સરદારધામ અને કેળવણીધામ ટ્રસ્ટે ‘દીકરી સ્વાવલંબી યોજના’ શરૂ કરી યુપીએસસી અને જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષા આપી કલેક્ટર, ડેપ્યુટરી કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર સહિતની પોસ્ટ હાંસલ કરવા ઈચ્છતી પાટીદાર સમાજની તમામ દીકરીઓને વર્ષે માત્ર રૂપિયા 1ની ટોકન ફીમાં એડમિશન આપવામાં આવે છે. દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે 2016થી શરૂ કરવામાં આવેલા સિવિક સર્વિસ સેન્ટરમાં રહેવા તેમજ જમવાની પણ સગવડ કરવામાં આવી છે. હાલમાં ટ્રસ્ટના આ સેન્ટરમાં 104 દીકરી યુપીએસસી અને જીપીએસસીની તાલીમ લઈ રહી છે.
અમદાવાદમાં ત્રણ વર્ષથી ચાલતાં કેળવણીધામ અને સરદારધામ સિવિક સેન્ટરમાં અત્યાર સુધી 5594 દીકરીઓ તાલીમ લઈ ચૂકી છે. 190 દીકરીએ તો માત્ર રૂપિયા 1ની ટોકનથી અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા પણ પાસ કરી છે. સંસ્થાએ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફાઉન્ડેશન ક્લાસ પણ શરૂ કર્યા છે. દર શનિ-રવિ ચાલતા આ ક્લાસમાં 62 દીકરી તાલીમ લઈ રહી છે.
પાટીદાર સમાજની કોઈપણ દીકરી આ સંસ્થામાં એડમિશન મેળવી શકે છે. જો કે, આ માટે સંસ્થાએ નક્કી કરેલી એન્ટ્રન્સ એક્ઝામના 3 લેવલ પાસ કરવા પડે છે. એ પછી જ એડમિશન આપવામાં આવે છે. સરદારધામ સંસ્થા 1 હજાર વિદ્યાર્થિની રહી શકે તેવી ગર્લ્સ હોસ્ટેલ તૈયાર કરી રહી છે. આ સંસ્થાના દાતા તથા ટ્રસ્ટીઓએ દીકરીઓને દત્તક લીધી છે અને તેમના અભ્યાસનો બધો ખર્ચ ઉઠાવે છે. સરદારધામ પાટીદાર દીકરા માટે પણ બોયઝ હોસ્ટેલ તૈયાર કરી રહ્યું છે.
સ્પર્ધાત્મક પરીક્ષામાં દીકરીઅો કાઠું કાઢી શકે તે માટે દિલ્હીથી વીડિયો કોલ મારફતે માર્ગદર્શન અાપવામાં આવે છે, દાન કરનારાને દીકરી ભણાવવાનો સંકલ્પ લેવડાવવામાં આવે છે.
દીકરીઓને વિનામૂલ્યે ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે સંસ્થા જે લોકો દાન કરી શકે છે તેમને 1 વ્યક્તિ, 1 દિવસ અને 1 રૂપિયાના દાનનો સંકલ્પ લેવડાવે છે. 1 વ્યક્તિ જો 1 દિવસનો 1 રૂપિયો દાનમાં આપે તો સંસ્થાને દાન મળતું રહે અને દીકરીઓને વિનામૂલ્યે ભણાવવાનો યજ્ઞ ચાલતો રહે તેવો આશ્રય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં દીકરીઓ કાઠું કાઢી શકે તે માટે દિલ્હીથી વીડિયો કોલ મારફતે ડીજિટલ ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીને માર્ગદર્શન પણ મળે છે.
દીકરીએ સપના બાજુએ ન મૂકવા પડે તે માટે પહેલ
નિકોલમાં આવેલ સંસ્થામાં છોકરીઓ ટ્રેનિંગ લઈ રહી છે. દીકરીઓને પગભર કરવાનું આ સહિયારું સપનું છે. જે પરિવારને એક જ સંતાનનો ખર્ચ પરવડતો હોય ત્યાં દીકરી તેના સપના બાજુએ મૂકી દેતી હોય છે. સંસ્થાનો હેતુ દીકરીઓને એજ્યુકેશનની સાથે પગભર કરવાનો છે. જેથી અમે 1 વ્યક્તિ 1 દિવસનું 1 રૂપિયો દાન આપે એવી અવેરનેસ ફેલાવી રહ્યા છે. અમે 2020 સુધીમાં 1 હજાર દીકરી સુધી પહોંચવાનું લક્ષ્યાંક છે.
પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ ફરજિયાત:
એડમિશન કોને મળે? : કોઈપણ પાટીદાર દીકરી એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી 1 રૂપિયામાં ઉચ્ચ શિક્ષણનો લાભ લઈ શકે છે.
એડમિશન કેવી રીતે મળે? : સંસ્થાની વેબસાઇટ પર એડમિશનની જાહેરાત છે. એન્ટ્રન્સ એક્ઝામનું ફોમ ઓનલાઇન હોય છે અને ભરવાનું પણ ઓનલાઈન છે. તેનો કોઈ ચાર્જ નથી.
એન્ટ્રન્સ એક્ઝામ કેવી હોય છે? : 200 માર્કની 3 કલાકની લેખિત પરીક્ષા હોય છે. પાસ થનારે અઠવાડિયા બાદ નિબંધ લેખન પરીક્ષા આપવી પડે છે અને તેમાં પાસ થનારની નિવૃત્ત IAS અને IPS કક્ષાના અધિકારી મૌખિક પરીક્ષા લે છે.