પોલીસે આનંદ તેમજ તેનાં પુત્રને ઝડપી લઇ રૂપિયા 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આનંદે 4 મહિનામાં 12 સ્થળે લાખોની ચોરી કરી હતી. ચોરી કરતી વખતે સફેદ કપડાં જ પહેરતો અને ચોરી કર્યા બાદ મંદિરમાં બલિ ચડાવી માનતા પૂરી કરતો હતો. આનંદ એક સમયે ત્રણ માળના સેન્ટ્રલ એસી મકાનમાં રહેતો હતો અને 19 લાખની કાર પણ બુક કરાવી હતી.
નવેમ્બર મહિનામાં રાજકોટના મિલપરામાં મકાનનાં તાળાં તોડી તસ્કરો રૂપિયા 2.50 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા, એ જ સમયગાળામાં રામકૃષ્ણનગરના બંધ મકાનમાંથી રોકડા રૂપિયા 13 લાખ અને સોનાના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હતી. છેલ્લા ચાર મહિનામાં ચોરીનો આંક ચિંતાજનક રીતે વધતાં પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી. લાખો રૂપિયાની ચોરી થઈ હતી એ સ્થળે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં જે સ્ટાઇલથી ચોરી થઈ હતી અને જે શખસ દેખાતો હતો તે સુરત રહેતા નામચીન તસ્કર આનંદ જેસિંગ સીતાપરાની સંડોવણી હોવાની પોલીસને દૃઢ શંકા ઊઠી હતી, આથી પોલીસે આનંદ અને તેના પિતાની ધરપકડ કરતાં તેણે જ ચોરી કર્યાની કબૂલાત આપી છે.
આ દરમિયાન આનંદે અને તેનો પુત્ર હસમુખ સીતાપરા ચીથરિયા પીરની દરગાહ નજીક હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી અને પીએસઆઇ ધાખડા સહિતની ટીમ આવી હતી. પોલીસે આનંદ અને તેના પુત્ર હસમુખની ધરપકડ કરી. પૂછપરછ કરતાં આનંદે રાજકોટ શહેરમાં છેલ્લા ચાર મહિનામાં રામકૃષ્ણનગર, મિલપરા અને ઇન્દ્રપ્રસ્થનગરમાં થયેલી ચોરી સહિત 12 ચોરી કબૂલી હતી. પોલીસે આરોપી પિતા-પુત્ર પાસેથી રૂપિયા 10.50 લાખના સોના-ચાંદીના દાગીના, રોકડા રૂપિયા 3.19 લાખ, રૂપિયા 1.25 લાખનાં 2 બાઇક અને રૂપિયા 7 હજારની ઘડિયાળ સહિત કુલ રૂપિયા 15,01,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આનંદે કબૂલાત આપી હતી કે, પોતે ચોરી કરી એ તમામ સ્થળે તેની સાથે રહેતા પીયૂષ વિનુ અમરેલિયાની પણ સંડોવણી હતી. આનંદ સીતાપરા વર્ષ 2007 પહેલાં રાજકોટના કોઠારિયા રોડ પર રહેતો હતો અને તેનું ત્રણ માળનું મકાન હતું, જે સેન્ટ્રલ એરકન્ડિશનર હતું. આનંદ ચોરી કરવા જતો હતો એ પહેલાં માનતા રાખતો હતો અને મોટો દલ્લો હાથ આવ્યા બાદ જામજોધપુરમાં આવેલા મંદિરે જઇ બલિ ચડાવી માનતા પૂરી કરતો હતો.
કરોડપતિ ચોર આનંદ સીતાપરા વર્ષોથી ચોરી કરતો હતો, દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં ફરી બંગલાની રેકી કરતો, બંધ બંગલો દેખાય એટલે તેને નિશાન બનાવતો. રાત્રે ચોરી કરવા જાય ત્યારે પીયૂષના બાઇક પાછળ બેસતો ,ઓળખ ન થાય એ માટે બાઇકમાં નંબર પ્લેટ રાખતો નહીં અને પીયૂષને હેલ્મેટ પહેરાવતો હતો. ચોક્કસ મકાને પહોંચ્યા બાદ આનંદ બંગલામાં એકલો જ ઘૂસતો, પીયૂષને ત્યાંથી રવાના કરી દેતો અને પૈસા હાથ આવ્યા બાદ પીયૂષને બોલાવી રવાના થઇ જતો હતો.’
વૈભવી લાઇફસ્ટાઇલ ધરાવતો આનંદ સીતાપરા ચોરી કરવા જાય ત્યારે સફેદ કપડાં જ પહેરતો હતો જ્યારે કોઇ મકાન નજીક ચોરી કરતો હોય અને કોઇ વ્યક્તિ તેને પૂછે તો મરણના કામે જતો હોવાનું કહેતો. તેનો પોશાક જોઇ સામેની વ્યક્તિને સહાનુભૂતિ થતી અને મોકો મળતાં જ ઘરમાં ઘૂસી જતો હતો.
આનંદ સીતાપરા મોટી ચોરીમાં સફળતા મળે એટલે ઘરવપરાશમાં આવતાં ટીવી, ફ્રીઝ સહિતની કીમતી વસ્તુઓ નવી ખરીદી લેતો. એટલું જ નહીં કપડાં, પડદા, ગાદલાં અને સેટી પણ બદલાવી નાખતો હતો. ઘરનું કરિયાણું મોટા પ્રમાણમાં ખરીદી લેતો હતો.
ચોરાઉ દાગીના છુપાવા માટે તેણે અનોખો રસ્તો અપનાવ્યો હતો. સોનાના દાગીના સોની વેપારીને આપી દેતો હતો અને તેના બદલામાં નવા બિલવાળાં ઘરેણાં બનાવી લેતો હતો અને એ દાગીના અન્ય સોની પાસે વેચવા જાય ત્યારે બિલ રજૂ કરતો, આથી કોઇને શંકા ન જાય.
રાજકોટ શહેરમાં ચાર મહિનામાં લાખો રૂપિયાની ચોરી કર્યા બાદ આનંદ સીતાપરા સુરત તેના ઘરે જતો રહ્યો હતો અને સુરતમાં એમ.જી. હેક્ટરના શો-રૂમમાં જઇ તેના પુત્ર માટે રૂપિયા 19 લાખની કિંમતની એમ.જી.હેક્ટર કાર બુક કરાવી હતી અને બુકિંગ પેટે રૂપિયા 2 લાખ પણ ચૂકવી દીધા હતા. પોલીસે શો-રૂમના સંચાલક પાસેથી રૂપિયા 2 લાખ જપ્ત કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle