ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની ધડબડાટી- 234 તાલુકામાં ભારે વરસાદ, સૌથી વધુ વિસાવદરમાં સવા 12 ઈંચ વરસાદ

Monsoon Update News: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી સાચી પડી રહી છે. રાજ્યમાં ફરી બરાબરનો વરસાદી માહોલ જામી ચુક્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ પડી ચુક્યો છે. આજે સવારે 6 વાગ્યે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 248 તાલુકાઓમાં વરસાદ (Monsoon Update News) નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના વિસાવદરમાં નોધાય રહ્યો છે. વિસાવદરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા વિસાવદર આખું પાણી-પાણી થઈ ચુક્યું છે.

છેલ્લા 24 કલાકમાં 248 તાલુકામાં વરસાદ
વિસાવદરમાં છેલ્લા 24 કલાકમાં સવા 12 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. જ્યારે મેંદરડામાં પોણા 8 ઇંચ, રાધનપુરમાં 6.5 ઇંચ, બેચરાજીમાં 6.25 ઈંચ, વંથલીમાં 6 ઈંચ, મહેસાણા અને ભાભરમાં પોણા 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત દિયોદર, બગસરા, ડીસા અને જૂનાગઢમાં 4.25 ઇંચ વરસાદ પડ્યો છે.

ધ્રાંગધ્રામાં નોંધાયો પોણા 4 ઇંચ વરસાદ
જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પોણા 4 ઇંચ, વિસનગર, વડગામ અને માળીયા હાટીનામાં 3.5 ઇંચ, ચાણસ્મા, રાપર, હળવદ અને દાંતીવાડામાં 3.5 ઇંચ, થરાદ અને તાલાલામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ નદીઓમાં ઘોડાપૂર આવતા નદીકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

207 જળાશયો 93 ટકા ભરાયા
રાજ્યમાં ચોથા રાઉન્ડના વરસાદ પછી જળાશયો છલોછલ ભરાયા છે. રાજ્યના 207 ડેમ 93 ટકા ભરાયા છે. રાજ્યના 90 જળાશયોને હાઇએલર્ટ પર મુકાયા છે. જ્યારે 111 જળાશયોમાં 70થી 100 ટકા પાણીનો સંગ્રહ, 30 જળાશયોમાં 50થી 70 ટકા જળસંગ્રહ, 23 જળાશયોમાં 25થી 50 ટકા જળસંગ્રહ અનેફક્ત 14 જળાશયોમાં 25 ટકા કરતા ઓછો જળસંગ્રહ કરવામાં આવ્યો છે.

90 જળાશયો હાઈએલર્ટ પર
મળતી માહિતી અનુસાર, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 27 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 63 જળાશયો મળી કુલ 90 જળાશયો હાઈએલર્ટ પર છે. જ્યારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 28 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 20 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *