લોકસભાની ચૂંટણીમાં પોતાના દમ પર ભાજપને ભવ્ય વિજય અપાવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નામની આગળ મુકેલુ ચોકીદાર શબ્દને હટાવી લીધો છે. વડાપ્રધાનના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ચોકીદાર શબ્દને દુર કરાયો છે. એટલું જ નહી વડાપ્રધાને ભાજપના જે કોઇ નાના મોટા નેતાઓ કે મંત્રીઓએ પોતાના નામની આગળ ચોકીદાર લખ્યું હતું તેઓને પણ તેને હટાવી લે તેવી અપીલ કરી છે. મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી આ પ્રકારનો મેસેજ આપ્યો છે. મોદીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે, ચોકીદાર શબ્દ ભલે હટાવી દેવાયો પરંતુ મારા દિલમાં ચોકીદાર શબ્દની ભાવના અને લાગણી રહેશે.
અત્રે નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં વિવિધ જાહેર સભામાં કોંગ્રેસના પ્રસિડેન્ટ રાહુલ ગાંધીએ ચોકીદાર ચોર હૈના નારા લગાવ્યા હતા. રાફેલ ફાઇટર જેટ વિમાનોની ખરીદીમાં મોદીએ મોટો ભ્રષ્ટાચાર કરીને પોતાના મિત્ર અનિલ અંબાણીને 30 હજાર કરોડ આપી દીધાનો આક્ષેપ રાહુલ ગાંધીએ અનેક વખત કર્યો હતો ત્યારબાદ રાહુલે મોદીને ‘ચોર’નું બિરુદ આપ્યું હતું, કારણ કે વડાપ્રધાન મોદીએ અનેક વખત જાહેરમાં કહ્યુ હતુ કે હું આ દેશનો ચોકીદાર છું અને દેશની તિજોરી પર કોઇનો પંજો પડવા દઇશ નહી.
મોદી અને અમિત શાહ દ્વારા ગાંધી પરિવાર પર વારંવાર આકરા પ્રહારો કરાતા હતા જેને પગલે રાહુલ ગાંધીએ રાફેલ કૌભાંડનો હવાલો આપી ચોકીદાર ચોર હૈનો નારો આપ્યો હતો. જેની સામે વડાપ્રધાન મોદીએ પણ વળતો પ્રહાર કરી મૈં ભી ચોકીદાર એ પ્રકારનું સુત્ર આપ્યું હતું. એટલું જ નહી મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લખી નાખ્યો હતો. જેને પગલે અમિત શાહ અરૂણ જેટલી, રાજનાથ સિંહ ,સુષ્મા સ્વરાજ જેવા અનેક કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓએ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લખી દીધો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ સહિતના અનેક મંત્રી તથા ભાજપના આગેવાનોએ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દ લખી દીધો હતો પરંતુ હવે ચૂંટણી સંપન્ન થતા ખુદ મોદીએ જ પોતાના નામની આગળથી ચોકીદાર શબ્દને હટાવી લીધો છે. મોદીની અપીલને પગલે ભાજપના મંત્રીઓ અને નેતાઓએ પણ પોતાના નામ આગળથી ચોકીદાર શબ્દને હટાવવાનું શરૂ કરી દીધું છે.
લોકસભા ચૂંટણીની મત ગણતરીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને સાથી પક્ષોને ભવ્ય સફળતા મળતા વિશ્વના અનેક દેશોના વડાઓએ નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી રહયા છે.
ઇઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહુએ મોદીને શુભેચ્છા આપતા સાથે મળીને કામ કરવાની વાત કરી હતી. આ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગ, જાપાનના વડા પ્રધાન શિંઝો આબે, શ્રીલંકાના પીએમ રનિલ વિક્રમસિંઘ, રશિયાના પ્રેસિડેન્ટ વ્લામાદિર પુતિન, નેપાળના વડાપ્રધાન કે.પી.શર્મા ઓલી, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, વિયેટનામના વડાપ્રધાન ગુયેન ઝુઆન ફુક, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પણ PM મોદીને જીત બદલ શુભેચ્છા આપી છે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, ફ્રેન્ચના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, માલદિવ્સના પ્રમુખ, મોરિશિયસના પીએમએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા. યુ.કેના સંસદ સભ્ય બોરિસ જ્હોન્સને PM મોદીને અભિનંદન પાઠવતા નવા ભારતની આશાવાદી દ્રષ્ટિ માટે મજબૂત સમર્થન આપ્યુ તેમજ આગામી વર્ષોમાં યુકે-ઇન્ડિયા વચ્ચે સારા સંબંધો રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી.