સુરત(Surat): ડાયમંડ સિટી(Diamond City), સિલ્ક સિટી અને બ્રિજ સિટી સાથે સાથે સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે નામના મેળવી રહ્યું છે, ત્યારે સુરત(Surat)ની નવી સિવિલ હોસ્પિટલના ડોકટરો(Doctor)ના સફળ પ્રયાસોના પરિણામે દસમું અંગદાન કરાવવામાં આવ્યું છે.
સુરતના ખંડારે પરિવારે બ્રેઈનડેડ સ્વજનના લીવર અને બન્ને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે.
શહેરના SMC ક્વાટર્સ, ન્યુ સિટીલાઈટ રોડ ખાતે રહેતા અનિલ અશોક ખંડારે ગત તા: 2 ડિસેમ્બના રોજ સાંજે 7:00 વાગ્યે પોતાના ઘરના દાદર ઉતરતા હતા, એ સમયે તેઓને માથામાં દુ:ખાવો થતા દવા લઈને સુઈ ગયા હતા. બીજા દિવસે તા.3ના રોજ રાત્રિ દરમિયાન અચાનક તબિયત લથડતા પરિવાર દ્વારા 108 એમ્બ્યુલન્સમાં તત્કાલ નવી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક સારવાર બાદ ICUમાં શિફ્ટ કરીને સિટી બ્રેઈન રિપોર્ટ કરતા અનિલ ખંડારેને વધુ બ્લડ પ્રેશર હોવાથી મગજનું હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું. તેમના સ્વસ્થ થવાની સંભાવના ન હોવાથી તેમની સારવાર દરમિયાન ગત તા:4ના રોજ નવી સિવિલના ન્યુરોફિઝીશ્યન ડો.જય પટેલે અનિલભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગ.- SOTTO અને નોટોના ઓર્ગન ડોનેશન ટીમના સભ્યો તેમજ સિવિલના આર.એમ.ઓ. ડો.કેતન નાયક સહિત સિવિલની તબીબી ટીમ દ્વારા આ અંગેની પરિવારજનોને જાણકારી આપી.
તેમજ અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. સ્વ.અનિલભાઈના પરિવારમાં ધર્મપત્ની દિપાલીબેન 10 વર્ષીય પુત્ર મયુર, 7 વર્ષીય પુત્ર સર્ગસ ખંડારે અને 4 વર્ષીય પુત્રી દેવાસી છે. પરિવારે અંગદાનની મંજૂરી આપી જણાવ્યું કે, અમારા સ્વજનનું શરીર બળીને રાખમાં મળી જવાનું છે, ત્યારે તેમના અંગો જરૂરિયાતમંદ દર્દીઓને કામ લાગી શકે તે બધા જ અંગોનું દાન કરાવો.
પરિવારજનોની સહમતિ મેળવ્યા બાદ અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર-IKDRC ને નિયત ગાઈડલાઈન મુજબ લીવર અને બન્ને કિડની ફાળવવામાં આવ્યા. તેમના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. આ અંગદાનના સેવા કાર્યમાં સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલથી કામરેજ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો.
અંગદાનની કામગીરી સુપેરે પાર પાડવા સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. ‘અંગદન એ જ મહાદાન’. અંગદાન(organ donation) કરવાથી કેટલાય લોકોને નવજીવન મળે છે, તેથી અંગદાન કરવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.