Organ donation: અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ના તબીબોએ રાજ્યમાં અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેના વેઇટીંગ લીસ્ટને નેસ્તનાબૂદ કરવાનો અડગ નિર્ધાર કરી લીધો છે. જેના પરિણામે જ સતત પાંચ દિવસથી દિવસ રાત મહેનતના પરિણામે પાંચ અંગદાન થયા છે. સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ થતા 10 થી 15 દર્દીઓના સગા-સંબંધીઓને અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવી તેમનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું ત્યારે તેમાંથી 5 પરિવારોએ આ સત્કાર્યની સંમતિ દર્શાવી છે.
સિવિલ હોસ્પિટલમા તારીખ 9મે ના રોજ થયેલ 109મા અંગદાનની વાત એવી છે કે, મૂળ મહારાષ્ટ્રના અને અમદાવાદમાં પોતાની દોહિત્રીને મળવા આવેલા 43 વર્ષના ચિત્રાબેન ચંદેકર અમદાવાદથી મહેમદાબાદ પ્રવાસ કરી રહ્યા હતા. તે સમયે તેમનું વાહન સ્લીપ થઇ જતા તેઓ ઢળી પડ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં ચિત્રાબેનને માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ હતી. માથાના ભાગમાં અતિગંભીર ઇજાના પરિણામે તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં 24 કલાકની સારવારના અંતે તબીબોએ ચિત્રાબેનને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા. બ્રેઇનડેડ જાહેર કરાતા હોસ્પિટલના કાઉન્સેલર્સે પરિવારજનોને અંગદાનની અગત્યતા વિષે સમજણ આપી હતી. અંગદાનની સમજ મેળવીને પરિવારજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કરીને જરૂરિયાતમંદને નવજીવન આપવાનું નક્કી કર્યું હતું.
આ નિર્ણય બાદ જ્યારે ચિત્રાબેનના અંગદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે 7 થી 8 કલાકની મહેનતના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં હોસ્પિટલના તબીબો સફળ રહ્યા હતા. ચિત્રાબેનની કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ હોસ્પિટલમાં થયેલ 109મા અંગદાન વિશે જણાવતા કહ્યું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞની સુવાસ મહારાષ્ટ્ર સુધી પહોંચી છે. વધુ વાત કરતા ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે, કહેવાય છે ને કે સત્કાર્યને કોઇ સરહદ નડતી નથી તેવી જ રીતે અંગદાન કરવા માટે પણ આ સીમાડાઓનું કોઇ બંધન નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.