રાધનપુર વિધાનસભાની બેઠક ઘણા વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષ માટે ઘણી મહત્વની રહી છે. પ્રધાન બનાવા ઉછળકૂદ કરી રહેલા અલ્પેશ ઠાકોરને રાધનપુરની જનતાએ ઘરનો રસ્તો બતાવી દીધો. અતિઘમંડમાં આવી ગયેલા અલ્પેશ ઠાકોરની કારમી હાર થઈ છે. ત્યારે હવે પક્ષપલટુ અલ્પેશ ઠારોરની રાજકીય કારકીર્દિ ડામાડોળ થઈ ગઈ છે. ન ઘરના કે ન ઘાટના જેવી સ્થિતિ થઈ ગઈ છે.
અલ્પેશ ઠાકોર એક એવું નામ કે જેના નિવેદનો પર પ્રજાએ એક વખત ભરોસો મૂક્યો. પરંતુ અલ્પેશની કુંડળી જાણી ગયેલી પ્રજાએ જલ્દી જાગી ગઈ. રાજકારણમાં લાંબી રેસનો ઘોડો બનાવા આવેલા અલ્પેશ ઠાકોરને રાધનપુરની જનતાએ ટુંકા સમયમાં બીજી ચૂંટણીમાં જ ઘરનો રસ્તો બતાવી દીધો. 2017માં વિધાનસભાની ચૂંટણી લડવા માટે તેણે તે અગાઉ જ ઠાકોર સેના ઉભી કરીને યુવા નેતાની છાપ ઉભી કરી દીધી. અલ્પેશ ઠાકોર શંકરસિંહ વાઘેલાએ રચેલા શક્તિદળમાં યુવા આગેવાન રહ્યો હતો. 2013માં ઠાકોર સેનાની સ્થાપના કરી. 2016માં પાટીદાર આંદોલનને પગલે ઓબીસી એકતા મંચની સ્થાપના કરી હતી. સમાજમાં દારૂની બદી સહિતના મુદ્દે આંદોલન કરીને નામ બનાવી લીધું.
ઠાકોર સમાજના નેતા તરીકે ઉભરી આવીને સરકારમાં પ્રધાન બનવા અલ્પેશે સપના જોયા હતા. પરંતુ તેણે એમ કહ્યું કે તે ક્યારે રાજકારણમાં નહીં જોડાય. પરંતુ જેવી 2017ની ચૂંટણી આવી કે તક જોઈને કોંગ્રેસનો હાથ પકડી લીધો. રાહુલ ગાંધીની હાજરીમાં તેણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. અને રાધનપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર જીતીને ધારાસભ્ય બન્યો. પરંતુ તેને તો પ્રધાન બનાવાના અભરખા હતા. અને તે માટે સપના જોયા હતા. પરંતુ 2017માં કોંગ્રેસની સરકાર ન બની. એટલે તેણે કોંગ્રેસમાં મતભેદો ઉભા કરીને એપ્રિલ 2019માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામા આપી દીધા હતા. પરંતુ ધારાસભ્ય પદેથી રાજીનામુ ન આપતાં વિવાદ વધ્યો હતો.
બાદમાં જુલાઈમાં તેણે ધારાસભ્ય પદેથી રાજીનામુ ભાજપનો ભગવો ધારણ કર્યો. એક સમયે પરપ્રાંતિઓ પર હુમલો, દારૂબંધી, ગુજરાતના વિકાસ મોડલ જેવા મુદ્દે ભાજપ વિરુદ્ધ નિવેદનો કરનાર અલ્પેશ ઠાકોરે ભાજપમાં જ ભળીને કેમેય કરીને રાધનપુર બેઠક પરથી જ ચૂંટણી લડવા જીદ કરી હતી. પ્રધાન બનાવાનું સપનું જોઈને અતિઘમંડમાં આવી ગયેલા અલ્પેશે એવી શેખી મારી હતી કે તેની ચેમ્બર સીએમ વિજય રૂપાણીની બાજુમાં જ હશે. ધારાસભ્ય હતો ત્યારે રજૂઆતો કરતો હતો પરંતુ મંત્રી બનેને તે ઓર્ડર કરશે. આવી ડંફાશો મારતા પક્ષપલટુ અને નિવેદનો પલટુ અલ્પેશને રાધનપુરવાસીઓએ જાકરો આપ્યો. અલ્પેશની હાર પાછળ ઠાકોર સમાજમાં પડેલા ભાગલા અને તેના બેજવાબદારી ભર્યા નિવેદનો પહેલા જવાબદાર બન્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.