1 મે ‘વિશ્વ હાસ્ય દિન’: દુઃખના સમયે હસવાથી દુઃખ ભુલાઈ જાય છે, હાસ્ય જ જીવન જીવવાનો રસ્તો આપે છે

સુરત(surat): દર વર્ષે મે મહિનાના પ્રથમ રવિવારે ‘વિશ્વ હાસ્ય દિવસ’(World Comedy Day) ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે શહેરના વિખ્યાત લાફ્ટર થેરાપિસ્ટ(Laughter therapist) કમલેશભાઈ મસાલાવાલાએ સુરતના વેસુ વિસ્તાર સ્થિત ભારતીમૈયા અનંતધામ વૃદ્ધાશ્રમ(Bharatimaiya Anantdham Vriddhashram)માં રહેતા વડીલોને હાસ્યથેરાપી આપી ખડખડાટ હસાવ્યા હતા. આશ્રમમાં રહેતા વયોવૃદ્ધ સિનીયર સિટીઝન્સના હસમુખ ચહેરા જાણે સંજોગો વિપરીત હોવા છતાં ધૈર્ય, હકારાત્મક અભિગમ સાથે વર્તમાનમાં જીવનની અસલ મોજ માણતા હતાં.

લાફ્ટર થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલાએ જણાવ્યું હતું કે, હસવું એ દુનિયાની સૌથી સસ્તી, આરોગ્યવર્ધક અને ટકાઉ દવા છે, પરંતુ તેને આરોગવી કેવી રીતે તે બાબતે હજુ પણ અનેક લોકોના મનમાં પ્રશ્નો ઉઠતા હોય છે. વિશ્વ હાસ્ય દિવસની પૂર્વસંધ્યાએ ઘર અને પરિજનોથી દૂર રહેતાં, તરછોડાયેલા તેમજ જીવનના દુઃખોથી ઝઝૂમતા હોવા છતાં વૃદ્ધાશ્રમના વડીલોને હસાવી અનોખો સંતોષ મળ્યો છે. તેઓના ચહેરા પરનું હાસ્ય જોઈ વૃદ્ધાશ્રમની દીવાલો વચ્ચે એક નવી ઉર્જાનું મોજું ફરી વળ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર માનવશરીર વાસ્તવિક હાસ્ય અને નકલી હાસ્ય વચ્ચે તફાવત કરી શકતું નથી. જેથી આ કુદરતી અને કૃત્રિમ એમ બંને પ્રકારના હાસ્યથી શરીરને સમાન લાભ થાય છે. હાસ્ય શરીરના ટી-કોષોને વેગ આપે છે, જેથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમજ સવારની શરૂઆત હાસ્યથી થાય તો આખો દિવસ આનંદમય રહે છે.

મૂળ મહારાષ્ટ્રના વતની અને છેલ્લા ૧ વર્ષથી ભારતીમૈયા અનંતધામ વૃદ્ધાશ્રમમાં રહેતા ૮૪ વર્ષીય સુશીલાબેન ઓઢકર પોતાના જીવનમાં અનેક તડકીછાંયડી જોઈ ચૂક્યા છે, પરંતુ સ્વમાની સ્વભાવના જોરે તેઓ આટલી મોટી ઉમરે પણ નિરોગી જીવન જીવી રહ્યા છે. તેઓ જણાવે છે કે, પતિ અને પુત્રનું કેન્સરના કારણે મૃત્યુ થયા બાદ જીવનનૈયા નિરાધાર બની હતી. પરંતુ મેં કોઈના સામે હાથ ફેલાવ્યા વગર લોકોના ઘરકામ કરી ગુજરાન ચલાવ્યું હતું. વધતી વયના લીધે આજે વૃદ્ધાશ્રમમાં રહું છુ. અહી રહેતા તમામ વૃદ્ધજનો એક પરિવારની જેમ હળીમળીને ખુશાલીથી રહે છે. તેમણે હંમેશા સૌનું ભલું વિચારવું, અને નાની નાની પળોનો આનંદ માણી સદા હસતા રહેવું એજ નિરોગી શરીરની ગુરૂચાવી છે એમ ‘વિશ્વ હાસ્ય દિવસે’ સંદેશ આપતાં કહ્યું હતું.

વૃદ્ધાઆશ્રમને જ પોતાનુ ઘર માની દુઃખ ભુલી ખુશ-ખુશાલ જીવન વિતાવી રહેલા ૭૧ વર્ષીય વયોવૃદ્ધ કિરીટભાઇ વસાવડાએ જીવનના અનુભવોને વાગોળતાં કહ્યું કે, વૃદ્ધાશ્રમમાં મારૂ એક વર્ષ પુર્ણ થયું છે. હવે જીવીશ ત્યાં સુધી આ જ મારા ઘર અને પરિવાર છે. જીવનમાં ઘણા સુખદુઃખની અનુભવ્યા છે. જેથી હવે તમામ પરિસ્થિતિમાં જાતને ખુશ રાખી હંમેશા હસતો રહું છું. દુઃખના સમયમાં હસતાં રહેવાથી દુઃખ ભુલાઈ જાય છે, અને હાસ્ય જીવન જીવવાનો રસ્તો આપે છે. એમ હસતા મુખે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વવ્યાપી હાસ્ય યોગ આંદોલનના સંસ્થાપક ડો. મદન કટારિયા દ્વારા હાસ્યના માધ્યમથી ભાઈચારા અને દોસ્તીની વૈશ્વિક ચેતનાનું નિર્માણ થાય તે ઉદ્દેશથી વર્ષ ૧૯૯૮ માં ‘વર્લ્ડ લાફ્ટર ડે’ની શરૂઆત કરવામાં આવી હતી. આજે ૭૦થી વધુ દેશોમાં ‘વર્લ્ડ લાફ્ટર ડે’ મે મહિનાના પહેલા રવિવારે ઊજવવામાં આવે છે.

લાફિંગ થેરાપીના ફાયદા
લાફિંગ થેરાપીથી ફેફસાના રોગો, ઉધરસ, દમ વગેરેમાં ફાયદો થાય છે. ફેફસામાં અને શ્વાસનળીમાં ભરાઈ ગયેલો જૂનો કફ નીકળી જવાથી શ્વાસની સમસ્યા દૂર થાય છે. ફેફસાની ઓક્સિજન લેવાની શક્તિમાં છ થી આઠ ગણો વધારો થાય છે. છાતી અને પેટ વચ્ચે રહેલા ડાયાફામ, પેટ અને પીઠના સ્નાયુઓ મજબુત થાય છે. થાક્યા વગર આપણે ટટ્ટાર બેસી, ઊભા રહી શકીએ છીએ. દૈનિક કાર્યમાં નવી ઊર્જા મળી રહે છે. હસવાની ક્રિયાના કારણે પેટના સ્નાયુઓને ડાયાફાર્મ નિયમબદ્ધ થવાને લીધે પેટના તમામ અંગોને મસાજ મળે છે, અને તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *