જામનગરમાં એક દુઃખ ભરી ઘટના બની છે. જામનગરમાં શાક માર્કેટની નજીક આવેલા દેવુભાના ચોક વિસ્તારમાં નવું બની રહેલું એક મકાન પડતા ઘટના સર્જાઈ હતી. અને આ ઘટના થતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આ મકાન નીચે 7 લોકો દબાયા હતા જેમાં ચાર લોકોનો બચાવ કરવામાં આવ્યો છે અને બેના મોત નિપજ્યા છે જ્યારે હજુ એક વ્યક્તિ દબાયેલો છે અને તેને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. ઘટનાને લઇને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી છે. તેમજ ફાયરબ્રિગેડ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.
જાણકારી અનુશાર આ મકાન બે માળનું હતું. કોઇ કારણોસર ધરાશાયી થયું હતું. મકાન બની રહ્યું હોવાથી મુસ્લિમ પરિવાર અને કડિયાઓ અંદર કામ કરી રહ્યા હતા. ફાયર વિભાગ દ્વારા બચાવેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, કંઇ વાંધો આવ્યો નથી, હાથમાં થોડોક સોજો આવી ગયો છે. બચાવ કાર્યમાં એનડીઆરએફની ટીમ પણ આવી ગઇ છે.
ઘટના સ્થળે ઉપસ્થિત લોકોનું નિવેદન:
બચાવકાર્યમાં જોડાયેલા અને નજરે જોનાર મકાન માલિકના કૌટુંબિક ભાઇ સલીમભાઇએ જણાવ્યું હતું કે આ મકાન મારા કૌટુંબિક ભાઇ અનવરભાઇનું છે. મકાન ધરાશાયી થયું ત્યારે નીચે ટોટલ સાત લોકો દબાયા હતા. જેમાં આગળના ભાગેથી ત્રણ છોકરીઓને બચાવી લીધી છે અને પાછળના ભાગેથી એક વ્યક્તિને બચાવી લીધા છે. મકાન નવું બની રહ્યું હોવાથી મારા ભાઇનો પરિવાર અને કડિયાઓ અંદર કામ કરી રહ્યા હતા.