નવસારી LCB પોલીસની સફળતા- ચોરાયેલા 1922ની સાલના સોનાના સિક્કા સાથે બીલીમોરાથી 4 મજૂરોની કરી ધરપકડ

Navasari news: નવસારીના બીલીમોરા શહેરના બજાર સ્ટ્રીટમાં આવેલા વર્ષો જુના જર્જર મકાનનો કાટમાળ ઉતારતા મજૂરોને મકાનના ખોદકામ કરતા મળેલા 100 વર્ષ જુના સોનાના સિક્કા પ્રકરણમાં…

Navasari news: નવસારીના બીલીમોરા શહેરના બજાર સ્ટ્રીટમાં આવેલા વર્ષો જુના જર્જર મકાનનો કાટમાળ ઉતારતા મજૂરોને મકાનના ખોદકામ કરતા મળેલા 100 વર્ષ જુના સોનાના સિક્કા પ્રકરણમાં નવસારી LCB પોલીસને મોટી સફળતા મળી છે. બે મહિનાની તપાસ દરમિયાન નવસારી( Navasari news ) પોલીસે વલસાડના કોન્ટ્રાકટર સહિત MP ના 4 મજૂરોની ધરપકડ કરી, 92.25 લાખના 199 સોનાના ઐતિહાસિક સિક્કા કબ્જે કરી, તપાસને વેગ આપ્યો છે.

સોનાના સિક્કા નીકળીને જમીન પર પડતા જ મજૂરોની આંખ અંજાઈ ગઈ
નવસારીના ચીખલી તાલુકાના સુરખાઇ ગામે રહેતા અને UKના લેસ્ટરમાં સ્થાયી થયેલા હવાબેન ઈમ્તિયાઝ બલિયાએ, બીલીમોરા શહેરના બંદર રોડ સ્થિત બજાર સ્ટ્રીટમાં આવેલ તેમનુ 100 વર્ષ જુનું પૈતૃક મકાન જર્જરિત થતા, તેને તોડી ત્યાં નવું મકાન બનાવવાની ગત વર્ષે તૈયારી આરંભી હતી. જેમાં વલસાડના કાટમાળ ઉતારતા 44 વર્ષીય કોન્ટ્રાકટર સરફરાઝ હાજી કોરડીયાને મકાન ઉતારવા આપ્યુ હતુ અને તેઓ UK પરત ફર્યા હતા. દરમિયાન સરફરાઝે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સોન્ડવા થાનાના બેજડા ગામના 28 વર્ષીય રાજુ ઉર્ફે રાજલા ગેન્તી ભયડીયા, તેની 26 વર્ષીય પત્ની બંજારી રાજુ ભયડીયા, 47 વર્ષીય રમકુ બંશી બંગાલ ભયડીયા તેમજ એક સગીરને મજૂરીએ રાખી, મકાન ઉતાર્યુ હતુ.

જોકે મકાન ઉતારતા પૂર્વે હવાબેન બલિયાએ કોન્ટ્રાકટર સરફરાઝને ઘરમાંથી કોઇપણ કિંમતી વસ્તુ મળે, તો તેમને જાણ કરવાનું કહ્યુ હતું. બીજી તરફ મકાનનો ઉપરનો માળ ઉતારતા તેના મોભમાંથી વર્ષ 1910 થી 1922 ના કીંગ જ્યોર્જ 4 ની છાપ સાથેના સોનાના સિક્કા નીકળીને જમીન પર પડતા જ મજૂરોની આંખ અંજાઈ ગઈ હતી. સાથે જ તેમણે સોનાના સિક્કાઓ વીણી લઇ, કોઈને કહ્યા વિના જ સિક્કાઓ પોતાની પાસે રાખી મધ્યપ્રદેશ જતા રહ્યા હતા. જ્યાં રમકુ ભયડીયાના ઘરમાંથી સ્થાનિક પોલીસ કર્મી સોનાના સિક્કા જોતા, તેને મારીને લૂટી લઇ ગયો હતો.

ચારેય મજૂરોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને 8 દિવસના રિમાન્ડ મેળવ્યા
સમગ્ર મુદ્દે MP ના સોન્ડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ, એક PSI સહિત 4 પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરી, તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેથી સમગ્ર મુદ્દો ધ્યાને આવ્યો હતો અને હવાબેન બલિયાને જાણ થઇ હતી. જેથી ગત ઓક્ટોબર 2023 માં હવાબેન બલિયા નવસારી આવ્યા ત્યારે સુરત રેંજ IGP ને મળીને રજૂઆત કરતા નવસારીના બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર પ્રકરણમાં નવસારી LCB પોલીસની આગેવાનીમાં SOG પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યા બાદ, પોલીસે મધ્યપ્રદેશમાં 6 વાર તપાસ અર્થે જઈ, સ્થાનિક બાતમીદારો ઉભા કરી, મજૂરોની ગતિવિધિ ઉપર નજર રાખી હતી. બીજી તરફ વલસાડના કોન્ટ્રાકટર સરફરાઝ કોરડીયાની પણ પૂછપરછ આરંભી હતી.

જેમાં સરફરાઝે મજૂરોને સોનાના સિક્કા મુદ્દે ધમકાવ્યા હોવાનું ધ્યાને આવતા પોલીસે સરફરાઝ અને ચારેય મજૂરોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરતા રાજુ અને તેની પત્ની પાસેથી 175 સોનાના સિક્કા મળ્યા હતા, જયારે રમકુ પાસેથી 24 સિક્કા મળી આવતા નવસારી પોલીસે કુલ 199 સિક્કા કબ્જે લીધા હતા. આરોપીઓ પાસેથી મળેલા સિક્કાઓ 22 કેરેટના અને એક સિક્કાનું વજન 8 ગ્રામ પ્રમાણે જોતા કુલ 1592 ગ્રામ સોનાના સિક્કા અને તેની હાલની કિંમત 92.25 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *