જો દેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાત ખેદાનમેદાન થઈ જશે: PM મોદીએ વ્યક્ત કર્યો ભય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે બીજીવાર ગુજરાત પહોંચ્યા હતા. ત્યારે હિંમતનગર ખાતે ઊભા કરાયેલા ખાસ ડોમમાં બે કલાક કરતા વધુ સમયથી ભાજપના સમર્થકો ઉમટી પડ્યા…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે બીજીવાર ગુજરાત પહોંચ્યા હતા. ત્યારે હિંમતનગર ખાતે ઊભા કરાયેલા ખાસ ડોમમાં બે કલાક કરતા વધુ સમયથી ભાજપના સમર્થકો ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં આ વખતે સતત બે દિવસ લોકસભા પ્રચારમાં નરેન્દ્ર મોદી આવ્યા છે. અહીં મોદીએ લોકો પાસે ફિર એક બાર મોદી સરકારના નારા લગાડ્યા હતા. ત્યારબાદ સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો હતો. બાદમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાતને ખેદાનમેદાન કરી દેશે તેવો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન સરદાર પટેલ, મણીબેન પટેલ અને મોરારજી દેસાઈના ઉદાહરણો ટાંક્યા હતા. નહેરુથી લઈને નામદાર સુધી તમામને ગુજરાતથી તકલીફ છે. અહીં ગાંધી પર પરોક્ષ પરિવાર કરીને આખો પરિવાર મારી સામે પ્રચાર કરી રહ્યો છે. મેં એવું કર્યું કે બધા દોડતા થયા. ફરી એકવાર મને દિલ્હી મોકલશો તો આખો પરિવાર જેલમાં જશે.

નરેન્દ્ર મોદીએ સભામાં શું કહ્યું,

લોકસભાની 2019ની ચૂંટણીનો ચકરાવો શરૂ થઇ ગયો છે અને રાજકીય પક્ષોના જમા ઉધારના લેખાં જોખાંનો હિસાબ કિતાબ થઇ રહ્યો છે .

પહેલાના પ્રધાનમંત્રી ને સાબરકાંઠા આવવાનો સમય નહોતો પરંતુ તમારો આ પ્રધાનમંત્રી ઇઝરાયેલના પ્રધાનમંત્રી ને પણ અહીં લઇ આવ્યો છે. ઇઝરાયેલની ટેક્નોલોજીનો લાભ આજે સાબરકાંઠાને મળી રહ્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આટલા વર્ષો હું તમારી વચ્ચે રહ્યો છું અને તમે પણ જાણો છો કે આટલા વર્ષોમાં ક્યારેય આપણા પાર કોઈ કલંક લાગ્યો નથી.

ગુજરાત સરકારને તોડવા માટે દિલ્હી દરબારે આકાશ પાતાળ ભેગા કરી દીધા હતા. પરંતુ હવે ફરીથી તેઓ આવા કાર્યો કરી શકે તેવો એમને મોકો નથી આપવાનો.

જે આખો પરિવાર જામીન પર બહાર છે, દેશને જેમણે લૂંટ્યો છે તેમને સજા આપવી જોઈએ કે નહીં? આખા પરિવારને આ ચા વાળો આંખના કણાની જેમ ખૂંચી રહ્યો છે.

આપ સૌએ દેશની ચાર ગણી સેવા કરવા માટે મને દિલ્હી મોકલ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે દેશ પાછલા પાંચ વર્ષમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે.

શું આ મહામિલાવટી નેતાઓને ભારતની જનતાની સમજદારી પર ભરોસો નથી. 60 વર્ષમાં તેમણે કેવી કેવી સંસ્થાઓને બરબાદ કરી નાખી.

ટુકડે ટુકડે ગેંગનો બચાવ કરતા લોકો આ દેશમાં રાજ કરશે કે પછી રાષ્ટ્રભક્તિ કરનારા લોકો દેશની સેવા કરશે તે માટેની આ લોકસભાની ચૂંટણી છે.

આપણા દેશ પર આતંકવાદી હુમલા થાય અને તમારો આ પ્રધાનમંત્રી ચૂપ રહે?

ઉરીમાં હુમલો થાય આપણા જવાનો શહીદ થાય અને હું ચૂપ રહું?
હું સરદાર સાહેબની ભૂમિમાં ઉછરેલો છું, દરેક હુમલાનો હિસાબ લેવો પડે

આ કોંગ્રેસ પાર્ટી દેશના સૈનિકોની સુરક્ષાને પણ હટાવવા માંગે છે.
કોંગ્રેસના ઢકોસલા પત્રમાં વિધિવત રીતે આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસમાં ઢંઢેરામાં લખેલું છે કે દેશદ્રોહનો કાયદો તે લોકો કાઢી નાંખશે.

આઝાદી પહેલા કોંગ્રેસ ગાંધીવાદી હતી પરંતુ હવે એજ કોંગ્રેસ પાર્ટી ગાલીવાદી બની ગઈ છે. પહેલા તેમણે ચા વાળાને ગાળો આપી અને હવે તેઓ ચોકીદારને ગાળો આપે છે.

ચાર ચાર પેઢીથી ગરીબોની વાત કરે છે કોંગ્રેસ. હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે તમે હટી જાઓ દેશમાંથી ગરીબી પણ હટી જશે.
તમારે હવે નિર્ણય કરવાનો છે કે પરિવારવાદ, વંશવાદ અને મહામિલાવટી લોકોને ગુજરાતમાં આવવા દેવા છે કે નહીં?
કોંગ્રેસ પાર્ટીને ગુજરાતીઓ પ્રત્યે પહેલેથી અણગમો રહ્યો છે.
ગરીબો માટે ઘર બનાવવાનું હોય, ગેસ કનેક્શન આપવાના હોય કે ઘરે ઘરે વીજળી પહોંચાડવાની હોય અમારી સરકારે ભરપૂર પ્રયાસો કર્યા છે.

આજે ફરી હું ગુજરાત પાસે 26માંથી 26 કમળ મેળવવા માટે તમારી વચ્ચે આવ્યો છું. તમે ભાજપના ઉમેદવારને મત આપશો, તે મત નરેન્દ્ર મોદીના ખાતામાં પડવાનો છે.

ગઈકાલે વાવાઝોડાથી ડોમ ફાટ્યો હતો:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા માટે ભાજપ દ્વારા મોટો ડોમ ઊભો કરાયો હતો. પરંતુ ગઈકાલે વાતાવરણમાં પલટો આવતાં વાવાઝોડું ફૂંકાયું હતું. જેમાં સભાના ડોમના કાપડ ચીથરાં થયા હતા અને મૂકાયેલી ખુરશીઓ તૂટી હતી અને વેરવિખેર થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *