદર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અણધારી આફતના લીધે મૃત્યુ પામેલી ત્રણેય ખેતમજૂર મહિલાઓના પરિવાર પર શોકની લાગણી ફરી વળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.