રામ મંદિર જેવું આબેહુબ માતાજીનું મંદિર બનાવશે વાવડીયા પરિવાર- રામમંદિરના આર્કિટેકટ સોમપુરા કરશે નિર્માણ

ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું ગામ ઘેટી દુધાળા, આમ તો આ છેવાડાનું ગામ છે, પણ આજે આ ગામ બીજા ગામ કરતા કઈક અલગ છે. ત્યાંની…

ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું ગામ ઘેટી દુધાળા, આમ તો આ છેવાડાનું ગામ છે, પણ આજે આ ગામ બીજા ગામ કરતા કઈક અલગ છે. ત્યાંની કહાની, ત્યાંના લોકો પણ અલગ છે. આમ તો સર્વસમાજ અને જ્ઞાતિના લોકો અહી વસવાટ કરે છે. લેઉવા પટેલ સમાજના વાવડિયા, ઝાલાવાડીયા, સાવલિયા, ભંડેરી, ખોખર, ભાલાળા, ગોયાંની, સેલિયા, વડસક, નારોલા, પાંચાણી, માલવિયા, લુણાગરિયા, ચલોડીયા, દોમાડિયા, ધાંકેચા, રૈયાણી જેવી શાખના  પરિવારો વસવાટ કરી રહ્યા છે. અને સાથે સાથે અન્ય સમાજના લોકો પણ ગામમાં વર્ષોથી વસવાટ કરે છે.

છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાની મહામારી માં દુધાળા ગામમાં વાવડીયા પરિવારનો એક પણ સભ્ય કોરોના ગ્રસ્ત નથી થયું, તો કોરોનાના લીધે કોઈનું મૃત્યુ પણ નથી થયું. જે એક અચરજ પમાડે તેવી વાત છે. ગતરોજ જે દુધાળા ગામમાં મહાકાળી માતાજીના મંદીરનું ખાતમુહૂર્ત થયું તે પહેલા ગામમાં એક મઢ સ્વરૂપે હતું, તે હવે શિખરબદ્ધ મંદિર સ્વરૂપે માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા મંદિરમાં કરવામાં આવશે.

આજે દિન-પ્રતિદિન વાવડીયા પરિવારના લોકો પોતાના વ્યવસાયને લઈને ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. અને આથી જ તેઓ પોતાના કુળદેવી પ્રત્યેની પોતાની શ્રદ્ધા, પોતાની નિષ્ઠા, ને લઈને આ સુંદર અને ધાર્મિક કાર્યનું આહવાન કરીને આરંભ કર્યો છે.

મહત્વની વાત છે કે આ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય જગવિખ્યાત મંદિર નિર્માણ કરતા “સોમપુરા” કરશે. આગામી દોઢ વર્ષ દરમિયાન મંદિર સંપૂર્ણ તૈયાર થઈ જશે. આ મંદિરના નિર્માણ કાર્યમાં જોધપુરના લાલ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમજ આ ભવ્ય મંદિરના નિર્માણ કાર્ય માટે દુધાળા ગામના વાવડીયા પરિવારના આગેવાનોએ લાખો રૂપિયાનું દાન અને સહયોગ આપ્યો છે. જેમાં મંદિરની  ખાતમુહૂર્ત વિધિમાં શૈલેષભાઈ વાવડીયાએ સંપૂર્ણ જવાબદારી સાથે તન, મન અને ધનથી સેવા કરીને ખાતમુરતના અવસરનું યજમાન પદ પણ સ્વીકાર્યું હતું. અને આ શુભ પ્રસંગે તેઓ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.

વાવડીયા પરિવારનું ઉદ્ભવસ્થાન ગુજરાતના પ્રખ્યાત તીર્થધામ પાવાગઢની નજીક આવેલું એક નાનું રળિયામણું વાવડી ગામ છે. ઘણા બધા વર્ષો પૂર્વે ત્યાંથી પૂર્વજો તે સમયે અલગ ગામોમાં વસવાટ માટે ગયા હતા, ત્યારથી લઈને વાવડી ગામથી વાવડીયા પરિવારની શરૂઆત થઈ.

આ બાબતે વિશેષ જાણકારી ગામના યુવા અગ્રણી ધવલભાઈ વાવડીયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મંદિર નિર્માણ થયા પછી તેની ભવ્ય પ્રતિષ્ઠા વિધિ દરમિયાન, ગુજરાત ભરના ખ્યાતનામ કલાકારો, તથા ગાદીપતિઓ, અને તમામ ધાર્મિક સંસ્થાના પ્રમુખ, તેમજ સંસ્થાઓ સાથે જોડાયેલા સંતો, મહંતો, અને ભક્તોને આમંત્રિત કરવામાં આવશે.

દુધાળા ગામનો ઇતિહાસ પણ ખુબ જ રસપ્રદ છે. દુધાળા ગામ માં 31 વર્ષ જૂની બી આર ભાલાળા લોકશાળા તથા છાત્રાલય પણ છે, જેમાં કુમાર અને કન્યાનું બાલમંદિર થી લઈને ધોરણ 12 સુધીનું તદ્દન મફત શિક્ષણ પ્રાપ્ત કરે છે. તેમજ ગુજરાતમાં આવેલ અને ઐતિહાસિક જાણીતો વિજાઆપાનો આશ્રમ પણ દુધાળા ગામમાં છે.

ભાથીજી મહારાજનું વિશાળ મંદિર છે, તો અહી ગામમાં એક ઐતિહાસિક વાવ પાસે એક ભોંયરામાં ભોળાનાથ મહાદેવ પણ બિરાજે છે. સાથે સાથે ગામના મધ્યમાં ચોરામાં ઠાકર અને હનુમાન દાદા ગામલોકોની રક્ષા કરવા વર્ષો થી સાક્ષાત બેઠા છે.

આ ઉપરાંત આઝાદીની લડત સમયે પણ આ ગામની વિશિષ્ટ સેવા અને દેશપ્રેમ પણ કાબિલે તારીફ છે. આઝાદી સમયે સરદાર સાહેબના રજવાડા ભેગા કરવા દરમિયાન, દુધાળા ગામના આગેવાનો દ્વારા ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી ને ખૂબ જ સહયોગ આપવામાં આવ્યો હતો. આ વાત ગામના એક વૃદ્ધ વડીલ પાસેથી જાણવા મળી હતી.

દુધાળા ગામ સાથે જૈન સમુદાયનો પણ એક અનોખો નાતો રહેલો છે. કારણ કે જૈન સમાજનું પવિત્ર યાત્રાધામ શેત્રુંજય થી દુધાળા ગામ એકદમ નજીક થાય છે, તેથી જૈન લોકો જ્યારે જ્યારે શેત્રુંજયની મુલાકાત લે છે, ત્યારે ત્યારે તેઓ દુધાળા ગામની પણ મુલાકાત અવશ્ય લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *