બનાસકાંઠા(ગુજરાત): તાજેતરમાં બનાસકાંઠાના બાપલા ગામે વીજ કરંટ લાગતા માતા-પુત્રીના મોત નીપજ્યું હોવાની રુવાડા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે. જાણવા મળ્યું છે કે, કપડાં સૂકવતી વખતે કરંટ લાગતા પુત્રીને બચાવવા જતાં માતાનું પણ કરુણ મોત નીપજ્યું હતું. માતા-પુત્રીના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
મળતી માહિતી મુજબ, ધાનેરા તાલુકાના બાપલા ગામમાં લુહાર પરિવારમાં એક કરૂણ ઘટના બની છે. બાપલા ગામે રહેતા રઘાભાઈ લુહાર ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. તેમની પુત્રી રંજન બપોરના સમયે કપડા સુકવી રહી હતી.
આ દરમિયાન, લોખંડના તારમાં અર્થીન્ગના કારણે કરંટ પસાર થઈ રહ્યો હતો અને તે જ સમયે કપડા સૂકવવા જતા પુત્રી રંજનને વીજ કરંટ લાગતા તેણે બુમાબુમ કરી હતી. જેથી તેની માતા પ્યારીબેન પણ પુત્રીને બચાવવા માટે દોડી આવી હતી અને તેને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ, પુત્રીની સાથે માતાને પણ વીજ કરંટનો ઝટકો લાગતા બંનેના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જાણવા મળ્યું છે કે, માતા-પુત્રીની બુમો સાંભળી તેના પરિવારજનો અને આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માતા પુત્રીના મોતથી લુહાર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.