પોરબંદર(Porbandar): પોરબંદરથી એક માનવતાનો વખાણવા લાયક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક દીકરીએ માનવતાનું જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડીને માનવતા મહેકાવી છે. કહેવામાં આવે છે કે “જેને હૈયે રામ વસેલા હોય, તે લોભ, લાલચ જેવા વિકારોથી મુક્ત હોય છે” આ કહેવતને પોરબંદરના ખારવા સમાજની દિકરી વૈષ્ણવીએ સાર્થક કરી બતાવી છે.
મહત્વનું છે કે, પોરબંદરના સોની બજારમાં ભાવેશ વાલેચ(ગંગા જ્વેલર્સ) ૫૦.૧૦૦ ગ્રામ સોનાના દાગીનાનું પડીકું લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન અનાયાસે આ પડીકુ પડી ગયું. દરમિયાન સોની બજારમાંથી પસાર થઈ રહેલ દિકરી વૈષ્ણવી જયેશભાઈ સોનેરીને આ અંદાજે ૨.૫૦ લાખ રૂપિયાની કિમતના દાગીનાનું પોટલુ મળી આવ્યું હતું. તેણે ધાર્યું હોત તો આ દાગીના પોતાની પાસે રાખી શકી હોત.
પરંતુ તેણે લાલચની સામે માનવતાને પ્રાથમિક્તા આપી અને સીધા જઈને આ અંગે પોતાના મામા ભાવિનભાઈ હોદારને જાણ કરી હતી. ભાવીનભાઈએ પણ ભાણીની માનવતા ભરેલ ભાવનાને બિરદાવતા દાગીનાના પોટલા અંગે ખારવા સમાજના વણોટ પવનભાઈ શિયાળ અને અન્ય હોદ્દેદારોને કરી હતી. પવનભાઈએ સોની સમાજના પ્રમુખ અને આગેવાનોને બોલાવી સોનાના દાગીના ભરેલ પોટલુ તેના મુળ માલીકને પરત કર્યા હતા.
દિકરી વૈષ્ણવી અને તેના પરિવારે મનમાં સહેજ પણ લાલચ રાખ્યા વિના સોનાના દાગીનાનું પોટલુ તેના મુળ માલિક સુધી પહોંચાડી માનવતાને દિપાવી છે. દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને લોભ, લાલચ, અસત્ય જેવા વિકારોથી મુક્તિ જ દિવાળીના તહેવારની ઉજવણીને સાર્થક કરે છે. ત્યારે આ માનવતા પૂર્ણ ઉમદા કામગીરી માટે વૈષ્ણવી અને તેના પરિવારની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.