ઘરઆંગણે રમતા ત્રણ વર્ષના બાળકને કારે કચડી નાખ્યો- પરિવારે આંખોનું દાન કરી બીજાના અંધારા જીવનમાં પ્રકાશ પાથર્યો

સુરત(ગુજરાત): સુરતમાં હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ…

સુરત(ગુજરાત): સુરતમાં હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. આ દરમિયાન, સુરતના સિટી લાઈટના સૂર્ય પ્રકાશ રેસિડેન્સી કેમ્પસમાં અજાણ્યા વાહન ચાલકની અડફેટે સાડા ત્રણ વર્ષનું માસુમ બાળક કચડાય ગયું હતું. ગુરુવારની મોડી સાંજે બનેલી આ ઘટના બાદ માસૂમના મૃતદેહને જોઈ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પીડિત પિતાએ જણાવ્યું હતું કે, ‘અમે દીકરો ગુમાવ્યો છે પણ તેની આંખ કોઈનામાં જીવિત રહેશે, તો અમને જોશે, બસ એ જ અમારી યાદ રહેશે’ તેમ કહી સાડા ત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટ કરી હતી. ડો. પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું કે, મૃતક બાળકની આંખો લોક દૃષ્ટિ ચક્ષુ બેંકે સ્વિકારી છે. કારણ કે, બાળકોની આંખો ભાગ્યે દાનમાં આવતી હોય છે. બાળકની દાનમાં મળેલી આંખો કોઈ બે વ્યક્તિની અંધારી દુનિયાને રંગીન જરૂર કરશે.

મનીષ જૈનએ જણાવ્યું કે, ઘટના ગુરુવારની સાંજે બની હતી. માસુમ સેવર કોમ્પ્લેક્સના કંપાઉન્ડમાં બાળ મિત્રો સાથે રમતો હતો. ત્યારબાદ, કોઈ સફેદ કલરની કાર સેવરને કચડીને ભાગી ગઈ હતી. બાળકોના કલ્પાંતને લઈ સોસાયટીવાસીઓ પણ ભેગા થઈ ગયાં હતાં. સેવરને લોહીના ખાબોચિયામાં જોઈ ધ્રુજી ગયાં હતાં. તાત્કાલિક પરિવારને જાણ કરતા આખું પરિવાર દોડીને કેમ્પસમાં આવી ગયું હતું. ઇજાગ્રસ્ત હાલતમાં પુત્રને જોઈ પરિવારના હોશ ઉડી ગયાં હતાં. માથામાં ઇજા થવાથી તબીબો દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવતા જૈન પરિવાર ધુસ્કે-ધુસ્કે રડી પડ્યું.

મળતી માહિતી મુજબ, સંદીપ જૈન રાજસ્થાનના રહેવાસી અને કાપડના વેપારી છે. અને તેઓ 15 વર્ષથી સુરતમાં રહે છે. ત્રણ સંતાનોમાં સાડા ત્રણ વર્ષનો સેવર સૌથી નાનો દીકરો હતો. માસુમ સેવરની જિંદગી કચડી નાખનાર કાર ચાલક CCTVમાં કેદ થઈ ગયો છે. જેની ઉમરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કાર ચાલક માસૂમની જિંદગીને કચડી નાખ્યા બાદ ઉભો પણ નહોતો રહ્યો. શોકમાં ડૂબેલા પરિવારે માસૂમ સેવરની આંખ ડોનેટ કરી પુત્રને જીવંત રાખ્યો છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. તેજશ ચૌહાણ આંખ ડોનેટ માટે મદદરૂપ થયા અને પોસ્ટમોર્ટમ કરી આપતા અંતિમ વિધિ કરવામાં આવી હતી.

આ અંગે ડો. શક્તિ આબલિયાએ જણાવ્યું હતું કે, લગભગ સાડા ત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટનો સુરતમાં પ્રથમ કિસ્સો હોય એમ કહી શકાય છે. 5 વર્ષના બાળકની આંખ ડોનેટ કરાઈ હોવાનું મારા ધ્યાન પર છે. તેમણે જણાવ્યું કે, 65 ટકા આંખનું ડોનેટ સિનિયર સિટીઝન કરતા હોય છે. જોકે, એનો ઉપયોગ બહુ ઓછો થાય છે. 80 વર્ષના લોકોની ડોનેટ આંખ માત્ર 3 ટકા જ કામ આવે છે.

આ ઉપરાંત ચક્ષુબેંકના ડો. પ્રફુલ સિરોયા એ જણાવ્યું હતું કે, હજારોમાં એક કેસ આવો જોવા મળે છે. જેમાં 5 વર્ષની અંદરના બાળકની આંખ ડોનેટ થતી હોય છે. 2008માં જન્મના 2 કલાક બાદ બાળકનું મૃત્યુ થતા લોક દ્રષ્ટિ ચક્સુ બેક દ્વારા આંખ ડોનેટ સ્વીકારવામાં આવી હતી. નાની ઉંમરે મળતું આંખનું ડોનેટ એ સારામાં સારું પરિણામ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *