પાકિસ્તાનમાં આજે જોઇન્ટ સેશનમાં વડાપ્રધાન ઇમરાન ખાને સંસદમાં સંબોધન કર્યુ હતું. જેમાં વડાપ્રધાને કહ્યું કે, તેઓ ધરપકડ કરાયેલા ભારતીય પાઇલટને આવતીકાલે જ મુક્ત કરી દેશે. સંસદ સત્રની શરૂઆતમાં ઇમરાન ખાને કહ્યું કે, તેઓએ આ મુદ્દે નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરવાના પ્રયત્નો પણ કર્યા હતા.
મિલિટરીના મીડિયા વિંગ – ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)એ એક સુચનાપત્ર જાહેર કર્યુ છે. જે અનુસાર, પાકિસ્તાનની મિલિટરી LoC પર હાઇ એલર્ટ પર છે, તેઓની પાસે જરૂરી તમામ સેફગાર્ડ્સ પણ મોજૂદ છે. મિલિટરી ભારતના કોઇ પણ પ્રહારનો જવાબ આપવા તૈયાર છે. ISPRએ કહ્યું કે, પાકિસ્તાનનું એરફોર્સ અને પાકિસ્તાન નેવી પણ હાલ એલર્ટ પર છે.
સુચનાપત્ર અનુસાર, છેલ્લાં 48 કલાકમાં ભારતીય મિલિટરીએ સતત કોટલી, તાતા પાની અને LoC સહિત અન્ય સેક્ટર્સમાં સિઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. આર્મી તેને જવાબ આપવા માટે તૈયાર છે. ઇન્ડિયન ફોર્સ અને ઇન્ડિયન ચેક પોસ્ટમાં જાનહાનિ અને નુકસાનનો પણ સુચનાપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભારતીય આર્મી જાણી જોઇને સિવિલિયન્સ પર ફાઇરિંગ કરી રહી છે. જેમાં ચાર શહીદ થયા છે અને 2 નાગરિકો ઘાયલ થયા છે. પાકિસ્તાનનું આર્મ ફોર્સ કોઇ પણ પરિસ્થિતિ માટે તૈયાર છે. હાલ નાગરિકોને અપીલ છે કે, તેઓ કોઇ પણ અફવાઓ ઉપર ધ્યાન ના આપે.
જોઇન્ટ સેશનમાં એમએનએ અલી મોહમ્મદ ખાને ભારત-પાકિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચાનો પ્રસ્તાવ મુક્યો હતો. ઇમરાન ખાને પોતાના સંબોધનમાં કહ્યું કે, મેં તેઓને આપણી ધરતી પર જ હુમલા કરવા અંગે ચેતવણી આપી હતી.
જો કે, ઇમરાન ખાને મિલિટરી એક્શન માટે દુઃખ વ્યક્ત કર્યુ હતું. ઇમરાને કહ્યું કે, ભારતે પુલવામા હુમલાને લગતા ડોઝીયર આજે શા માટે મોકલાવ્યા? બે દિવસ અગાઉ મિલિટરી હુમલા કર્યા બાદ હવે ડોઝીયર મોકલવાનો શું અર્થ છે? શું આ અગાઉથી જ ના થઇ જવું જોઇએ? આપણે ભારતને પુરાવા અને ઇન્વેસ્ટિગેશન માટેની બાંહેધરી આપી દીધી હતી.
ઇમરાન ખાને કહ્યું કે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેઓએ કોઇ પ્રતિભાવ આપ્યો નહતો. મને લાગે છે કે, આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ જે કંઇ પણ થઇ રહ્યું છે તે અયોગ્ય છે. મેં નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરવાના પ્રયત્નો પણ કર્યા હતા, પરંતુ અમારી વાતચીત થઇ નહતી. ભારતની કાશ્મીર પોલીસી પર સવાલ ઉઠાવતા પીએમ ખાને કહ્યું કે, તમે કોઇ વિચારને જેલમાં ના મોકલી શકે.
ઇમરાન ખાને કહ્યું કે, ભારત સાથેના તણાવ દરમિયાન પાકિસ્તાનના મીડિયાનું વલણ ભારતની સરખામણીએ વધુ પરિપક્વ રહ્યું. તેઓએ યુદ્ધને લગતી બેફામ ચર્ચાઓ નથી કરી. બીજી તરફ, ભારતીય મીડિયામાં સતત વૉર હિસ્ટિરિયા જોવા મળ્યું. અમે જવાબદારીપૂર્વક વર્તન કર્યુ છે, ભારતને કે અમારાં દેશને કોઇ પણ પ્રકારનું નુકસાન થાય તેવું અમે નથી ઇચ્છતા.
પાકિસ્તાને બાલાકોટના હુમલા બાદ પણ ખૂબ જ સાવધાનીપૂર્વક યોગ્ય વર્તન જાળવી રાખ્યું છે. અમારાં તરફથી થયેલી એરસ્ટ્રાઇક્સ માત્રને માત્ર એ દર્શાવવા માટે હતી કે, અમે પણ જવાબ આપી શકીએ છીએ.
છેલ્લાં 4 વર્ષથી જે કંઇ પણ થઇ રહ્યું છે, તે મુદ્દે હું ભારતની જનતાને સવાલ કરવા માંગુ છું. કાશ્મીર મુદ્દે સ્વદેશી આંદોલન ચાલી રહ્યા છે. કાશ્મીર લીડર્સ અલગ થવા નહોતા ઇચ્છતા, પરંતુ આજે તેઓ અલગ કાશ્મીર ઇચ્છે છે, તેની પાછળનું મુખ્ય કારણ ભારતનો અત્યાચાર છે. શા માટે ભારતે એવો સવાલ ના કર્યો કે, માત્ર 19 વર્ષના યુવકે હ્યુમન બોમ્બ બનવાનો વિચાર શા માટે કર્યો?
આઇનસ્ટાઇનની થિયરી છે કે, ગાંડપણ એને કહેવાય કે તમે વારંવાર એક જ વસ્તુ કર્યા કરો અને અલગ અલગ પરિણામોની આશા રાખો. ક્યાં સુધી કાશ્મીર મુદ્દે માત્રને માત્ર પાકિસ્તાનને જ જવાબદાર ઠેરવવામાં આવશે? તમે કોઇ પણ જાતના પુરાવા વગર કથિત આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહીની માંગણી કરતા રહો છે.
મને લાગે છે કે, ભારતીય પ્રજા હાલની સરકારની યુદ્ધ માનસિકતા ઇચ્છતી નથી. જો તેઓના મીડિયાએ એ જોયું હોત તે અમે છેલ્લાં 17 વર્ષથી જોતાં આવીએ છીએ, તો તેઓએ યુદ્ધને લગતા સમાચારો ઠાલવ્યા ના હોત. દેશ માત્રને માત્ર ગેરમાર્ગે દોઇ રહ્યા છે. યુદ્ધ ઉકેલ નથી. જો ભારત કોઇ એક્શન લેશે તો અમારે સામે જવાબ આપવો જ પડશે. આ સ્થિતિ હાથમાંથી જવી ના જોઇએ, નહીં તો તે ભારત કે પાકિસ્તાનના હાથમાં નહીં રહે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ નિવેદન આપ્યું છે કે, જો ભારતીય પાઇલટને પરત કરવાથી બંને દેશોની વચ્ચે તણાવ ઘટી શકે તો તેઓ તૈયાર છે. પુલવામા આતંકી હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાના તમામ પુરાવાઓ સાથે ભારતમાંથી મોકલવામાં આવેલું ડોઝિયર પાકિસ્તાનને મળી ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેની પુષ્ટી કરી છે.
પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતના ધરપકડ કરાયેલા પાઇલટ અંગે નિર્ણય આગામી દિવસોમાં જ લઇ લેવામાં આવશે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે, જો ભારતીય પાઇલટના પરત ફરવાથી બંને દેશો વચ્ચે તણાવ ઓછું થાય છે તો તેના પર વિચાર કરી શકે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મહેમૂદ ફૈઝલે આ વાતની પુષ્ટિ કરી છે કે, પુલવામા હુમલા વિશે ડોઝીયર ગુરૂવારે મળી ચૂક્યું છે. તેઓએ કહ્યું કે, હાલ અધિકારીઓએ આ ડોઝીયરનું વિશ્લેષણ નથી કર્યુ, જો પર્યાપ્ત પુરાવા મળે છે તો વડાપ્રધાન ઇમરાન ખાનના નિર્દેશ પર કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાનમાં ધરપકડ કરાયેલા ભારતીય પાઇલટનું શું કરવાનું છે તેના વિશે નિર્ણય આગામી થોડાં દિવસોમાં આવશે. ભારતીય પાઇલટ સુરક્ષિત અને સ્વસ્થ છે.
ફૈઝલે કહ્યું કે, ભારતે આ મામલાને અમારી સામે ઉઠાવ્યો છે. અમે આ વિશે આગામી થોડાં દિવસોમાં નિર્ણય લઇશું કે, પાઇલટ મુદ્દે જિનિવા કન્વેન્શન લાગુ થાય છે કે નહીં, તેઓને યુદ્ધ કેદીનો દરજ્જો આપવામાં આવે કે નહીં.
પાકિસ્તાનનું એવું માનવુ છે કે, અમારાં એર સ્પેસમાં ભારતીય વિમાનોની એન્ટ્રી અમારાં સૈન્ય પ્રતિષ્ઠાનો પર હુમલો છે. પરંતુ પાકિસ્તાને જે હવાઇ હુમલા કર્યા તે નોન-મિલિટરી ઠેકાણાંઓ પર કર્યા છે.