ભરૂચ તાલુકાના બોરી ગ્રામ પંચાયતે પર્યાવરણના જતન માટે અનોખી પહેલ કરી છે. ગામના લોકો ઘર દીઠ 3 વૃક્ષોનું રોપણ અને માવજત કરશે તો પંચાયત તેમના ઘરનો 1 વર્ષનો વેરો માફ કરી દેવામાં આવશે. પર્યાવરણનું જતન થાય અને લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવા હેતુથી ભરૂચની વિવિધ સંસ્થાઓએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરી હતી.
બોરી ગ્રામ પંચાયતના સરપંચ મીનાબેન વસાવા અને ઉપ સરપંચ અરૂણ વસાવા દ્વારા પર્યાવરણના જતન માટે એક અનોખી પહેલ કરી છે.તેમણે પર્યાવરણની જાણવણી હેતુથી પર્યાવરણમિત્ર યોજના જાહેર કરી છે. આ યોજનામાં તેમણે ગામમાં આવેલા ઘર દીઠ 3 વૃક્ષો સફળતાપૂર્વક ઉછેરવામાં આવશે તો એક વર્ષ પછી પંચાયત દ્વારા તે વૃક્ષોની મુલાકાત લઈને ખાતરી કરવામાં આવશે અને તે ઘરનો 1 વર્ષનો વેરો માફ કરી દેવામાં આવશે.
ગ્રામજનોની નોંધણી કરીને વૃક્ષો પણ ગ્રામ પંચાયત દ્વારા આપશે.જો કોઈ ગ્રામજનો પાસે જમીન નહિ હોય તો પંચાયત તેને ગામની ગૌચર જમીન પર પણ વૃક્ષારોપણ કરવાની પરવાનગી આપશે.બોરી ગામ પંચાયતના પર્યાવરણના જતન અંગેના નિર્ણયને ખરેખરે અન્ય પંચાયત અનુસરે તો આવનારા સમયમાં દેશમાં હરિયાલી ક્રાંતિ લાવી શકાશે.