800થી વધારે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે મસીહા બન્યો આ યુવાન, બાળકોના પેપર લખીને વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું નામ

Alpesh Karena Ahmedabad creates world record for writing: પ્રજ્ઞાચક્ષુ અને હેન્ડીકેપ વિદ્યાર્થીઓની પરીક્ષામાં રાઈટર તરીકેની મદદ બાબતે અમદાવાદના સામાજિક કાર્યકર અલ્પેશ કારેણાએ (Alpesh Karena) વિશ્વ…

Alpesh Karena Ahmedabad creates world record for writing: પ્રજ્ઞાચક્ષુ અને હેન્ડીકેપ વિદ્યાર્થીઓની પરીક્ષામાં રાઈટર તરીકેની મદદ બાબતે અમદાવાદના સામાજિક કાર્યકર અલ્પેશ કારેણાએ (Alpesh Karena) વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. 800થી પણ વધારે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના પેપર લખીને વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયામાં પોતાનું નામ નોધાવાયું છે. તેમજ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા અલ્પેશ કારેણાને ગોલ્ડ મેડલ અને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે. છેલ્લા 9 વર્ષથી દિવ્યાંગોની સેવામાં ખડેપગે રહીને અલ્પેશ કારેણા કરેલી સેવાની આજે વિશ્વ લેવલે પણ નોંધ લેવાય એ બાબતે દિવ્યાંગ લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

વર્ષ 2014માં પોતાના ગામ ગડુ ( દેવભુમિ દ્વારકા જિલ્લો ) થી એન્જિનીયરીંગના અભ્યાસ માટે અમદાવાદમાં આવ્યા હતા. એલ.ડી. કોલેજ ઓફ એન્જિનીયરીંગમાં સિવિલમાં એડમિશન લઈને હોસ્ટેલમાં રહેવાનું થયું. તે દરમિયાન એક વખત અંધજનમંડળની મુલાકાત લીધી અને ત્યાં ગુજરાતીના શિક્ષક તરીકે સેવા આપવાની શરૂઆત પણ કરી.

ધીરે ધીરે ખબર પડી કે પ્રજ્ઞાચક્ષુ લોકોને પરીક્ષામાં રાઈટરની પણ જરૂર પડે. તો એક વખત પેપર લખવા ગયા અને ત્યાં જોયું કે ઘણા વિદ્યાર્થીઓને રાઈટર નથી મળી રહ્યા અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ રડી રહ્યાં છે. અલ્પેશ જણાવે છે કે આ વેદના મારાથી સહન ન થઈ અને મનમાં નિર્ણય કર્યો કે મારે આ વિદ્યાર્થીઓ માટે કંઈક કરવું જ છે.

અલ્પેશે વધુમાં કહ્યું છે કે, મારા આંખ સામેથી આ લોકોના રડતા ચહેરા નહોતા જતા. તેથી ધીરે ધીરે હોસ્ટેલ અને કોલેજના મિત્રોને આ વિશે મેં વાત કરી. મિત્રો બધા માની પણ ગયા. ધીરે ધીરે આ સિલસિલો આગળ વધ્યો અને પછી મારી પાસે 250 લોકોનું એક મજબૂત ગૃપ બની ગયું. સાથે જ અમારી એલ.ડી.કોલેજમાં પણ આચાર્યે દરેક વિદ્યાર્થીઓને છૂટ આપી કે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના પેપર લખવામાં મદદ કરે એમને ક્લાસમાં હાજરીની પણ છૂટ આપવામાં આવશે. આ રીતે આખા અમદાવાદમાં અને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ગૃપ કાર્યરત થયું અને અનેક લોકોનો સાથ સહકાર પણ મળ્યો.

એક દિવસમાં સતત 9 કલાક સુધી પેપર લખ્યાં
અલ્પેશે જાતે 800 થી પણ વધારે પેપર લખ્યા એ વિશે વાત કરે છે કે, ‘હું છેલ્લા 9 વર્ષથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના રાઈટર તરીકે મદદ કરું છું. દરેક પરીક્ષામાં હું જતો જ. કારણ કે હું જાતે પેપર લખીશ તો જ બીજાને કહી શકાય કે તમે પણ આવો. ક્યારેક 4-4 કોલેજોમાં એકસાથે પરીક્ષાનો માહોલ હોય. ત્યારે હું એક દિવસમાં બધા જ પેપર લખતો. મને બરાબર યાદ છે કે મે સતત એક અઠવાડિયા સુધી 4-4 પેપર લખેલા છે. પહેલું પેપર સવારે 8 થી 9:30 , બીજું પેપર 10 થી 11:30, ત્રીજું પેપર 12 થી 3, ચોથું પેપર 5 થી 6:30 અને સાંજે અંધજનમંડળ વસ્ત્રાપુર ખાતે 8થી 10 સુધી તો જવાનું જ હતું.

અંધજન મંડળ વસ્ત્રાપુરમાં ગુજરાતી શિક્ષક અને વાંચનની પ્રવૃતિ તરીકે 4 વર્ષ સુધી કામ કર્યું છે. ક્યારેય એવું પણ બનતું કે મારી પણ પરીક્ષા શરૂ હોય અને આ લોકોની પણ પરીક્ષા આવે. ત્યારે પણ હું મારું પેપર લખીને તરત જ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના રાઈટર તરીકે જતો હતો. આ રીતે 9 વર્ષની આ યાત્રામાં ક્યારે 800થી ઉપર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના પેપર લખાય ગયા એની પણ ખબર ન પડી અને આજે વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે.’

પોકેટ મનીમાંથી પૈસા બચાવીને પ્રજ્ઞાચક્ષુઓને મદદ
આ બધી જ પ્રવૃતિ સાથે સાથે દર મહિને અપંગ માનવ મંડળ, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, સ્લમ સ્કુલ… વગેરે સંસ્થાઓમાં જઈને એ લોકોને પણ આનંદ આવે એવી કંઈક નવી પ્રવૃતિ કરતા. આ બધી જ પ્રવૃતિ અને પ્રજ્ઞાચક્ષુ મિત્રોના રાઈટરની સેવા કરવા માટે ક્યારેય કોઈ પાસેથી એકપણ રૂપિયો નથી લીધો. મિત્રોએ શક્તિ અને સમય દાન આપ્યું એમાં જ બધું કામ થઈ ગયું તો પૈસાની ક્યારેય જરૂર જ નથી પડી. જ્યાં જરૂર પડી ત્યાં પોકેટ મનીમાંથી પણ આપી દીધા છે. અલ્પેશના આવા કાર્યોથી પ્રેરાઈને અનેક સંસ્થાઓ અને લોકોએ તેના કામની નોંધ લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *