ગુજરાતના અમદાવાદમાંથી વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી પરણિત મહિલાએ સાસરીઓના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવી લીધું છે. આપઘાત પહેલા આ પરણીતાએ પોતાની દુઃખ ભરી દાસ્તાન રૂપે સુસાઇડ નોટ લખી. ઘટના બાદ મૃતક મહિલા પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી હતી.
અમદાવાદના રામોલમાં મહેન્દ્રસિંહ ચૌહાણ અને પૂજાના લગ્ન બે વર્ષ પહેલા એટલે કે વર્ષ 2020 માં થયા હતા. લગ્નના ચાર મહિના બાદ પૂજાના પતિ મહેન્દ્રસિંહ, સાસુ સુશીલાબેન અને સસરા ગુલાબસિંહ ચૌહાણ દ્વારા વારંવાર પૂજા સાથે ઝઘડો કરી દહેજની માંગણી કરવામાં આવી રહી હતી. આટલું જ નહીં શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતા હતા.
પૂજાનો ભાઈ આર્મીમાં નોકરી કરે છે. ‘ભાઈ આર્મીમાં નોકરી કરે છે છતાં દહેજમાં કઈ ના આપ્યું’ તેવા મેણાટોણા મારીને પૂજાને અવારનવાર હેરાન કરી રહ્યા હતા. જેનાથી કંટાળી પૂજા એ 30 ડિસેમ્બર 2022 ના રોજ મોડી રાત્રે બેડરૂમમાં ગળાફાંસો ખાઇ જીવ આપી દીધો હતો.
શું લખ્યું હતું સુસાઇડ નોટમાં…
આપઘાત પહેલા પૂજાએ દુઃખ ભરી કહાની લખી હતી. સુસાઇડ નોટમાં પૂજાએ સાસરિયાંઓના ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘હું પૂજા, મારી જિંદગીથી કંટાળી ને આપઘાત કરી રહી છું. મારા પતિ પિન્ટુ ચૌહાણે મને માર માર્યો હતો, અને આજે જ નહીં છેલ્લા બે વર્ષથી માર મારી રહ્યો છે. પરંતુ મારી મજબૂરી હતી કે હું આ લોકો સાથે રહેતી હતી, કારણ કે બીજે ક્યાં જતી. આ લોકોના ઘરમાં મારી કોઈ ઈજ્જત નહોતી. આ લોકોને વહુ નહિ પરંતુ નોકરાણી જોતી હતી. જે આખો દિવસ કામ કરે અને કંઈ પણ ના બોલે…’
વધુમાં પરણીતાએ લખ્યું કે, મારા પતિ મને કંઈ સમજતા નહોતા. મને બીમારી થાય કે, કોઈ તકલીફ પડે… આ લોકોને કોઈ ફરક પડતો નહોતો. આ લોકોને દરરોજનું ઘરનું કામ થવું જોઈએ. વારંવાર મારા સાસરીયા દહેજ માટે સંભળાવતા હતા.’ ઘટના પ્રકાશમાં આવતા પોલીસે પરણીતાના પતિ અને સસરાની ધરપકડ કરી છે. સુસાઇડ નોટ મળતા રામોલ પોલીસે મહેન્દ્રસિંહ ચૌહાણ, ગુલાબસિંહ ચૌહાણ અને સુશીલાબેન ચૌહાણ વિરુદ્ધ આપઘાત દુષ્પ્રેરણા નો પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.