ગુજરાતના ચકચારી નલિયા કાંડ, માંડવી માતૃશ્રી કાંડ કે ઉના ના દલિત દમન કાંડ બાદ પણ ચૂપ રહેલા પ્રધાનમંત્રીએ રાજસ્થાનમાં દલિત યુવતી સાથે થયેલા બળાત્કાર ની ઘટનાને લઈને દલિતકાર્ડ ખેલતા સ્ટેજ પરથી કોંગ્રેસને ખુબ સંભળાવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી અલવરમાં ઘટેલી ઘટનાએ દેશભરમાં ભારે ચર્ચા જગાવી છે. ત્યાં બે સપ્તાહ પહેલા એક દલિતની દિકરી સાથે કેટલાક દરિંદાઓએ બળાત્કાર ગુજાર્યો. પરંતુ આ દરિંદાઓને પકડવાના બદલે ત્યાંની પોલીસ અને કોંગ્રેસ સરકાર તેને દબાવવાના કામમાં જોતરાઈ ગઈ. કોંગ્રેસ નથી ઈચ્છતી કે ચૂંટણી પહેલા તેને ત્યાંથી કોઈ આવા સમાચાર આવે. જે દિકરીને ન્યાય મળવો જોઈતો હતો તેને કોંગ્રેસ દબાવી રહી છે. આ જ કોંગ્રેસના ન્યાયની હકીકત છે.
આ સિવાય પણ સેના, પોતાને પછાત ગણાવવાના નિવેદનને લઈને રાજકારણ કરતા પ્રધાનમંત્રીએ નિવેદનો કરવામાં પાછી પાની કરી નહોતી. વડાપ્રધાને કહ્યું હતું કે, આ ચૂંટણી દરમિયાન સપા-બસપા મારી જ્ઞાતીને લઈને પ્રહાર કરે છે. હું પછાત જ્ઞાતિમાં જન્મ્યો છું દરેક ગરીબ અને પછાતને આગળ વધારવા માટે દિવસ-રાત ભારે મહેનત કરી રહ્યો છું. હું ગુજરાતમાં સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી રહ્યો અને પાંચ વર્ષથી વડાપ્રધાન છું. તમે મારા બેંક ખાતા તપાસી શકો છો. મારો કોઈ બંગલો હોય તો શોધી બતાવો. હું ગરીબોનું દુ:ખ સમજુ છું, મેં ના તો મારા માટે પૈસા ભેગા કર્યા છે કે ના તો મારા પરિવારજનો માટે કંઈ કર્યું છે. હું તો માત્ર 130 કરોડ દેશવાસીઓ માટે કામ કરી રહ્યો છું. આ લોક ગમે તેટલી ગાળો આપે પણ મારૂ ધ્યાન દેશ પરથી નહીં જ હટે.
સેના બાબતે વડાપ્રધાને કહ્યું હતું કે, સરહદ પર જાવ તો ગાઝીપુરનો કોઈને કોઈ સપૂત જરૂરથી મળશે અને અહીંના ગહમર ગામની દેશભક્તિની તો દેશભરમાં ચર્ચા થાય છે. દેશની રક્ષા માટે વિપક્ષ શું વિચારે છે તે તમારે જાણવું જરૂરી છે. જે હું જણાવવા જઈ રહ્યો છું તેનાથી દેશના આંખમાં આંસુ આવી જશે. કર્ણાટકમાં કોંગ્રેસે જેમને મુખ્યમંત્રી બનાવ્યા છે, તે સીએમના પિતા પીએમ પણ રહી ચુક્યા છે. જે કર્ણાટકમાં સરકાર ચલાવી રહ્યાં છે તેમણે કહ્યું હતું કે, સેનામાં તો એ લોકો જ જાય છે, જેમની પાસે પૈસા નથી હોતા અને ભૂખ્યા રહે છે. તો શું ગાઝીપુર અને પૂર્વાંચલ પોતાના બાળકોને સેનામાં એટલા માટે જ મોકલે છે કે તેમની પાસે ખાવાના પણ પૈસા નથી? શું આ સેનાનું અપમાન નથી? તમે આ વાતનો જવાબ આપશો કે નહીં. વડાપ્રધાને કહ્યું હતું કે, જે સેનામાં જાય છે રોટલી માટે નહીં પણ ગોળીઓ ખાવા જાય છે.