દિવસ-રાત ખડેપગે રહેતી સુરત પોલીસ (Surat Police) નો માનવીય ચહેરો પણ સામે આવ્યો છે. સુરત શહેરમાં અણુવ્રત દ્વાર પાસે સવારે 10.45 વાગે 23 વર્ષીય ધવલ વિષ્ણુભાઈ બારોટ કોઈ કારણોસર ઓવરબ્રિજ પરથી આપઘાત કરવાના ઈરાદા સાથે પસાર થઈ રહ્યો હતો. આ વાતની જાણ એક જાગૃત્ત યુવકને થઇ અને તાત્કાલિક બ્રિજની નીચે ટ્રાફિક પોઈન્ટ, ચાર રસ્તા પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફને આ અંગે જાણ કરી હતી.
ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ બદુભાઈ રાઠોડ, એલ. આર. જીતેશ જીવાભાઈ, રમેશભાઈ ભરાભાઈ અને મહિલા કોન્સ્ટેબલ કોમલબેન સહીત અન્ય પોલીસ જવાનો યુવકને બચાવવા દોડી ગયા હતા. આપઘાત કરવા પહોચેલા યુવક પાસે જઈ, યુવકને સમજાવી બ્રીજ પરથી નીચે ઉતાર્યો અને ઓફિસમાં બેસાડીને એક કલાક સુધી ક્યારેય આપઘાત ન કરવા સમજાવ્યો હતો.
ધવલ બારોટ નામનો યુવક સવારે આપઘાતના ઈરાદે ઓવરબ્રિજ પર આવ્યો હતો. ત્યાં સુરત પોલીસે સૂઝબૂઝથી યુવકને સમજાવી નવજીવન આપ્યું હતું. પોલીસે ધવલના પિતા વિષ્ણુભાઈ નટવરલાલ બારોટ અને કાકા ગોવિંદભાઈ નટવરલાલ બારોટને સહીસલામત સોંપ્યો હતો. આમ, સુરત શહેર પોલીસની માનવીય અભિગમના પરિણામે એક યુવકની જિંદગી બચાવવાનું સરાહનીય કાર્ય કર્યું હતું. પોલીસ સ્ટાફની હકારાત્મક કામગીરીથી અન્ય વિભાગોને પણ પ્રેરણા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.