રખડતાં ઢોરોએ વધુ એક પરિવારનો સહારો છીન્યો: જન્માષ્ટમીની રાત્રે બાઇકચાલકને ગાયે અડફેટે લેતા મોત, સાંભળો દીકરીનું આક્રંદ

અવાર નવાર રખડતા ઢોરોનો આંતક સામે આવતો જ રહે છે. જેને કારણે કેટલાય લોકો પોતાના જીવ ગુમાવે છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે થોડા સમય પહેલા જ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી(Former Deputy CM) નીતિન પટેલ (Nitin Patel)ને ગાયે અડફેટે લીધા હતા. આ પછી વધુ એક ઘટનામાં વડોદરા (Vadodara)માં જન્માષ્ટમી (Janmashtami)ની રાત્રે બાઇક લઈને નીકળેલા બાઇકચાલકને રસ્તા પર રખડતી ગાયે અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. પરિવારના મોભીનું મોત થતાં પત્ની અને દીકરીનો સહારો છીનવાયો છે.

બાઇકચાલક રોડ પર પટકાતાં લોકો દોડી આવ્યા:
મળતી માહિતી અનુસાર, મૃતક જિજ્ઞેશભાઈ ઉર્ફે જિતુ મહીજીભાઈ રાજપૂત (ઉં.48) વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રાજેશ ટાવર રોડ પર આવેલી B-1, વિષ્ણુકુંજ સોસાયટી વિભાગ-1માં રહેતા હતા. તેઓ જન્માષ્ટમીની મોડી રાત્રે પોતાની બાઇક લઈને સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા.

આ સમયે વરસાદને કારણે સ્ટ્રીટ લાઇટો બંધ થઈ ગઈ હતી. લાઇટો બંધ હોવાને કારણે બાઇકચાલક જિજ્ઞેશભાઈ રસ્તા પર એકાએક દોડી આવેલી ગાયને જોઇ શક્યા નહોતા અને તેમને ગાયે ભેટીએ ચઢાવતાં તેઓ રોડ ઉપર પટકાયા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. આ અંગે મૃતક જિજ્ઞેશભાઈની દીકરી કિરણ રાજપૂતે જણાવ્યું હતું કે, ‘અમારા પરિવારમાં મારા પપ્પા જ હતા, બીજું કોઈ નહોતું. તેઓ જ અમારું સર્વસ્વ હતા.’

ઘટનાની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા:
રોડ પર પટકાવાને કારણે બેભાન થઈ ગયેલા જિજ્ઞેશભાઈને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ દરમિયાન બનાવની જાણ પરિવારજનો દોડી આવ્યા હતા. જિજ્ઞેશભાઈનું મોત થતાં પત્ની કુસુમબેન તેમજ 18 વર્ષની દીકરી કિરણ સહિત પરિવારજનો પર આભ ફાટ્યું હતું. આ ઘટનાને પગલે વિષ્ણુકુંજ સોસાયટીમાં કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સાહ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. હાલ આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અજાણ્યા પશુપાલક સામે પોલીસે તપાસ હાથ ધરી:
આ અંગે મૃતક જિજ્ઞેશભાઈની દીકરી કિરણ રાજપૂતે જણાવ્યું હતું કે, ‘થોડીવારમાં આવું છું, તમે લોકો જમી લો એમ કહીને તેમના મિત્રના ઘરે જવા માટે નીકળ્યા હતા. પછી ફોન આવ્યો કે તેમનો અકસ્માત થયો છે. ગાય રસ્તામાં આવી ગઈ હતી.’ મોડી રાત્રે ગાયે ભેટી મારવાને કારણે મોત થવાની બનેલી ઘટના અંગે પરિવાર દ્વારા અજાણ્યા પશુપાલક સામે ગોરવા પોલીસ મથકમાં અરજી આપી છે. પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે યુવાનનો ભોગ લેનારી ગાયના માલિકને શોધવા માટે ઘટનાસ્થળ પાસેના CCTV ફૂટેજ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે.

પરિવારજનોને વળતર આપવાની માગ:
આ અંગે વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, અમારી માગણી છે કે પાલિકા મૃતકના પરિવારજનોને વળતર આપે અને એક સભ્યને નોકરી આપે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર અને મેયર સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે. આવા કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *