ગાંધીનગર(ગુજરાત): હાલમાં કેબિનેટ બેઠકમાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામે પરિણીતાને પતિ અને સાસરિયાંઓ દ્વારા નિર્વસ્ત્ર કરવાની ઘૃણાસ્પદ ઘટનાના પડઘા પડ્યા હતા. અખબારી અહેવાલને પગલે સરકાર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આરોપીઓ સામે દાખલો બેસે એવી કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રીને સૂચના આપવામાં આવી હતી.
આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને સંવેદનશીલતાથી લીધી છે. આ ઘટનામાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને મોટા ભાગના આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. બીજી બાજુ, મુખ્યમંત્રીની સૂચના બાદ દાહોદ કલેક્ટર અને એસપી ખુદ આ કેસમાં ફોલોઅપ લઇ રહ્યા છે.
કલેક્ટર હર્ષિત ગોસાવી અને એસપી હિતેશ જોયસરના જણાવ્યા મુજબ, આ ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા 12 તારીખે સાંજે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમજ પીડિત પરિણીતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારીઓની મદદ લઇને કોમ્બિંગ કરીને 19 પૈકી 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાને પણ પોલીસનું રક્ષણ આપવામાં આવ્યું છે.
મારે ચાર બાળકો છે, બધાનાં લગન કરી દીધાં છે, કોઈને તકલીફ નથી. મારી આ બીજા નંબરનીને જમાઇ ત્રાસ આપતો હતો. એટલે અમે મજૂરીકામે તેને અમારી સાથે જ રાખતાં હતાં. મારી છોકરીને ત્રણ કલાક ફેરવી હતી. તેનાં ચીંથરાં ખેંચી નાખ્યાં, તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. પોલીસનો અમને ઘણો સાથ મળ્યો, મારી દીકરીનું છૂટું કરાવી આપો.
આ શબ્દો 6 જુલાઇના રોજ પતિને ખભે બેસાડીને વરઘોડો કાઢવા સાથે નિર્વસ્ત્ર કરવામાં આવી હતી તે યુવતીની માતાના છે. પુત્રી સાથે બનેલી ઘટના અંગે તેણે વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, મારી છોકરીને હવે તેના પતિ પાસે નથી રાખવી તેને અને તેની છોકરીને અમે પાળી લઇશું. આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. મારી છોકરી સાથે જે થયું એવું બીજી કોઇ છોકરી સાથે ના થવું જોઇએ.
ધાનપુર તાલુકાના ખજૂરી ગામે એક પરિણીતા સાથે નારી ગૌરવ હનનના બનેલા બનાવને સામે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રોએક્ટિવ કામગીરીને પગલે બુધવાર સુધીમાં 19 પૈકી 14ને પકડી પાડવામાં આવ્યા છે. તેમાં ત્રણ સગીર વયના છે. 14 પૈકીના 11 લોકોને 16મી તારીખ સુધી રિમાન્ડ પર રાખવાનો કોર્ટ દ્વારા હુકમ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા બનાવો બનતા રોકવા માટે હ્યુમન બિહેવિયરલ ચેન્જનાં પગલાં પણ જાહેર કરવામાં આવ્યાં છે. સોશિયલ મીડિયામાં વીડિયો ફરતો થયા બાદ તેની ગંભીરતા સામે આવી છે. આ દરમિયાન, પોલીસ દ્વારા આરોપીઓની સાથે સોશિયલ મીડિયામાં વીડિયો મૂકનાર અકાઉન્ટ સામે પણ કાર્યવાહી કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.