પોલીસ ગ્રેડ-પે આંદોલન મુદ્દે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આવ્યા મેદાનમાં- સરકાર સમક્ષ મૂકી આ માંગણીઓ

ગુજરાત(Gujarat): રાજ્‍યના તમામ કર્મચારીઓને મળવાપાત્ર લાભો અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે જોવાની જવાબદારી રાજ્‍ય સરકાર(State Government)ની છે, છતાં રાજ્‍યમાં પોલીસના ગ્રેડ-પે(Grade-Pay) ખૂબ જ ઓછા છે, જેમાં સુધારો કરવાની માંગ સાથે પોલીસ કર્મચારીઓએ સરકાર સામે આંદોલનાત્‍મક ભૂમિકામાં આવવાની ફરજ પડી છે. ત્‍યારે પોલીસ આંદોલન(Police movement)ને સમર્થન જાહેર કરતાં વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી(Paresh Dhanani)એ જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓ પાસે રાજકીય હેતુઓ પાર પાડવા જનમેદની એકઠી કરવાથી લઈને તમામ કામો રાત-દિવસ, વરસાદ-તડકા-ઠંડીમાં કરાવવામાં આવે છે તેમ છતાં તેઓને પુરતું વેતન આપવામાં આવતું નથી ત્‍યારે પોલીસ કર્મચારીઓનો ફરજનો સમય વધુમાં વધુ ૮ કલાક નક્કી કરીને પુરતું વેતન અને ગ્રેડ-પે આપવાની માંગ સાથે નીચેના પ્રશ્નોમાંથી પોલીસને મુક્‍ત કરાવવાની માંગણી છે.

પરેશ ધાનાણીએ પોલીસના પ્રશ્નો અંગે જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકાર દ્વારા પોલીસ પાસે રાજકીય અને સરકારી મેળાવડાઓમાં રાજકીય ઈરાદાઓ પાર પાડવા માટે ભીડ ભેગી કરાવવામાં આવે છે, રાજકીય ઈશારે એન્‍કાઉન્‍ટર કરાવવામાં આવે છે, નિર્દોષ લોકોની ધરપકડ કરાવી તેમની સામે ખોટા કેસો દાખલ કરાવે છે, જેલમાં પુરવા સહિતના કામો રાજકીય ઈશારે પોલીસ પાસે સત્તાના જોરે કરાવે છે તેવી કામગીરી બંધ કરાવવી જોઈએ.

રાજ્‍યમાં વસ્‍તીના પ્રમાણમાં પોલીસની સંખ્‍યા ઓછી હોવાના કારણે પોલીસ કર્મચારીઓને સતત નોકરી કરવી પડે છે, રાજ્‍યમાં વસ્‍તીને ધ્‍યાને રાખીને ૧.૫૦ લાખ પોલીસ હોવા જોઈએ તેવી રાજ્‍યના પૂર્વ ડીજીપીએ સરકારને ભલામણ કરી હતી, જેને આજે છ વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં અંદાજે ૭૦ હજાર જેટલા પોલીસ કર્મચારીઓ જ છે એટલે પુરતી સંખ્‍યામાં ભરતી તાત્‍કાલિક કરવી જોઈએ.

વધુમાં જણાવતા કહ્યું છે કે, પોલીસને ૮-૮ કલાકની ત્રણ શિફટમાં કામ કરવાની સાથે અઠવાડીક રજા આપવાની હોય છે, પરંતુ પોલીસની ઓછી સંખ્‍યાના કારણે અઠવાડીક રજા પણ અપાતી નથી અને જરૂરિયાત કરતાં ઓછા પોલીસ હોવાના કારણે પોલીસ કર્મચારીઆને ૧૫-૧૫ કલાક કામ કરવું પડે છે, પોલીસ કર્મચારીઓ પાસેથી વધુ કલાક કામ લેવાના કારણે તેઓ માનસિક, શારીરિક અને સામાજીક સમસ્‍યાઓથી પીડાય છે. છેલ્લા એક વર્ષમાં કોન્‍સ્‍ટેબલથી લઈ પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર સુધીના અનેક પોલીસ કર્મચારીઓએ આત્‍મહત્‍યા કરી જીવન ટુંકાવ્‍યું છે. પોલીસ આત્‍મહત્‍યા સુધી પહોંચે ત્‍યાં સુધી તેઓની સમસ્‍યાઓ ઉકેલવા માટે રાજ્‍ય સરકાર દ્વારા ધ્‍યાન અપાતું નથી.

સચિવાલયના સેકશન ઓફિસર અને પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટરનું પગારધોરણ સરખું હોય છે ત્‍યારે સેકશન ઓફિસર ચોક્કસ સમય માટે કામ કરે છે, સેકશન ઓફિસરની સચિવાલય બહાર બદલી થતી નથી, તેઓને સરકારી આવાસની સુવિધા મળે છે, જ્‍યારે પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટરને અમર્યાદિત સમય માટે કામ કરવું પડે છે, તેઓની દર બે-ત્રણ વર્ષે બદલી થાય છે. દરેક ફરજના સ્‍થળે સરકારી આવાસ ઉપલબ્‍ધ થતા નથી, પોલીસની નોકરીમાં જોખમ વધુ હોય છે. ૩૬૫ દિવસમાં ૧૫-૧૫ કલાક કામ કરવાનું અને દર બે-ત્રણ વર્ષે બદલી થતી હોઈ તેમના સંતાનોના અભ્‍યાસ પર તેની ગંભીર અસર પડે છે, જેથી પોલીસની ફરજ દિવસમાં વધુમાં વધુ આઠ કલાક નક્કી કરવામાં આવે.

રાજ્‍યમાં પોલીસ મેન્‍યુઅલ અંગ્રેજોના સમયનું છે, પોલીસને સાયકલ એલાઉન્‍સ ૨૦ રૂપિયા અને શેવીંગ એલાઉન્‍સ પાંચ રૂપિયા આપવામાં આવે છે. ગુનેગાર ફોર્ચ્‍યુનરમાં આવે અને પોલીસ સાયકલ લઈને પકડવા જાય તેવી હાલત રાજ્‍યના પોલીસની છે. જૂના પોલીસ મેન્‍યુઅલમાં તાત્‍કાલિક સુધારો કરવામાં આવે અને પોલીસ કર્મચારીઓને મળતા એલાઉન્‍સમાં મોંઘવારીના દરો મુજબ સુધારો કરવામાં આવે.

કર્મચારીઓના રક્ષણ અને પ્રશ્નોના નિકાલ માટે વિવિધ યુનિયનો બનાવવામાં આવે છે, માત્ર પોલીસ તંત્રમાં યુનિયન બનાવવાની પરવાનગી આપવામાં આવતી નથી, રાજ્‍યના પોલીસ કર્મચારીઓને પણ યુનિયન બનાવવાનો અધિકાર આપવામાં આવે. પોલીસ કર્મચારીઓના અવાજને દબાવવા માટે રાજ્‍ય પોલીસ વડા તરફથી પરિપત્રો જાહેર કરીને ગુજરાત પોલીસના સદસ્‍યો માટે સોશ્‍યલ મીડીયાના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્‍યો છે તેવા તમામ પરિપત્રો રદ કરવામાં આવે.

રાજ્‍યના નાગરિકોની સેવાર્થે કામ કરતાં પોલીસ તંત્ર સહિત તમામ સરકારી ભરતીઓમાં ફીક્‍સ પગારની પ્રથા નાબુદ કરવી જોઈએ. રાજ્‍ય સરકાર પોલીસ કર્મચારીઓ પ્રત્‍યે માનવીય અભિગમ દાખવી તેઓના પ્રશ્નોનું તાત્‍કાલિક હકારાત્‍મક નિવારણ લાવે તેવી માંગણી પરેશ ધાનાણીએ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *