સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ ગૃહ મંત્રાલયને મોકલેલા રિપોર્ટમાં કહ્યું કે, પાકિસ્તાનનું ISI ભારતમાં મોટાં ફિદાયીન હુમલા કરવા માટે જૈશ અને ISISના આતંકીઓને સાથે લાવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, આઇએસઆઇએ થોડાં દિવસ અગાઉ અફઘાનિસ્તાનમાં જૈશ અને ISISના આતંકીઓની વચ્ચે ગુપ્ત બેઠક કરાવી છે. એટલું જ નહીં, પાકિસ્તાનનું આઇએસઆઇ છેલ્લાં એક મહિનાથી જૈશ અને તાલિબાનને પણ એકસાથે લાવવાની તૈયારીઓમાં લાગી ગયું છે, જેથી પુલવામા જેવા વધુ હુમલાઓ કરાવી શકાય.
ISI અને ISISએ હાથ મિલાવ્યા:
ગૃહ મંત્રાલયના એક અધિકારી અનુસાર, જૈશના આતંકી અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓની સાથે લાંબા સમયથી નાટો ફોર્સિસ વિરૂદ્ધ લડાઇ લડી રહ્યા છે. એવામાં અમે આ નવા ઇનપુટ પર નજર રાખી રહ્યા છીએ, પરંતુ જે પ્રકારે જૈશ અને ISISની વચ્ચે તાલમેળ વધારવાના પ્રયત્નો થઇ રહ્યા છે, તે જોતા એવું જ લાગી રહ્યું છે કે, આઇએસઆઇ ભારત વિરૂદ્ધ મોટું કાવતરું ઘડી રહ્યું છે.
મીટિંગમાં મસૂદ અજહર પણ હાજર રહ્યો:
ઇન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, બાલાકોટમાં ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલી એરસ્ટ્રાઇક બાદ એકવાર ફરીથી જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહર પણ સક્રિય થઇ ગયો છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર, જૈશના બહાવલપુર કેમ્પમાં મીટિંગ દરમિયાન મસૂદ અઝહરે જૈશ આતંકીઓ સાથે બેસીને ભારત પર પુલવામા જેવા વધુ મોટાં આતંકી હુમલા કરવા તૈયાર રહેવાનું કહ્યું છે. વળી, મસૂદ અઝહરે મીટિંગ દરમિયાન એમ પણ કહ્યું કે, તે છેલ્લાં 17 વર્ષોમાં ક્યારેય બીમાર નથી પડ્યો કે ના તો હોસ્પિટલમાં દાખલ થયો છે.
મસૂદે એમ પણ કહ્યું કે, તેના સ્વાસ્થ્ય અંગે ખોટાં સમાચારો ફેલાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બાલાકોટમાં જૈશના કેમ્પ પર થયેલી એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ કુરૈશીએ એક વિદેશી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મસૂદ અઝહરને કીડનીની ગંભીર બીમારી છે અને તેનું સ્વાસ્થ્ય ખરાબ છે. શાહ કુરૈશીએ કહ્યું હતું કે, ભારત જે પ્રકારે મસૂદ અઝહર સામે ભારત પર હુમલાના આરોપ લગાવી રહ્યું છે તે ખોટું છે.
જૈશે ભારત હુમલાની રણનીતિ બનાવી
ભારત યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં આતંકી જૂથ જૈશ-એ-મોહમ્મદ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયની રાહ જોઇ રહ્યું છે, પરંતુ જે પ્રકારે ચીન મસૂદ અઝહરના બચાવમાં સામે આવ્યું છે, તેના કારણે પાકિસ્તાન જૈશ પર કાર્યવાહી કરવામાં આનાકાની કરી રહ્યું છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઇ છે. હવે સ્થિતિ એવી છે કે, જ્યાં સુધી અઝહર મસૂદ અને જૈશ પર કડક કાર્યવાહી ના કરવામાં આવે ત્યાં સુધી જૈશના ભારત પર હુમલાનું જોખમ ઓછું નહીં થાય.