સરદાર સરોવર ડેમ ઓથોરિટીઝે જાહેર કરી માહિતી- જાણો નર્મદા નદીમાં શા માટે આવ્યું હતું પુર?

Published on Trishul News at 6:00 PM, Fri, 22 September 2023

Last modified on September 22nd, 2023 at 6:03 PM

Narmada flood: નર્મદા બેઝિન એ જળાશયોની સંકલિત કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે, કારણ કે સરદાર સરોવર નર્મદા નદી પરનો છેલ્લો ટર્મિનલ ડેમ છે, એટલે તેને જળ વ્યવસ્થાપનના સંદર્ભમાં લાક્ષણિક “ટેઇલ એન્ડ સિન્ડ્રોમ” (Tail end Syndrome)નો સામનો કરવો પડે છે, કારણકે સરદાર સરોવર(Narmada flood) બંધને ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર જેવા ઉપરવાસના મુખ્ય બંધોમાંથી જ્યારે પણ પાણી છોડાય ત્યારે તેને શોષી લેવું પડે છે અને તેને સમાયોજિત કરવું પડે છે. સામાન્ય જળ વર્ષમાં નર્મદા બેઝિનમાં 28 MAF (મિલિયન એકર ફૂટ) જેટલું પાણી આવવાની અપેક્ષા રાખવામાં આવે છે, જેની સામે નર્મદા બેઝિનમાં 6 સપ્ટેમ્બર, 2023ના રોજ 23.73 MAF અને 14 સપ્ટેમ્બરના રોજ 24.7 MAF પાણી આવ્યું હતું.

તે મુજબ, ગુજરાતનો હિસ્સો અનુક્રમે 7.72MAF અને 7.94 MAF હતો. આ જ બાબતને ધ્યાનમાં લેતાં ગુજરાત માટે આ વર્ષ કપરું રહેવાની ધારણા હતી. સરદાર સરોવર ડેમ ઓથોરિટીઝે 16થી 18 સપ્ટેમ્બર ડેમની સ્થિતિ અને સંચાલન અંગેની માહિતી જાહેર કરી છે અને એ આધારે દર્શાવ્યું છે કે નર્મદા નદીમાં શા માટે પુર આવ્યું હતું. ગુજરાતમાં ઓગસ્ટ-2023માં કોઈ નોંધપાત્ર વરસાદ થયો ન હતો, અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં નર્મદા બેસિનનો તેનો હિસ્સો માત્ર 7.72  MAF હતો, જ્યારે સામાન્ય ચોમાસાના વર્ષમાં 9 MAF હોય છે.

1 ઓગસ્ટ, 2023ના રોજ યોજાયેલી નર્મદા કંટ્રોલ ઓથોરીટીની સરદાર સરોવર જળાશય નિયમન સમિતિ (SSRRC) ની બેઠકમાં જળાશય ઓપરેશન ટેબલ મુજબ 4 સપ્ટેમ્બરનું સરદાર સરોવર ડેમનું સ્તર 136.64 મીટર હોવું જોઈએ તેમ નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે તે દિવસે સરદાર સરોવર ડેમ ખાતે વાસ્તવિક સ્તર 133.73  મીટર હતું તેમ છતા રીવર બેડ પાવર હાઇસ (RBPH) ચાલતુ હતુ અને દરિયામાં પાણી વહી જતુ હતું. જે SSRRCના નિર્ણયથી વિપરિત હતું. નર્મદા કંટ્રોલ ઓથોરિટી (NCA) દ્વારા પ્રકાશિત દૈનિક વરસાદના આંકડાઓ, નર્મદા બેઝિન એટલે કે સરદાર સરોવર ડેમ (SSD) ના ઉપરવાસમાં 5મી સપ્ટેમ્બરથી 14મી સપ્ટેમ્બર-2053 સુધી નહિવત્ વરસાદ દર્શાવે છે.

સરદાર સરોવર ડેમ ઓથોરિટીઝે ડેમ સંચાલન અંગેની માહિતી જાહેર કરી
15 સપ્ટેમ્બરના રોજ વરસાદ ધીમી ગતિએ શરૂ થયો હતો અને SSDના ઉપરવાસમાં વિવિધ રેઇન ગેજ સ્ટેશનોમાં 1.8 મિમી (મિલીમીટર)થી 110.2 મિમી રહ્યો હતો, એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ મધ્યમ વરસાદ રહ્યો હતો. 16 સપ્ટેમ્બરના રોજ નર્મદા બેઝિનમાં અતિ ભારે વરસાદ નોંધાયો હતો અને હાંડિયા રેઇન ગેજ સ્ટેશનમાં મહત્તમ એટલે કે 300 મિમી વરસાદ નોંધાયો હતો. આવો જ અતિભારે વરસાદ 17 સપ્ટેમ્બરના રોજ પણ નોંધાયો હતો અને મહેશ્વર રેઇન ગેજ સ્ટેશનમાં મહત્તમ એટલે કે 385.88 મિમી વરસાદ નોંધાયો હતો.

16 અને 17 સપ્ટેમ્બરના રોજ આવેલા અતિભારે વરસાદને કારણે SSના ઉપરવાસમાં અચાનક પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. સમાન પ્રકારની વરસાદી પેટર્ન કડાણા બેઝીનમાં જળવાઇ હતી. જેથી આ જ સમયમાં કડાણા ડેમ ઓવરફ્લો થયો હતો. તે સમયે, ઉપરવાસનો મુખ્ય ડેમ ISP (ઇન્દિરા સાગર પ્રોજેક્ટ)પૂરેપૂરો ભરાઈ ગયો હતો અને તેણે તમામ પાણી ડાઉનસ્ટ્રીમ એટલે કે સરદાર સરોવર ડેમ તરફ છોડવાનું શરૂ કર્યું હતું. તદુપરાંત, ઇન્દિરા સાગર ડેમ અને સરદાર સરોવર ડેમ વચ્ચે વાદળ ફાટતાં સરદાર સરોવર ડેમ માં અચાનક પૂરની સ્થિતિ સર્જાઇ હતી. 16મી સપ્ટેમ્બર 2023ના રોજ રાત્રે 11:00 કલાકે સરદાર સરોવર ડેમ ખાતે મહત્તમ પ્રવાહ 21.75 લાખ ક્યુસેક નોંધાયો હતો. આ કારણે નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય હોવાનું સરદાર સરોવર ડેમ ઓથોરિટીઝે 16થી 18 સપ્ટેમ્બર ડેમની સ્થિતિ અને સંચાલન અંગેની માહિતી જાહેર કરી છે.

Be the first to comment on "સરદાર સરોવર ડેમ ઓથોરિટીઝે જાહેર કરી માહિતી- જાણો નર્મદા નદીમાં શા માટે આવ્યું હતું પુર?"

Leave a comment

Your email address will not be published.


*