આપણે ત્યાં બાળકો પ્રત્યે લાગણી ઊભરાય ત્યારે તેને ચુંબન કરવાની પ્રથા સામાન્ય છે. વિદેશમાં પણ અનેક સંસ્કૃતિઓમાં બે માણસો એકબીજાને મળે ત્યારે ગાલ, કપાળ કે હાથ પર ચુંબન કરીને એકબીજાને ગ્રીટ કરતા હોય છે. તો વિજ્ઞાન પણ ચુંબનને માન્યતા આપે છે અને કહે છે કે ચુંબન બે માણસો વચ્ચેના પ્રેમને તો વધારે જ છે, પરંતુ એ માણસની નિરાશા દૂર કરીને તેને ડિપ્રેશનમાંથી પણ બહાર કાઢે છે.
એવું કહેવાય છે કે ચુંબન દ્વારા માણસ બીજા માણસ પ્રત્યેનો તેનો પ્રેમ, લાગણી અને તેના પ્રત્યેનો લગાવ વ્યક્ત કરે છે. તેના કારણે બે માણસો વચ્ચેનો સંબંધ વધુ ઘનિષ્ઠ બને છે. પરંતુ ચુંબનના વૈજ્ઞાનિક ફાયદા એ છે કે તેનાથી સામેના માણસની અંદર ફીલ ગુડ હાર્મોન સક્રિય થઈ જાય છે.
આ કારણે તે ખુશ રહેવા માંડે છે અને તેની નિરાશા દૂર થઈ જાય છે. ચુંબનને કારણે શરીરમાં લવ હાર્મોન્સ પણ ઍક્ટિવ થાય છે, જેને કારણે સામેની વ્યક્તિના મનને શુકુન મળે છે. સાથે જ તેનું મગજ પણ શાંત અને ફ્રેશ રહે છે.
સંશોધનો તો ત્યાં સુધી દાવો કરે છે કે ચુંબનને કારણે માણસનું મન સારું ફીલ કરે છે એટલે તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓથી પણ દૂર રહે છે. તેમજ મન શાંત અને સ્વસ્થ રહેવાને કારણે તેનું હ્રદય પણ ઘણું સ્વસ્થ રહે છે. હા, સાથે જ સંશોધનો એક વાત પણ કહે છે કે ચુંબનને કારણે વ્યક્તિઓ વચ્ચે બેક્ટેરિયાનું પણ આદાનપ્રદાન થાય છે, જેને કારણે વ્યક્તિઓ બીમાર પણ થઈ શકે છે! જોકે એ શક્યતા અત્યંત ઓછી છે.