પાટીદાર સમાજ સહિત ગુજરાતની અઢારે વર્ણના લોકોમાં ક્યારેક ને ક્યારેક કોઈ એક યુવાનની ચર્ચા થઈ હોય તો તે હાર્દિક પટેલ છે. અનામત આંદોલનથી તેની ઓળખ ઉભી થઇ અને પછી એ અનામત આંદોલનમાં કેન્દ્ર સ્થાને આવવા લાગ્યો ત્યારે એના ભૂતકાળની વાતો વહેતી થઈ. જેવી કે એને કોઈ રૂપિયો ધીરતું નહીં, લુખ્ખો હતો, એના બાપા એની જવાબદારી લેતા નહોતા. તે સિવાયની પણ ઘણી બધી બાબતો ચર્ચાતી રહી.
પછી જીઆઇડીસી કાંડ થયો, 14 પાટીદાર યુવાનો હોમાયા, હાર્દિક તડીપાર થયો. ત્યારે પાછું ચાલુ થયું કે હવે હાર્દિક પતી ગયો. પણ ઉદેપુરથી પાછા આવ્યા બાદ હાર્દિકે રીતસર રાજકારણની શરૂઆત કરી. ભાજપ સિવાયના દેશના અગ્રણી તમામ રાજકારણીઓ જોડે મુલાકાત કરી. એટલે પાછી વાત ઉડાડી કે હાર્દિકે રૂપિયા 1200 કરોડ લઇ લીધા, સમાજ સાથે ગદ્દારી કરી.
ત્યારબાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી અને હાર્દિકે ભાજપ વિરુદ્ધ ભરપૂર પ્રચાર કર્યો. હાર્દિકને કોંગ્રેસનો એજન્ટ ગણાવ્યો. એની સીડી આવી. છતાં તે અડીખમ રહ્યો.
હવે લોકસભાની ચૂંટણી પહેલા હાર્દિક કોંગ્રેસમાં જોડાઈ ગયો એટલે પાછું ચાલુ થયું કે જુઓ, અમે તો કહેતા હતા ને કે આ કોંગ્રેસનો એજન્ટ છે! હાર્દિકનો જૂનો વીડિયો પાછો ફરતો થયો જેમાં એણે કીધું હતું કે “મારે વોટ માંગવાના નથી, કે નથી રાજકારણમાં આવવાનું કારણ કે હું રાજકારણમાં ચાલી શકું તેમ છું જ નહીં.”
અને હવે એક વ્યક્તિએ ગઈકાલે હાર્દિકને ભરી સભામાં લાફો માર્યો ત્યારે પાટીદાર સમાજ રીતસર બે ભાગમાં વહેંચાઈ ગયો. એક હાર્દિક તરફી અને બીજો હાર્દિક વિરોધી.
મુસ્લિમ સમાજના વ્યક્તિ તરીકે મેં હાર્દિકને દૂરથી જોયો છે, હાર્દિકને સમજવાની કોશિશ કરી છે. ત્રેવીસ ચોવીસ વર્ષનો યુવાન કોઈ પણ જાતની જાહેર ઓળખ વગર સમાજમાં ચર્ચાનો વિષય બની જાય અને માત્ર ચાર વર્ષના ગાળામાં રાષ્ટ્રીય સ્તરે રાજકારણનું અગત્યનું પરિબળ બને તે સિદ્ધિ તો છે જ અને એટલે જ આજે હાર્દિક વિશે દરેકનો પોતાનો એક દ્રષ્ટિકોણ છે.
માની લઈએ કે હાર્દિક પાસે કશું જ નહોતું, અને એણે પૈસા બનાવ્યા. માની લઈએ કે હાર્દિકે સમાજનો ઉપયોગ કરીને રાજકારણમાં પોતાનું સ્થાન બનાવ્યું. માની લઈએ કે હાર્દિક આખું આંદોલન કોંગ્રેસના ઈશારે ચલાવતો હતો. આ સિવાયની તમામ એ બાબતો જે હાર્દિક ની વિરુદ્ધમાં કહેવામાં આવતી હોય તે તમામ બાબતો એક વાર માની લઈએ.
તો પણ તમારે સ્વીકારવું પડશે કે,
૧. હાર્દિક હજી પચીસીએ પણ નહોતો પહોંચ્યો ત્યારે એણે પોતાનો જીવ જોખમમાં મુક્યો, પોલીસનો માર ખાધો, દેશદ્રોહ સહીત અન્ય ગંભીર પ્રકારના પોલીસ કેસ સામે ચાલીને વેઠી લીધા.
૨. છેલ્લા ચાર વર્ષથી એ સતત સમાજ માટે દોડતો રહ્યો.
૩. રાજકારણમાં જ્યારે એની ઓળખ ઊભી થઈ ત્યારે માત્ર પાટીદાર સમાજ સાથે જ નહીં પણ ગુજરાતના તમામ જાતિ જ્ઞાતિ સમાજે જ્યારે પણ હાર્દિકને બોલાવ્યો ત્યારે ત્યાં જઈને ઉભો રહ્યો.
૪. રાજ્યના રાજકારણમાં પાટીદાર સમાજનો પ્રભાવ સમાપ્તિના આરે હતો ત્યારે હાર્દિકે પાટીદાર સમાજને રાજયના રાજકારણમાં મોભીનું સ્થાન ફરીથી અપાવ્યું.
૫. ભાજપની કેન્દ્ર સરકારને સવર્ણ અનામત બિલ પાસ કરવાની ફરજ પાડી.
અને આજે પાટીદાર કે અન્ય કોઈ સમાજમાંથી કોઈને હાર્દિકનો વિરોધ કરવો હોય તો વાંધો નહિ પણ પહેલા પોતાની જાતને પૂછવું જોઈએ કે,
૧. આજે જે 10% સવર્ણ અનામત મળી તે હાર્દિકના કારણે નથી મળી? તો પછી હાર્દિકને સમાજનો ગદ્દાર કેવી રીતે કહેવાય?
૨. પાટીદાર સમાજને રાજકારણમાં માન-સમ્માન ફરીથી મળ્યું તે હાર્દિકના કારણે નથી મળ્યું? તો પછી હાર્દિકને લુખ્ખો કેવી રીતે કહી શકાય? હાર્દિક આંદોલનનો વીંટો વાળીને સત્તા પક્ષ સાથે કદડો કરી લેતે તો તેને લુખ્ખાગિરિ કરેલી કહી શકાઈ હોત, પણ હાર્દિકે એવું તો કર્યું નથી.
૩. હાર્દિક રાજકારણમાં નહોતો આવવા માંગતો પણ એની સામે ડઝનથી વધુ પોલીસ કેસ ઉભા થયાં ત્યારે એની કારકિર્દીમાં રાજકારણમાં આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ હતો? હાર્દિકની જગ્યાએ તમે હોત તો તમે શું કરતે?
૪. અને હાર્દિકે રાજકારણમાં આવવું પડ્યું હોય ત્યારે એની પાસે કોંગ્રેસમાં જોડાવા સિવાય બીજો કોઈ વિકલ્પ હતો ખરો?
હાર્દિકે આ બધું કર્યું તે પોતાની જાતને જોખમમાં મૂકીને કર્યું અને માની લો કે એણે પોતાના માટે કર્યું તો પણ હાર્દિકે જે કંઈ કર્યું તે એણે સૌપ્રથમ પોતાના સમાજને ધ્યાનમાં રાખીને કર્યું તેનો ઇન્કાર થઈ શકે તેમ નથી.
આંદોલનના પ્રતાપે હાર્દિકને વ્યક્તિગત ફાયદો પણ થયો હશે, કમ સે કમ હાર્દિકને જીવન નિર્વાહ ચલાવવા માટે કોઈ કામ ધન્ધો નહિ કરવો પડે પણ હાર્દિકના કારણે આજે સવર્ણ સમાજને જે 10% અનામતનો લાભ મળ્યો તેથી ઘણા યુવાનો પકોડાશાસ્ત્રથી બચી ગયા કે નહીં?
પાટીદાર સહિત બિનઅનામત સમાજના ઘણા યુવાનોને પકોડાની લારી કરવી જ પડતે તેવી પરિસ્થિતિ તો છેક 2016ની શરૂઆતથી જ આવી પડી છે. હવે આ અનામતનો જે કંઈ ફાયદો થશે તે હાર્દિકના જ કારણે જ થશે ને?
અને છતાં કોઈને હાર્દિકનો વાંધો હોય તો હાર્દિકને આંદોલન કરવાની જે તક મળી એ તક તો દરેકને મળી હતી. હાર્દિક સમાજનો હીરો બન્યો હોય તો તે આજે બન્યો છે, પણ શરૂઆતમાં એણે પોતાનું સર્વસ્વ હોડમાં મૂક્યું જ હતું ને? હાર્દિકે જોખમ ઉઠાવીને કામ કર્યું અને સફળતા મેળવી. સમાજના સંઘર્ષના સમયમાં જે લોકો પારોઠના પગલાં ભરી ગયા હતા તેવા લોકો, અધવચ્ચે છોડી જનારા, વ્યક્તિગત લાભ માટે અન્યો સાથે જોડાઈ જનારા લોકો કરતા તો હાર્દિક સારો જ છે ને?
અને સૌથી અગત્યની વાત કે આજે હાર્દિકનો વિરોધ કરવાથી સમાજને ફાયદો થવા કરતા નુકસાન થવાની શક્યતાઓ વધારે રહેલી છે. આગળ ઘણા પ્રસંગો આવશે જ્યારે હાર્દિકનો વિરોધ કરી શકાશે, સમયને પારખીને એટલું સમજો કે જો કોઈ વ્યક્તિનો વિરોધ કરવામાં જો સમાજને નુકસાન થવાના સંજોગો ઉભા થતા હોય તો વ્યક્તિગત વિરોધને હાલ કોરાણે મુકવામાં શાણપણ છે.
– સલીમ હાફેઝી, સુરત.