પ્રધાનમંત્રી નરેંદ્ન મોદીના ખાસ અને BJP અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની સયાજી એક્સપ્રેસમાં ચાલુ ટ્રેન એ 2 ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. મોરબી અને માળિયા વચ્ચે ટ્રેનમાં ગોળી મારવામાં આવી. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ટ્રેનમાં ઘૂસી ગોળી મારી હતી. તેઓ ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા.
તેમને એક ગોળી છાતીમાં અને એક ગોળી આંખમાં વાગી હતી. કટારિયા-સૂરજબારી સ્ટેશન વચ્ચે આ ઘટના બની હતી. તેઓ ટ્રેન નંબર 19116માં સવાર હતા. આ હત્યા અંગત અદાવતમાં કરવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લાના પોલીસ વડા સહિત પોલીસ કાફલો તૈનાત થઇ ગયો છે. આ મામલે FSLની પણ મદદ લેવામાં આવી રહી છે. જયંતી ભાનુશાળીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવશે. જ્યંતી ભાનુશાળીના અંતિમ સંસ્કાર અમદાવાદમાં કરાશે. રેલ્વે સાથે સંકળાયેલા મર્ડરની થિયરી પર પોલીસ તપાસ કરશે. રેલ્વે પોલીસે SITની રચના કરી. રાજકોટ DySPની પણ મદદ લેવાશે. રેલ્વે LCBના એક PI, 2 PSI તથા પોલીસ કોન્સ્ટેબલનો પણ સમાવેશ કરાશે.
જયંતી ભાનુશાળી પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ હતા. અને તેમના પર ગયા વર્ષે સુરતની એક યુવતી દ્વારા બળાત્કારના સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. અને થોડા સમય બાદ તેમના વચ્ચે સમાધાન થઈ ગયું હતું.
જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ હત્યા માટે કચ્છ ભાજપના નેતા છબિલ પટેલને જવાબદાર ગણાવ્યા હતા. જયંતિ ભાનુશાલીના પત્નીએ આક્ષેપ લગાવતા કહ્યું કે, મારા પતિની હત્યા કરાવવા પાછળ છબિલ પટેલનો હાથ છે. છબિલ પટેલ જ મારા પતિની હત્યા કરાવી છે. તેણે જ ષડયંત્ર ગોઠવ્યું છે. મારા પતિની હત્યા કરાવીને તે અમેરિકા જતો રહ્યો છે. એમની જ ગેંગે હત્યા કરાવી છે. મારા પતિને મારનાર છબિલ પટેલ જ છે. સોપારી આપીને જતો રહ્યો છે. મારા પતિ ચાર પાંચ દિવસથી કચ્છ ગયા હતા. આવું થઈ જશે તેની ખબર ન હતી એટલે તેઓ બિન્દાસ ફરતા હતા.
જયંતિ ભાનુશાળીના ભાઈએ કહ્યુ કે મારા ભાઈની રાજકીય હત્યા કરવામાં આવી છે. મારા ભાઈને પહેલા બે વખત છોકરીઓને કેસમાં ફસાવ્યા છે. એમાં સફળ ન રહેતા બીજા બે-ત્રણ કાવતરાં કર્યા હતા. તે કહેતો હતો કે હું રાજકારણમાંથી જયંતિ ભાનુશાલીનો ‘ર’ જ કાઢી નાખીશ. છબિલ પટેલે પોતાના સાગરીતો રાખ્યા છે. તેમણે અમારી સાથે કહેવા પૂરતું સમાધાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હું જયંતિભાઈને મૂકીશ નહીં. તેમણે માણસો રાખીને હત્યા કરાવી છે. હજી અમારા ઘર પર ફાયરિંગ કરશે તેવો અમને ડર છે.
મારા ભાઈનો કોઈ દુશ્મન નથી. મારા ભાઈ એચ-1માં હતા, તો પણ કેવી રીતે હત્યા થઈ. મારા ભાઈની રાજકીય હત્યા છે. મારા ભાઈ ઊંઘમાં હતા ત્યારે ફાયરિંગ કર્યું હતું. તેઓ અમદાવાદ આવી રહ્યા હતા. ટ્રેનમાં છબીલના માણસો પાછળ હતા. પોલીસ કંઈ નહીં કરે તો અમારા ઘર પર જોખમ છે. અમારું ખાનદાન ખતમ કરવા તે બેઠો છે. તેમને કોઈ સજા નહીં થાય તો અમને જે પણ થશે તેની જવાબદારી પોલીસની રહેશે.