સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે કોરોના કાળ દરમિયાન તમામ સામાજિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો પર સરકારે પ્રતિબંધ મુક્યા હતા. ત્યારે હવે કોરોનાના ઘટી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને ધીમે ધીમે રાજ્યમાં પ્રતિબંધો હળવા કરવામાં આવી રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં ગયા વર્ષે કોરોના મહામારીને કારણે ગરબાનું આયોજન થઇ શક્યું ન હતું. પરંતુ આ વર્ષે સરકારે નવરાત્રિ દરમિયાન રાસ-ગરબાના તમામ કાર્યક્રમોને મંજૂરી આપવા માટેની સંપૂર્ણ તૈયારીઓ શરુ કરી દીધી છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે ગાયક કલાકારોનું વૃંદ, બેન્ડવાજાં અને ડીજેના કલાકારો જાહેર કાર્યક્રમો યોજી શકશે એવી છૂટ આપતો મહત્વનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ તમામ કાર્યક્રમો 400 વ્યક્તિની મર્યાદામાં યોજી શકાશે, એટલે કે આગામી સમયમાં આવી રહેલા ગણેશોત્સવ અને નવરાત્રિના કાર્યક્રમો યોજવા માટે સરકારે કોરોનાના નિયમોને સાથે સાથે અનુસરવામાં આવે તે જોતા મંજૂરી આપી છે. આ અંગે ગૃહ વિભાગે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે, જેમાં જાહેરમાં યોજવામાં આવતા કાર્યક્રમોમાં 400 લોકો તથા બંધ હોલમાં યોજવામાં આવતા કાર્યક્રમમાં ક્ષમતાના 50% ટકા અને મહત્તમ 400 વ્યક્તિની મર્યાદામાં આગામી સમયમાં કાર્યક્રમો યોજી શકાશે.
રાજ્ય સરકારનાં સૂત્રોના જણાવ્યા મુજબ, આપવામાં આવેલ મંજૂરીને કારણે આપોઆપ જ ગણેશોત્સવ તથા નવરાત્રિના કાર્યક્રમોને પરવાનગી મળી ગઇ એમ ગણવામાં આવશે, એટલે કે હવે રહેણાક વિસ્તારોમાં થતા શેરી ગરબા ઉપરાંત કોમર્શિયલ ગરબા આયોજનને પણ સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી શકે છે. આ ઉપરાંત જ્યાં માતાજીનાં જાગરણ, પૂજા-આરતી-દર્શન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ અગાઉ રાજ્ય સરકારે ગણેશોત્સવ સંદર્ભે બહાર પાડેલી ગાઇડલાઇન્સમાં દર્શન, પૂજન, આરતી અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ યોજવા માટેની જ મંજૂરી આપી હતી, પરંતુ હવે આ નવી માર્ગદર્શિકા અનુસાર ગણેશોત્સવના કાર્યક્રમો યોજાતા હોય ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
ગણેશોત્સવ નિમિતે સરકારે ગણેશ સ્થાપન અને વિસર્જન સમયે માત્ર 15 વ્યક્તિ સાથેની જ મંજૂરી આપવામાં આવી છે. એનું કારણ એ છે કે, જો વધારે વ્યક્તિઓને પરમીશન આપવામાં આવે તો ખુબ જ વધારે પ્રમાણમાં ભીડ એકત્રિત થાય અને ભીડને કાબુમાં ન લઇ શકાય તે માટે 15 વ્યક્તિઓને જ પરમીશન આપવામાં આવેલ છે.
તહેવાર, લગ્ન પ્રસંગોને લઈને સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા આ નવા નીયમો:
સરકારના કહ્યા અનુસાર, ગણેશજીની સ્થાપના તથા વિસર્જન માત્ર 15 લોકોની મર્યાદા સાથે કરી શકાશે. સાથે સાથે ગાયક કલાકારોનું વૃંદ, બેન્ડવાજાં અને ડીજેના કલાકારો 400 લોકોની હાજરીમાં કોરોનાના નિયમોની સાથે જાહેર કાર્યક્રમો યોજી શકશે. તેમજ માતાજીના જાગરણ, પૂજા-આરતી-દર્શન અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ નિર્ધારિત મર્યાદા સાથે થઇ શકશે. ધાર્મિક ઉપરાંત સામાજિક તથા અન્ય વરઘોડાને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે, એટલે કે લગ્નો, ધાર્મિક અનુષ્ઠાનો કે સંમેલનો ઉપરાંત રાજકીય કાર્યક્રમોમાં પણ 400 લોકોની મર્યાદામા કાર્યક્રમ યોજી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.