સુરત/ 589 કેન્દ્રો પરથી 1.60 લાખથી વધુ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ- કુમકુમનો ચાંદલો કરીને પુષ્પો આપીને પરીક્ષાર્થીનું કર્યું સ્વાગત

Gujarat Board Exam: ગુજરાતભરમાં આજથી ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓનો આરંભ થયો છે. જેમાં સુરત સહિત જિલ્લામાં કુલ 589 પરીક્ષા કેન્દ્રો પરથી 1.60 લાખથી વધુ વિદ્યાર્થીઓ…

Gujarat Board Exam: ગુજરાતભરમાં આજથી ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓનો આરંભ થયો છે. જેમાં સુરત સહિત જિલ્લામાં કુલ 589 પરીક્ષા કેન્દ્રો પરથી 1.60 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યાં વહેલી સવારે વાલીઓ પોતાના બાળકોને પરીક્ષા કેન્દ્ર સુધી છોડવા માટે આવ્યા હતા.પરીક્ષાના પ્રારંભિક પ્રસંગે શાળા પરિવાર દ્વારા પણ વિદ્યાર્થીઓને ગુલાબનું પુષ્પ(Gujarat Board Exam) અને ચોકલેટ વડે મોઢું મીઠું કરાવી વેલકમ કરવામાં આવ્યા હતા. પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓના ચહેરા પર અતિ ઉત્સાહ અને સ્મિત છલકાઈ આવી હતી. આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 15.38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બોર્ડની પરીક્ષાના પેપરો રાજ્યના તમામ જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવામાં આવ્યા છે. નકલ મુક્ત બોર્ડની પરીક્ષાઓ યોજવા માટે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે, બોર્ડની પરીક્ષાઓ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ લેવામાં આવશે.

સુરતમાં કુલ 1.60 લાખ વિદ્યાર્થી બોર્ડ એક્ઝામ આપી રહ્યાં છે
સુરત જિલ્લામાં આજથી શરૂ થયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં કુલ 1.60 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં ધોરણ 10 માં 91,446, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 50,313 અને ધોરણ 12 સાયન્સ માં 18 હજારથી વધુ વિધાર્થીઓ નોંધાયા છે. બોર્ડની પરીક્ષાના પ્રારંભિક પ્રસંગે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમાર જણાવ્યું હતું કે સુરત સહિત જિલ્લામાં એક પણ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર નથી.શહેર સહિત જિલ્લામાં 589 પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે.

9.30 કલાકે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ અપાયો
આજથી શરૂ થયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના પગલે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓને વાલીઓ શાળાએ પહોંચી ગયા હતા.જ્યાં શહેરની અલગ અલગ શાળાઓ બહાર વિદ્યાર્થીઓને વાલીઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અગવડ ના પડે તે માટે યોગ્ય બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જ્યાં સવારે 9:30 વાગ્યાના ટકોરે તમામ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ગુલાબના ફૂલ આપ્યા, ચોકલેટથી મોંઢું મીઠું કરાવાયું
પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારવા સુરત જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ શાળાએ પહોંચ્યા હતા. વહેલી સવારથી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. પ્રથમ પેપરને લઈને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપ્યો હતો. હાલ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં પહોંચી ગયા છે અને પહેલું પેપર આપી રહ્યા છે. ક્લાસ રૂમ સીસીટીવી સાથે સજ્જ છે. તેમજ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાઇ ગયો હતો.

ગેરરીતિ રોકવા સીસીટીવી કેમેરા ફીટ કરાયા, ટીમો બનાવાઈ
તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરા થી સજ્જ કરવામાં આવ્યા છે. દરેક પરીક્ષા કેન્દ્રો પર શહેર પોલીસ દ્વારા પોલીસ જવાનોને સુરક્ષા-બંદોબસ્તના ભાગરૂપે તૈનાત કરવામાં આવ્યા છે. પરીક્ષા દરમ્યાન ગેરરીતિ ન થાય તે માટે અધિકારીઓને બે અલગ અલગ ટીમો ની નિમણૂક કરવામાં આવી છે. જે ટીમો દ્વારા પરીક્ષા કેન્દ્ર પર જઈ સુપરવિઝન કરશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી શુભકામના
તો બીજી તરફ મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું છે કે આત્મવિશ્વાસ રાખશો તો પરીક્ષા સફળતા અને સિદ્ધિ મેળવવા માટેનો અવસર બની જશે. તમે બધા બોર્ડની પરીક્ષામાં સારુ પર્ફોર્મ કરો.આગળ ઉચ્ચ કારકિર્દી તમારી રાહ જોઇ રહી છે.આ અમૃતકાળ વિદ્યાર્થીઓના સપના સાકાર કરવાનો અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનો સ્વર્ણિમકાળ બને એવી શુભકામના.

શહેર ટ્રાફિક પોલીસ પરીક્ષાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડવા ખડેપગે તૈયાર
સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમાર એ જણાવ્યું હતું કે તમામ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી,શરબત સહિત ORS ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને તેને ધ્યાનમાં લેતા ખાસ આરોગ્ય વિભાગની એક ટીમો પણ દરેક પરીક્ષા કેન્દ્રો પર મૂકવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલની અંદર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટેની સંપૂર્ણ વ્યવસ્થાઓ શાળા અને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી કરવામાં આવી છે.

રાજ્યમાં 15.89 લાખ વિદ્યાર્થી બોર્ડ એક્ઝામ આપી રહ્યાં છે
સમગ્ર ગુજરાતમાં આજથી 15.89 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. જેમાં સુરતની વાત કરવામાં આવે તો શહેર સહિત જિલ્લામાં કુલ 589 પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે.