સુરત ભાજપ ઉમેદવાર બિનહરીફ: BJP ના ઉમેદવાર મુકેશ દલાલને સત્તાવાર જાહેરાત સાથે આપવામાં આવ્યું સર્ટિફિકેટ

Mukesh Dalal: સુરતમાં શનિવારથી શરૂ થયેલા સત્તાના સંગ્રામના હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામાનો સોમવારે બપોરે બે વાગ્યે અંત આવ્યો છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર…

Mukesh Dalal: સુરતમાં શનિવારથી શરૂ થયેલા સત્તાના સંગ્રામના હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામાનો સોમવારે બપોરે બે વાગ્યે અંત આવ્યો છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જીત્યા છે. આ બેઠક પર ઉમેદવારી નોંધાવનાર મુકેશ દલાલ(Mukesh Dalal) સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું છે. જેથી ઈતિહાસમાં પ્રથમવાર સુરત લોકસભા બેઠક બિનહરિફ જાહેર થઈ છે.તેમજ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ગાયબ થયા બાદ કલેક્ટર કચેરીએ પ્રગટ થયા હતા અને ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેતા ચૂંટણીપંચે વિજેતા જાહેર કર્યા છે.

આઝાદી બાદ પહેલી વખત સુરત બેઠક બિનહરીફ થઇ
ભારત દેશ 1947 માં આઝાદ થયો હતો. આઝાદી બાદ પહેલી લોકતાંત્રિક ચૂંટણી 1951માં થઈ હતી ત્યારથી જ સુરત બેઠક અસ્તિત્વમાં આવી હતી. હવે 1951થી લઈને અત્યાર સુધી યોજાયેલી 17 લોકસભા ચૂંટણીમાં સુરત બેઠક એકપણ વખત બિનહરીફ થઈ નથી. આજે ભાજપને અન્ય રાજકીય પાર્ટી અને અપક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચાવવામાં સફળતા મળી છે. જેમાં આઝાદી બાદ પહેલી વખત સુરત બેઠક બિનહરીફ થઇ છે. રાજકીય પાર્ટીઓની સાથે સુરતવાસીઓ માટે એક ઇતિહાસ બની ગયો છે.

ધારણાની વિરૂદ્ધ કામ થતું હોય ત્યાં લોકતંત્રની હત્યા દેખાય
મુકેશ દલાલે જણાવ્યું હતું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીઆર પાટીલનો આભાર માનુ છું. ભારત દેશમાં પહેલું કમળ સુરત શહેરમાં ખીલ્યું એ હું તેમના ચરણોમાં અર્પણ કરું છું. લોકશાહી ઢબે મારો વિજય થયો છે. કહેવાવાળા કહ્યા કરે પણ હું ખરેખર મારા મતદારો અને કાર્યકરોનો આભારી છું. પોતાની ધારણા મુજબનું કામ થતું હોય ત્યાં લોકોને સારું લાગતું હોય છે. જ્યારે ધારણાની વિરૂદ્ધ કામ થતું હોય ત્યાં લોકતંત્રની હત્યા દેખાય છે.

ભાજપના મુકેશ દલાલ સહિત કુલ 9 ફોર્મ માન્ય થયા હતા
સુરત બેઠકને લઈ સંદેશ ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં ભાજપના મુકેશ દલાલ સહિત કુલ 9 ફોર્મ માન્ય થયા છે. જેમાં અન્ય 8 ઉમેદવારે ફોર્મ પાછા ખેંચ્યા છે. તેથી ભાજપ સુરતની પ્રથમ બેઠક બિનહરીફ જીતી છે. સુરત લોકસભા બેઠકને લઈ કુંભાણીનું ફોર્મ રદ થતા ભાજપ બિનહરીફ થવાના ખેલમાં હતી. બાકીના 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપ બિનહરીફ થઇ છે. ભાજપ ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ કરવા ખેલ પાડવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જેમાં 4 અપક્ષ અને 4 અલગ અલગ પાર્ટીના ઉમેદવાર મેદાને હતા. તેમાં બાકી બચેલા 8 ઉમેદવારોએ ફોર્મ પરત લીધા છે.

ફિલ્મી ઢબે પ્યારેલાલ પ્રગટ થયાં
બહુજન પાર્ટીના ઉમેદવારના ફોર્મ પરત ખેંચવા અંગે સસ્પેન્સ ચાલી રહ્યું હતું, તેનો પણ આજે સોમવારે બપોરે 2 વાગ્યે અંત આવ્યો છે. બહુજન પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે. હવે આ બેઠક પર ઈલેક્શન નહીં થાય. મુકેશ દલાલ બિનહરિફ વિજેતા ઘોષિત થવાનો રસ્તો સાફ થયો છે. આ અગાઉ બહુજન પાર્ટીના ઉમેદવારે પોલીસ રક્ષણ માંગ્યું હતું. ઉમેદવાર પ્યારેલાલ અને પાર્ટીના પ્રમુખે રવિવારે પોલીસ પ્રોટેક્શનની માંગ કરતો પત્ર સુરત કલેક્ટર અને સુરત પોલીસ કમિશનરને મોકલ્યો હતો. દરમિયાન આજે નાટકીય ઢબે પ્યારેલાલે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે.

કુંભાણી બાદ વિકેટો ટપોટપ પડી
આ સમગ્ર પોલિટિકલ હાઈ વોલ્ટેજ ડ્રામાની શરૂઆત શનિવારે બપોરથી થઈ હતી, જ્યારે સુરત લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતે કુંભાણીના પત્ર પર સહી નહીં કરી હોવાની એફિડેવિટ કરી હતી. આ એફિડેવિટ બાદ નિલેશ કુંભાણીની ઉમેદવાર રદ થશે તેવી ચર્ચા ઉઠી હત. 24 કલાકના ડ્રામા બાદ કુંભાણીની ઉમેદવારી ચૂંટણી તંત્ર દ્વારા રદ કરાઈ હતી. કુંભાણીની ઉમેદવારી કેન્સલ થયા બાદ અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેંચી લેશે તેવી ચર્ચા ઉઠી હતી. ચર્ચા સાચી પડી છે.