સુરત/ મહિધરપુરા હીરાબજારમાં આગંડિયાનો કર્મચારી લૂંટાયો- 88 લાખના હીરા લઈ લૂંટારૂઓ છૂમંતર

Diamond theft: શહેરના મહીધરપુરા હીરા બજારમાં સનસનીખેજ લૂંટની ઘટના બની છે. ધોળે દહાડે બાઈક પર આવેલા અજાણ્યા ઈસમોએ અહીંની આંગડીયા પેઢીના કર્મચારીનું બજારમાંથી અપહરણ કરી લઈ જઈ લૂંટી( Diamond theft ) લીધો હોવાનું સામે આવ્યું છે. ત્યારે રૂપિયા 88 લાખની લૂંટની આ ઘટનાની જાણ થતાં સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે.

આંગડિયા કર્મચારીના અપહરણ બાદ કરાઈ લૂંટ
આ કેસની પ્રાથમિક વિગતો એવી છે કે, મહીધરપુરામાં ભવાની વડ હરીપુરા ખાતે આવેલી જૂની આંગડીયા પેઢી પટેલ ડી. પ્રવીણકુમાર એન્ડ કંપનીનો કર્મચારી રૂપિયા 88 લાખ રોકડા લઈ નીકળ્યો હતો. આ કર્મચારીનું બાઈક પર આવેલા અજાણ્યા ઈસમોએ લમણે બંદૂક મુકી અપહરણ કર્યું હતું.અપહરણ કરી આંગડીયાના કર્મચારીને અપહરણકારો કામરેજ લઈ ગયા હતા, જ્યાં કર્મચારી પાસેના રોકડા રૂપિયા 88 લાખ લૂંટી લઈ તેને કામરેજ ઉતારી લઈ ભાગી છૂટ્યા હતા. ત્યાર બાદ આંગડીયાના કર્મચારીએ આ મામલે પેઢીના માલિકો અને પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં જ સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે. કામરેજમાં અપહરણકારોએ કર્મચારીને ઉતાર્યો હોય કામરેજ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. મહીધરપુરા પોલીસ આંગડીયા પેઢીની ઓફિસે ધસી ગઈ છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

આ સમગ્ર મામલામાં કશુંક ખોટું હોવાની ગંધ આવી રહી છે
આ ઘટના ટેક્નિકલ હોવાનું લાગી રહ્યું છે. કોઈ ભરબજારે લમણે બંદૂક મુકી બાઈક પર અપહરણ કરી જાય તે વાત પોલીસના ગળે ઉતરતી નથી. વળી, પહેલાં આંગડીયાના કર્મચારીએ હીરા લૂંટાયા હોવાની ફરિયાદ રજૂ કરી હતી, ત્યાર બાદ 88 લાખ રોકડા લૂંટાયા હોવાનું જણાવ્યું હતું. આમ, કર્મચારીના વિરોધાભાસી નિવેદનોને પગલે પોલીસને આ સમગ્ર મામલામાં કશુંક ખોટું હોવાની ગંધ આવી રહી છે. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

ઘટનાના સીસીટીવી સામે આવ્યા
બીજી તરફ આ બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, વેપારીને રિવોલ્વર બતાવી ટુવ્હિલર પર વચ્ચે બેસાડવામાં આવ્યો હતો. જે બાદ લૂંટારૂઓએ કામરેજ નજીક વેપારીને રસ્તામાં ઉતારી દીધો હતો. અને 88 લાખના હીરા લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

પોલીસ કેસ નોંધવામાં વિવાદ થયો
આટલી મોટી ચોરીની ઘટના બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે. આ વચ્ચે શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે હદને લઈ વિવાદ પણ સામે આવી રહ્યો છે. ગ્રામ્ય અને શહેર પોલીસ વચ્ચે ફરિયાદ નોંધવાને લઈ વિવાદ ચાલ્યો છે.