મહેસાણામાં ટ્રક અને એક્ટિવા વચ્ચે ભયંકર અકસ્માત- વ્હીલ ફળી વળતા ઘટના સ્થળે જ આધેડનું મોત

Mehsana Accident: મહેસાણા જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બેચરાજી ખાતે પણ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં આધેડનું ટ્રકની ટક્કરે મોત થયું છે. સમગ્ર કેસમાં ટ્રક ચાલક સામે મૃતકના પરિવારજનોએ બેચરાજી પોલીસમાં(Mehsana Accident) ફરિયાદ નોંધાવી તજવીજ આદરી છે.

ટ્રકે એક્ટિવાને અડફેટમાં લીધુ
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના હાસલપુર ગામમાં રહેતા ભરત પટેલ પણ મસાલા છૂટકમાં વહેંચતા હતા. આજે તેઓ બેચરાજી ખાતે બાલાજી સોસાયટી નજીકથી પસાર થઈ રહ્યા હતા.આ દરમિયાન સામેથી પુરપાટ આવતા ટ્રકે ભરત પટેલના એક્ટિવાને અડફેટમાં લીધુ હતુ.આ અકસ્માતમાં એક્ટિવા સવાર ભરત પટેલ નીચે પટકાયા હતા. જે બાદ ટ્રકના ટાયર તેમના પરથી ફરી વળ્યા હતા. આથી ગંભીર હાલતમાં ભરત પટેલને સારવાર અર્થે બેચરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં ભરત પટેલના પરિવાર અને પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. જ્યારે મૃતકના પરિવારના સભ્ય દ્વારા દાખલ ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત
તો આ તરફ અમદાવાદના ધોળકાના પુલેન સર્કલ પાસે આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ગમખ્વાર અકસ્માત થયો હતો. બંધ ડમ્પર પાછળ બોલેરો ઘૂસી જતા 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. લોહી ભરેલા ખાબોચિયામાં મૃતદેહો પડ્યા હોય તેવાં દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યારે 2 લોકોને ગંભીર ઇજા પહોંચતા અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.