દક્ષિણ-મધ્ય યુએસમાં સ્થિત ટેક્સાસમાં વિસ્ફોટ બાદ 18,000 થી વધુ ગાયોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, મંગળવારે એક ડેરી ફાર્મમાં વિસ્ફોટ થયો અને ભીષણ આગ લાગી હતી, જેના કારણે મોટી સંખ્યામાં ગાયો દાઝી જવાથી મૃત્યુ પામી હતી.
અમેરિકા(America)ના ટેક્સાસ(Texas)માં ખુલ્લા વાડામાં આગ લાગવાની આ ઘટનાને અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના કહેવામાં આવી રહી છે. જો કે આગ ક્યાં કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. તે જ સમયે, ફાર્મના માલિકે હજુ સુધી આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી.
મળતી માહિતી મુજબ, જ્યારે વિસ્ફોટ થયો ત્યારે આ વિસ્તારમાં આકાશ કાળા ધુમાડાથી ભરાઈ ગયું હતું. ફોટામાં જ્વાળાઓ જોઈ શકાય છે. જોકે, ઘટનાસ્થળે પહોંચેલા ફાયરના જવાનોએ એક વ્યક્તિને બચાવી લીધો હતો અને તેને ઈજાગ્રસ્ત હાલતમાં બિલ્ડિંગની અંદરથી બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા. જેની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘટના સ્થળની નજીકના ખેતર તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, વિસ્ફોટ ત્યારે થયો જ્યારે ગાયો દૂધ કાઢવા માટે એક જગ્યાએ એકઠી થઈ હતી. ગાયોના માલિકને ખુબજ મોટું નુકસાન થયું છે. ત્યાંના લોકોએ જણાવ્યું કે વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને ઘટનાસ્થળથી કેટલાય કિલોમીટર દૂર આકાશમાં કાળો ધુમાડો જોવા મળ્યો હતો.
અમેરિકાના ટેક્સાસમાં આવી ઇમારતો માટે ફાયર સેફ્ટી કોડ અપનાવ્યા છે અને આવી આગથી પ્રાણીઓને બચાવવા માટે દેશભરમાં લાગુ પડતા કોઈ સંઘીય નિયમો નથી. છેલ્લા દાયકામાં, લગભગ 6.5 મિલિયન પ્રાણીઓ આવી આગમાં મૃત્યુ પામ્યા છે, જેમાંથી મોટાભાગના મરઘાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.