નવરાત્રીમાં લોકોમાં અને ખાસ છોકરીઓમાં ગરબા રમવા માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે. નવરાત્રી દરમ્યાન અસામાજિક તત્વો અને રોડ-રોમિયો ગેન્ગ એક્ટિવ થતી હોય છે. મોડી રાતે ગરબા રમીને ઘરે જતી છોકરીઓની છેડતીના કિસ્સા ખાસ નવરાત્રી દરમ્યાન સામે આવે છે. આવા બનાવો ન બને અને બાળકીઓ સલામત રીતે નવરાત્રીનો તહેવાર માણી શકે તે માટે પોલીસ સતર્ક બની છે.
ગુજરાતના દરેક શહેરમાં આજે નવરાત્રીને ધ્યાનમાં રાખી પોલીસ તમામ રોડ અને પાર્ટી પ્લોટમાં સતર્ક બનશે.જો કોઇ પણ રોમિયો મહિલાની છેડતી કરતા નજરે ચઢશે તો તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.કેમ કે પોલીસે નવરાત્રીને ખાસ ધ્યાનમાં લઈ એક સી ટીમનું આયોજન કર્યુ છે જે સતર્ક લોકો પર વોંચ રાખશે અને કોઇ ઘટના ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.
અમદાવાદમાં નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષામાં તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનની ‘She’ ટીમ અને મહિલા ક્રાઇમ બ્રાન્ચની ‘રક્ષક’ ટીમ સતત ખડેપગે રહેશે. શહેરનો એવો કોઈ વિસ્તાર નહીં હોય જ્યાં ‘રક્ષક’ કે ‘She’ ટીમ નહીં હોય. જો રોમિયો આ વખતે સીધા રહેજો નહીંતર નવરાત્રી જેલરાત્રી બની શકે છે.
જો કોઇ યુવતી પર કમેન્ટ કરી, અશ્લીલ હરકત કરી કે પીછો કર્યો તો તમારી નવરાત્રી જેલરાત્રીમાં બદલાઇ જશે. શહેરના સ્થાનિક પોલીસ સ્ટેશનની 48 જેટલી ‘She’ ટીમ જ્યારે મહિલા ક્રાઇમ બ્રાન્ચની 14 ‘રક્ષક’ ટીમ આખી રાત પેટ્રોલિંગ કરશે. આ ટીમમાં મહિલા પોલીસ ચણીયાચોળી અને સિવિલ ડ્રેસમાં સજ્જ રહેશે. જે મહિલાઓની છેડતી કરનારા રોમિયો પર ચાંપતી નજર રાખશે. મહિલા હેલ્પલાઇન 181 અભયમ્ પણ આખી રાત મદદ માટે સતત કાર્યરત રહેશે. દર વર્ષે મહિલા ક્રાઇમ બ્રાન્ચની એન્ટી રોમિયો સ્ક્વોર્ડ કાર્યરત હોય છે. જેને બદલે આ વખતે રક્ષક ટીમ કાર્યરત રહેશે.
મહિલા હેલ્પલાઇન અભયમ્ 181, રક્ષક ટીમ, ‘She’ ટીમ, PCR વાન,સ્થાનિક પોલીસ સ્ટેશન તથા કન્ટ્રોલ રુમ સતત સંપર્કમાં રહેશે. જેથી મુસીબતમાં ફસાયેલી મહિલાની મદદમાં નજીક રહેલી પોલીસની ટીમ ઝડપથી પહોંચી જશે.