વરાછાના પીએસઆઈને 30 લાખ રૂપિયાના હીરા મળ્યા હતા. પીએસઆઈએ તપાસ કરીને હીરાના માલિકને શોધીને તેમને તે હીરા પરત કરીને ઇમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વરાછા પોલીસ પીએસઆઈ વી. કે. રાઠોડ કામ અર્થે મિની બજારના માવાણી કોમ્પ્લેક્સમાં ગયા હતા. જ્યારે કામ પૂરૂ કરીને તેઓ પોલીસ સ્ટેશન પરત ફર્યા અને તેમણે પોતાની બાઇકની ડીકી ખોલી જોયું તો તેમાં 30 લાખના હીરા હતાં. પાર્સલમાં 30 લાખ રૂપિયાના હીરા હતા. તેમને અંદેશો હતો કે કોઈ બીજાની ચાવી તેમની બાઇકની ડીકીને લાગી ગઈ હશે અને ભૂલથી પાર્સલ મૂક્યું હશે. પીએસઆઈ રાઠોડે ફરી માવાણી કોમ્પ્લેક્સ જઇ વોચમેનને કહ્યું કે, કોઈનું પાર્સલ ખોવાયું હોય અને લેવા માટે આવે તો તેને વરાછા પોલીસ સ્ટેશને મોકલી આપજો. દોઢ કલાક પછી હીરાદલાલ ઉમેદભાઈ ભાણાભાઈ જેબલિયા (59),( નીલમબાગ સોસા., વરાછા) આવ્યા હતા. તેમણે હીરા ગુમ થયાંની વાત કરી હતી.વી. કે. રાઠોડે હીરા અંગે જણાવવા કહ્યું હતું. ઉમેદભાઈએ માહિતી આપતાં સ્પષ્ટ થયું કે હીરા તેમનાં જ છે. પીએસાઈ વી. કે. રાઠોડે ઉમેદભાઈને 30 લાખના હીરા પરત કર્યાં હતાં. ઉમેદભાઈએ કહ્યું કે તેઓ માવાણી કોમ્પ્લેક્સ બહાર મિત્ર સાથે વાત કરતાં કરતાં ભૂલથી પીએસઆઇની ડીકીમાં હીરા મૂકી દીધા હતા.
વરાછાના પીએસઆઇ વી.કે. રાઠોડે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરુ પાડયું
વરાછા પીએસઆઇ વી.કે.રાઠોડ અને હીરા દલાલ ઉમેદભાઇ જેબલિયા.
મિત્ર સાથે વાત કરતાં કરતા ઉમેદભાઇએ હીરા મૂકી દીધાં
પીએસઆઈ રાઠોડની બાઇક અને ઉમેદભાઈની બાઇક આજુ-બાજુમાં પાર્ક હતી. બંને બાઇક અને ડીકી પણ સરખી હતી. બંનેની ચાવી એકબીજાની ડીકીને લાગી ગઈ હતી. ઉમેદભાઈએ તેમના મિત્ર મનુભાઈ સાથે વાત કરતાં-કરતાં પીએસઆઈ રાઠોડની બાઇકની ડીકીમાં હીરા મૂકી દીધાં.વરાછાથી તેઓ મહિધરપુરા હીરાબજાર જઇ ડીકીમાં જોયું તો હીરા ન હતા. તેઓ પરત માવાણી કોમ્પ્લેક્સ આવ્યા ત્યાં વોચમેને વરાછા પોલીસ સ્ટેશન જવાનું કહ્યું હતું. ઉમેદભાઈએ પોલીસને જણાવ્યું હતું કે હીરા નહીં મળ્યા હોત તો બહુ મુશ્કેલી ઊભી થાત.