તહેવાર પહેલા કામે લાગ્યું આરોગ્ય વિભાગ! સુરત અને વલસાડમાં 1,863 કિલોગ્રામ ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો કર્યો જપ્ત

Published on Trishul News at 12:04 PM, Thu, 9 November 2023

Last modified on November 9th, 2023 at 12:05 PM

Suspicious quantity of Surat ghee and oil found: દિવાળીનો તહેવાર નજીક આવતા સુરત અને વલસાડમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથધરવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, આજે સુરત અને વલસાડ ખાતેથી ખોરાક-ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ દ્વારા અંદાજે રૂા. 6.24 લાખથી વધુનો 1,863 કિલોગ્રામ ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત(Suspicious quantity of Surat ghee and oil found) કરવામાં આવ્યો છે. આ જથ્થાના વિવિધ ૦૯ જેટલા નમૂના લઇને તેની તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

કમિશનર કોશિયાએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર વડી કચેરી દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે દક્ષિણ ગુજરાતમાં તપાસ દરમ્યાન વલસાડ જિલ્લામાં આવેલ મે. શિવશક્તિ ઓઈલ મિલ, સ્વામીનારાયણ ગુરુકુળ રોડ, પટેલ ફળિયા, મું. ચાલા, તા: વાપી, જિ.-વલસાડ ખાતેથી તપાસ કરતા પેઢીમાં શંકાસ્પદ જણાતા રાઈના તેલના અને રાઈસ બ્રાન તેલના એમ કુલ- 5 નમૂના માલિક નિમેષકુમાર કિશોરભાઈ અગ્રવાલની હાજરીમાં લેવામાં આવ્યા હતા, જયારે બાકીનો 1024.19 કિગ્રા તેલનો જથ્થો કે જેની બજાર કિંમત આશરે રૂ. 2,89,038/- થવા જાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત તંત્ર દ્વારા મે. સન એગ્રો ફૂડસ, વાઇબ્રન્ટ બિઝનેસ પાર્ક, પ્લોટ નંબર -98, મુ-વાપી, જિ: વલસાડ પેઢીમાં તપાસ કરતા રાયડા તેલ અને રાઈસ તેલનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. જેના બે નમૂના પેઢીના માલિક નારણભાઈ રામજી નંદાની હાજરીમાં લેવામાં આવ્યા હતા જયારે બાકીનો અંદાજીત 524.38 કિગ્રા જથ્થો કે જેની બજાર કિંમત રૂ. 1,53,000/- થવા જાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે તેમ કમિશનરએ ઉમેર્યુ હતુ.

તેમણે કહ્યું હતું કે, સુરત(Surat news) કોર્પોરેશન વિસ્તારમાં આવેલ અને સોનાના વરખવાળી મીઠાઈ માટે પ્રચલિત મે. 24 કેરેટ મીઠાઈ મેજિક, ખટોદરા, સુરત ખાતે ઝીણવટભરી તપાસ કરતા “વીઆરસી ટેસ્ટ બેસ્ટ દેશી ઘી” બ્રાન્ડનો શંકાસ્પદ ઘીનો કાયદેસરનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ ઘી બાબતે માલિક બ્રિજ કિશોરભાઈ મીઠાઈવાલાને વધુ પૂછપરછ કરતા તેઓએ હોલસેલરનું સરનામું આપ્યું હતું જ્યાં તંત્ર દ્વારા તપાસ કરતા મેં. મિલ્કો ફૂડસ, રામપુરા, સુરત બંધ જોવા મળી હતી.

આ પેઢી ઉપર આખી રાત ફૂડ સેફટી ઓફિસરે વોચ રાખીને પેઢીના જવાબદાર વેપારી કપિલ પ્રવિણચંદ્ર મેમ્બર પાસેથી વહેલી સવારે “ટેસ્ટ બેસ્ટ દેશી ઘી” નો નમૂનો તેઓની હાજરીમાં લઇ બાકીનો આશરે 314.2 કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિમત રૂ. 1,82,236/- થવા જાય છે તે જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં તંત્ર દ્વારા આ બાબતમાં ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ખાદ્ય પદાર્થ બિન-આરોગ્યપ્રદ હોઈ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમ, કમિશનર ડૉ.કોશિયાએ જણાવ્યું હતું.

Be the first to comment on "તહેવાર પહેલા કામે લાગ્યું આરોગ્ય વિભાગ! સુરત અને વલસાડમાં 1,863 કિલોગ્રામ ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો કર્યો જપ્ત"

Leave a comment

Your email address will not be published.


*