સુરતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઉમેરાયા આટલા લાખ નવા મતદારો, તમારે વોટિંગ કાર્ડ સુધારો કે નવું કઢાવવું હોય તો જાણી લો પ્રોસેસ

સુરત(Surat): મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંતર્ગત તા.૦૧/૦૧/૨૦૨૨ની સ્થિતિએ તૈયાર થયેલી સુરત જિલ્લાના તમામ ૧૬ વિધાનસભા મતવિભાગોની મતદારયાદીની ગત તા.૦૫ જાન્યુ.ના રોજ આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. આખરી પ્રસિદ્ધિના અંતે સુરત જિલ્લાની મતદારયાદી(Voter list)માં ૨૫,૨૪,૪૬૫ પુરૂષ મતદારો અને ૨૧,૬૧,૬૧૧ સ્ત્રી મતદારો અને અન્ય ૧૨૩ મતદારો મળી કુલ ૪૬,૮૬,૧૯૯ નોંધાયેલ મતદારોનો સમાવેશ થયો છે.

આ સુધારણા કાર્યક્રમ દરમિયાન કુલ ૧,૩૩,૫૦૩ મતદારોનો નેટ વધારો થયો છે. જેમાં ૧૮ થી ૧૯ વર્ષ વયજુથના કુલ ૬૦,૭૬૬ યુવાઓની, જયારે ૨૦ થી ૨૯ વર્ષ વયજુથના કુલ ૫૪,૬૭૧ નાગરિકોની મતદાર તરીકે નોંધણી કરવામાં આવી છે. જ્યારે ૪૪,૨૫૭ મતદારો કમી થયાં છે. તા.૦૫ જાન્યુ.ના રોજ પ્રસિદ્ધ થયેલી આખરી મતદાર યાદી મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ www.ceo.gujarat.gov.in ઉપર પણ જોઈ શકાય છે.

મતદારયાદીમાં નોંધણી માટે લાયકાત ધરાવતા બાકી રહેલા તમામ નાગરિકો ‘‘સતત સુધારણા (Continuous Updation)” હેઠળ મતદારયાદીમાં નામ દાખલ કરવા સંબંધિત મતદાર નોંધણી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરી શકે છે. ઉપરાંત, પ્રવર્તમાન મતદારયાદીમાંથી નામ કમી કરવા, ફોટો વિગતમાં સુધારો કરવા, એક જ વિધાનસભા મતવિભાગ હેઠળ સ્થળ ફેરફાર માટે નિયત નમૂનામાં અરજી કરી શકે છે. તેમજ, www.voterportal.eci.gov.in તથા www.nvsp.in અને Voter Helpline મોબાઈલ એપ ૫૨ જઈને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે.

મતદારોને તેમના ઓળખકાર્ડ સ્પીડપોસ્ટ મારફત તેઓના ઘરના સરનામા પર પહોંચાડવામાં આવશે. મતદાર ફોટો ઓળખકાર્ડ ધરાવનાર મતદારનું નામ પ્રવર્તમાન મતદારયાદીમાં સમાવિષ્ટ હશે તો જ સંબંધિત ચૂંટણીમાં મતદાન કરી શકશે. જેથી સર્વે નાગરિકો-મતદારોને મતદારયાદીમાં નામ સમાવિષ્ટ થયું હોવા અંગે ચકાસણી કરી લેવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, સુરતની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *