14 વર્ષની ઉંમરે સુરતની દીકરીએ લખ્યું ‘આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય’ અને ‘સંઘર્ષ સે શિખર તક’ નામનું પુસ્તક

સુરત(SURAT): 2 જી એપ્રિલ એટલે આંતરરાષ્ટ્રીય બાલ પુસ્તક દિન. સમગ્ર વિશ્વમાં બાળલેખકો, બાલ સાહિત્યકારોને નવાજવા માટેના આ દિવસે વાત કરવી છે સુરતની એવી બાળલેખિકાની જેણે…

સુરત(SURAT): 2 જી એપ્રિલ એટલે આંતરરાષ્ટ્રીય બાલ પુસ્તક દિન. સમગ્ર વિશ્વમાં બાળલેખકો, બાલ સાહિત્યકારોને નવાજવા માટેના આ દિવસે વાત કરવી છે સુરતની એવી બાળલેખિકાની જેણે માત્ર 11 વર્ષની ઉંમરે “આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” નામનું પુસ્તક લખ્યું હતું. નાની ઉંમરે આધ્યાત્મિક વક્તા અને મોટીવેશનલ સ્પીકર તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલી આ બાળલેખિકા છે ધો.૮ માં અભ્યાસ કરતી ભાવિકા મહેશ્વરી. બહુમુખી પ્રતિભા ધરાવતી ભાવિકા મોબાઈલ ગેમ્સની માયાજાળમાંથી બચાવવા 10,000 જેટલા બાળકોને પબજીની લત અને મોબાઈલ એડિક્શન અંગે જાગૃત કરી ચૂકી છે.

ભારતીય સંસ્કૃતિમાં બાળકને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. ‘બચ્ચે મન કે સચ્ચે’ એવી ભાવના પણ પ્રચલિત છે. કોરી પાટી સમાન બાળકોના દિમાગમાં નાની વયથી જ સંસ્કારોનો એકડો ઘૂંટી શકાય તેમજ પોતાના જેવા અન્ય બાળકોને સભ્ય નાગરિક બનાવી શકાય એ માટે ભાવિકા મહેશ્વરીએ ‘આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” નામનું રસપ્રદ પુસ્તક લખ્યું છે. ઉપરાંત, હાલમાં જ તેણે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના સંઘર્ષ અને સિદ્ધિની દાસ્તાન આલેખતું ‘સંઘર્ષ સે શિખર તક’ પુસ્તક પણ લખ્યું છે. ઉપરાંત વિશ્વની પહેલી ‘કોરોના અવેરનેસ ડ્રોઇંગ બુક’માં પણ ટીમ મેમ્બર રૂપે યોગદાન આપ્યું છે.

વર્ષ ૨૦૦૯માં સુરતમાં જન્મેલી ભાવિકા હાલ ધો.૮માં અભ્યાસ કરે છે. માતાપિતા સાથે સુરતના વેસુ વિસ્તારમાં રહે છે. બાળપણથી આધ્યાત્મિક વાતાવરણમાં ઉછેર થવાથી ભાવિકાએ ધર્મ, અધ્યાત્મ, વેદપુરાણોનું ગહન જ્ઞાન પણ મેળવ્યું છે. જેના થકી આજે તે ‘બાલ રામકથાકાર અને બાલભાગવતકથાકાર’ પણ છે. આ તેના પ્રેરક વ્યક્તિત્વનું બીજું પાસું છે. કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન ભાવિકાએ શાળાના ભણતરની સાથે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અને રામાયણનું તલસ્પર્શી અધ્યયન કર્યું હતું. રામના આદર્શ જીવનથી પ્રભાવિત થઈને તેણે તેણે વિચાર્યું કે, રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે હું પણ યથાશક્તિ યોગદાન આપીશ. અને ૧૧ વર્ષની ઉમરે ભાવિકાએ ૪ રામકથા કરી રૂ.૫૨ લાખની દાનરાશિ એકત્ર કરી રામમંદિરના નિર્માણ માટે દાન આપ્યું હતું.

ભાવિકા મહેશ્વરીએ જણાવ્યું કે, પાંચ વર્ષની વયથી યુટ્યુબ પર વિડિયો પર જ્ઞાનવર્ધક વિડીયો નિહાળતી હતી. મોટીવેશનલ વિડીયો જોઈને પણ પ્રવચન આપવાનું શીખી. માતાપિતાએ પણ પ્રસંગોપાત્ત મને લોકો વચ્ચે બોલવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. મારી ભાષા કાલીઘેલી હતી. પણ હું લોકોને મારી વાત અસરકારક રીતે સમજાવી શકતી હતી.

ભાવિકા જણાવે છે કે, ૧૦ વર્ષની થઈ ત્યારે સ્કૂલો, બાળકોના કાર્યક્રમોમાં મારા જેવા ૧૦,૦૦૦થી વધુ બાળકોને ‘મોબાઈલ, ઓનલાઈન ગેમ્સના વળગણ અને તેનાથી છૂટવા માટેના ઉપાયો’ વિષય પર વાતચીત કરીને જાગૃત્ત કર્યા. ત્યારબાદ પહેલીવાર “આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” વિષય પર યુટ્યુબ વિડિયો સિરીઝ બનાવી હતી. આ સિરિઝને પિતાજીએ પુસ્તકમાં રૂપાંતરિત કરવાનું સુચન કર્યું હતું. પિતાના માર્ગદર્શન થકી “આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય” નામનું પહેલું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં બાળકોને કુસંગત, જંકફૂડથી નુકસાન, સારી આદતો, ટીવીની નકારાત્મકતા, મોબાઈલ-કોમ્પ્યુટરનો દુરૂપયોગ, અભ્યાસનું મહત્વ, વડીલો પ્રત્યે આદરભાવ, સારા પુસ્તકોનું વાંચન જેવા વિવિધ વિષયો પર જ્ઞાનસભર વિચારો આલેખ્યા છે. જે બાળકો માટે પ્રેરણારૂપ છે.

ભાવિકા કહે છે કે, પુસ્તકો એવી પાંખો છે જે પ્રત્યેક દિવસ નવી ઉર્જા સાથે ઉડવામાં મદદ કરે છે. પુસ્તકો આપણી તાર્કિક શક્તિને વિકસાવે છે. હાલના બાળકો મોબાઈલના ડિજીટલ વિશ્વમાં જીવી રહ્યા છે. તેઓ તેમના પ્રશ્નોના જવાબ ઈન્ટરનેટના યુટ્યુબ ગુગલ જેવા માધ્યમોમાંથી શોધે છે. ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગથી બાળક બાળપણથી જ મોબાઈલ એડિકટેડ ન બને એ માટે તેને વાંચનની ટેવ પાડવી જોઈએ. બાળપુસ્તકોનું વાંચન તેને નવી અને રોચક દુનિયાની સફર કરાવશે.

“સંઘર્ષ સે શિખર તક’ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પ્રેરણાદાયી કહાની” પર લખ્યુ છે. તેઓ ગરીબી અને સંઘર્ષો સામે લડીને પહેલી આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે, જેની ગાથા વાંચીને વાંચકોમાં સકારાત્મક સંદેશ જશે, અને સ્ત્રી સશકિતકરણને પણ બળ મળશે. ઝૂંપડીમાં જન્મ લઈ રાષ્ટ્રપતિ બનવું એ જ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશની ખૂબસૂરતી છે એમ ભાવિકા કહે છે.

ઉલ્લેખનીય છે કે, ભાવિકાએ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં કેદ ૩૧૫૦ કેદીઓ સમક્ષ ૫ દિવસીય ‘વિચારશુદ્ધિ કથા’ કરી હતી. કોરોનાકાળમાં આઈસોલેશન સેન્ટરમાં જઈ મોટિવેશનલ સ્પીચ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓના મનોબળ મજબૂત કરવાનું કાર્ય પણ કર્યું હતું. ભાવિકાએ સાંસદ મનોજ તિવારીના હસ્તે ‘ગ્લોબલ ઈન્ડિયા નેશનલ એક્સલેન્સ એવોર્ડ’ મેળવ્યો છે. હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં રામકથા, ભાગવત કથા અને મોટીવેશનલ સ્પીચ આપી ચૂકી છે.

ભાવિકા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આસામના મુખ્યમંત્રીશ્રી હેમંત બિશ્વ સર્મા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ, ભારતીય સેનાના CDS-ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફશ્રી મનોજ મુકુંદ નરવણે, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓએ વિવિધ મુલાકાતોમાં તેની સિદ્ધીઓ જાણી પ્રોત્સાહનપત્ર અર્પણ કર્યા છે. ભાવિકાના પિતા રાજેશભાઈ સ્કોલર ઈંગ્લીશ એકેડેમીના સંચાલક છે. તાજેતરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-૨૦૨૩’ના દિવસે શ્રેષ્ઠ કામગીરી અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનામાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નોમિનેટ થવા બદલ મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.

ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ બુક ડે- ICBDની તવારીખ:
ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ બુક ડે (ICBD) એ ઈન્ટરનેશનલ બોર્ડ ઓન બુક્સ ફોર યંગ પીપલ (IBBY) નામની એક આંતરરાષ્ટ્રીય નોનપ્રોફિટેબલ સંસ્થા દ્વારા વર્ષ ૧૯૬૭ થી દર વર્ષે તા.૨ એપ્રિલના રોજ બાળસાહિત્યના લેખક હેન્સ ક્રિશ્ચિયન એન્ડરસનના જન્મદિવસે ઉજવવામાં આવે છે. જેમાં વિશ્વસ્તરે બાળ પ્રવૃત્તિઓ, બાળ લેખન સ્પર્ધા, બાલ પુસ્તક પુરસ્કારોની જાહેરાત અને બાળસાહિત્યના લેખકોના બહુમાન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *