ઘોર કળયુગ: માત્ર 2800 રૂપિયાની લેતીદેતીમાં ભાઈએ જ ભાઈની કરી હત્યા- સુરતની કાળજું કંપાવી દે તેવી ઘટના

Surat Crime News: સુરતના પાંડેસરા વિસ્તારમાં કૌટુંબિક ભાઈ પાસે મજૂરીના નીકળતા 2800 રૂપિયાની લેતીદેતી મામલે થયેલી માથાકૂટમાં બોથર્ડ પદાર્થ વડે ઘા કરી યુવકની હત્યા કરવામાં આવી હતી. હવે આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં બે( Surat Crime News )આરોપીઓને ઝડપી પાડ્યા છે. રામુ વર્મા નામના યુવકની બોથર્ડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી બે લોકોની ધરપકડ કરી છે.

માથાનાં ભાગે પથ્થર મારી દીધો હતો
સુરતના પાંડેસરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, 3 ડિસેમ્બરના રોજ રામુ વર્મા નામના યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી બે ઈસમો દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ હત્યા અન્ય કોઈએ નહિ પરંતુ કૌટુંબિક ભાઈ દ્વારા જ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો મારુતિ નગર સોસાયટીમાં રહેતા રામુ વર્માના ફોઈના દીકરા બંસીલાલ વર્માએ અડાજણ ખાતે રહેતા કૌટુંબિક ભાઈ શક્તિલાલ વર્મા પાસે મજૂરીના 2800 રૂપિયા લેવાના બાકી નીકળતા હતા. જેથી રામુ અને બંસીલાલ બંને અડાજણ સ્થિત શક્તિલાલને ત્યાં ગયા હતા અને તેની પાસે રહેલો મોબાઈલ છીનવી લઈ આવ્યા હતા.

જે બાદ રૂપિયા આપી મોબાઈલ લઈ જવા જણાવ્યુ હતું. બાદમાં શક્તિલાલ વર્મા અને તેનો મિત્ર અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરા પાંડેસરા સ્થિત મારુતિ નગર સોસાયટી ખાતે રહેતા બંસીલાલને ત્યાં આવ્યા હતા. જ્યાં બંસીલાલ જોડે શક્તિ લાલ અને અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરાએ માથાકૂટ કરી મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન અનંતરામ વર્માએ શક્તિલાલનાં કહેવાથી રામુ વર્માના માથાનાં ભાગે પથ્થર મારી દીધો હતો અને બન્ને વર્મા શ્રમજીવીઓ ત્યાંથી ભાગી ગયા હતાં. પથ્થરનો ઘા માથામાં વાગતા અને લોહીથી લથપથ હાલતમાં જમીન પર પટકાયેલાં રામુ વર્માને સારવાર માટે 108 દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરનાં તબીબે રામુ વર્માને મૃત જાહેર કર્યો હતો.

કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલ્યો
હત્યાની ઘટના બાદ ફરાર થઈ ગયેલા શક્તિલાલ અને અનંત રામ ઉર્ફે ત્રિભુવન બહેરા વિરુદ્ધ રામુ વર્માની પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ હત્યાના કેસમાં પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ કેસમાં તપાસ દરમિયાન પાંડેસરા પોલીસે હત્યાની આ ઘટનામાં સંડોવાયેલા આરોપી શક્તિલાલ વર્મા અને અનંત રામ ઉર્ફે ત્રિભુવન બહેરાને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

પકડાયેલા આરોપી
35 વર્ષીય રામુ રામકુમાર વર્માની હત્યાને પગલે તેની પત્ની રાધા દેવીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બંને આરોપી શક્તિલાલ વર્મા અને અનંતરામ વર્માની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.