ગુજરાત(Gujarat): રાજ્ય સરકારનાં માર્ગદર્શન હેઠળ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા- નડાબેટ(International Border- Nadabet) ખાતે ઝીરો પોઈન્ટ પર ‘સીમાદર્શન’ અંતર્ગત ગુજરાત પ્રવાસન વિભાગ(Gujarat Tourism Department) દ્વારા બોર્ડર ટુરિઝમનો વિકાસ કરવામાં આવ્યો છે. બોર્ડર ટુરિઝમના આ નવતર અભિગમથી રાષ્ટ્રના લોકોને બોર્ડરને જાણવાનો અને માણવાનો અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે.
નાગરિકોને મા ભોમની રક્ષા માટે સતત ખડેપગે રહેનારા બી.એસ.એફ જવાનોની જીવનચર્યાને પ્રત્યક્ષ અનુભવવાનો આ અભિનવ પ્રયોગથી ગુજરાત પ્રવાસનની નવી દિશા ખુલી છે. જવાનોની રહેણી-કરણી, ફરજો અને દેશપ્રેમને રૂબરૂ નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. આ ઉપરાંત દેશના સિમાડા સાચવવાની અને રક્ષા કરવાની રોમાંચક કામગીરી પ્રત્યક્ષ નિહાળવાની તક મળે છે.
પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને પ્રવાસન વિભાગ દ્વારા નડાબેટ ખાતે વિવિધ આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નડાબેટ ખાતે પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, ઓડિટોરિયમ, લાઈટીંગ, સોલર ટ્રી, સેલ્ફી પોઈન્ટ્સ, બાળકો હરી-ફરી શકે તે માટે કિડ્ઝ એન્ડ ગેમિંગ ઝોન પણ બનાવવામાં આવ્યો છે.
રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર વીર સૈનિકોની સ્મૃતિમાં ‘અજય પ્રહરી’ સ્મારકનું નિર્માણ કરાયું છે. આ સ્મારકની મુલાકાતે આવનાર પ્રવાસીઓ શહીદો પ્રત્યે શ્રધ્ધાંજલી પ્રગટ પણ કરી શકે છે. સુંદર ભીંતચિત્રોથી શણગારેલું 30 ફૂટ ઊંચું ટી-જંક્શન સીમા દર્શન સંકુલનું કેન્દ્રબિંદુ બની રહિયુ છે.
આ ઉપરાંત સીમા દર્શન માટે આવનારા સૌ પ્રવાસીઓ સુરક્ષાદળો-સેનાની સજ્જતાથી પરિચિત થાય તે હેતુથી ટી જંક્શનથી ઝીરો પોઈન્ટ સુધીના માર્ગો પર પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઈલ, સરફેસ ટુ એર મિસાઈલ, ટી-55 ટેન્ક, આર્ટીલરી ગન, ટોરપીડો અને મિગ-27 એરક્રાફ્ટ ડિસ્પ્લે કરવામાં આવી છે.
નડાબેટની મુલાકાતે આવનાર પ્રવાસીઓ બોર્ડરનો નજારો માણી શકે તે હેતુથી વ્યુઈંગ ડેસ્ક ટાવરનું નિર્માણ પણ કરાયું છે. ટાવર પરથી પ્રવાસીઓ દુર સુધી બોર્ડરને માણી શકે છે. બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે, જેમાં તેઓ વિવિધ આઉટ ડોર ગેમ્સ રમી શકે છે.
રીટ્રીટ સેરેમની માટે પરેડ ગ્રાઉન્ડ પણ તૈયાર કરાયું છે. દરરોજ સાંજે બી.એસ.એફના જવાનો દ્વારા પરેડ ગ્રાઉન્ડમાં રીટ્રીટ સેરેમનની યોજવામાં આવશે. આ રીટ્રીટ સેરેમની નિહાળીને દેશભક્તિ-રાષ્ટ્રભાવનાની અનોખી ચેતના અહીં આવનારા દરેક પ્રવાસીમાં ઉજાગર થાય તેવા શોર્યતાથી ભરપુર દ્રશ્યો સર્જાય છે.
પ્રવાસીઓને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પાર્કિંગ સુવિધા, પીવાના પાણીની સુવિધા, ટોઈલેટ બ્લોક્સ, અરાઈવલ પ્લાઝા, બેઠક વ્યવસ્થા, દુકાનો, રેટેનીંગ વોલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. નડાબેટને રાત્રે સૌર ઉર્જાથી પ્રકાશિત કરવા માટે સોલાર ટ્રી પણ લગાવ્યા છે.
સીમાદર્શન કાર્યક્રમનો પ્રારંભ થવાથી છેલ્લા પાંચ વર્ષોમાં સ્થાનિક રોજગારીમાં વધારો થયો છે. ઝીરો-પોઈન્ટની પાસે નડેશ્વરી માતાનું મંદિર આવેલું છે જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર્શનાર્થે આવે છે. નડેશ્વરી માતાના મંદિર પાસે વિસામાનું નિર્માણ પણ કરાવામાં આવ્યું છે અને નદેશ્વરી મંદિરની પુજા દેશના જવાનો જ કરતા હોય છે.
‘સીમાદર્શન’-નડાબેટ સરહદી જિલ્લા બનાસકાંઠા ખાતે આવેલું છે. સીમાદર્શનની મુલાકાતે જનાર દરેક પ્રવાસીએ સરકાર માન્ય ફોટો ઓળખપત્ર સાથે રાખવું ફરજીયાત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 24 ડિસેમ્બર 2016 ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સીમાદર્શન- નડાબેટ બોર્ડર ખાતે ઝીરો પોઈન્ટ પર સીમાદર્શન કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.