ગુજરાતમાં કેરીની મજા ફિકકી પડશે! ઠંડી ઓછી પડતા આંબા પર માત્ર 30થી 40% જ ફૂલ લાગ્યાં

Low Mango Crop: રાજ્યમાં આ વર્ષે ઠંડીની અસર ઓછી રહી છે. જેની અસર ફળોનો રાજા એટલે એક આંબાની ખેતી(Low Mango Crop) પર સ્પષ્ટ દેખાઇ રહી છે. સામન્યત: ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં આંબા પર ફુલ લાગી જતાં હોય છે. જોકે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનો અડધો પુર્ણ થઇ ગયો છે. ત્યારે હજી સુધી 30થી 40 ટકા જેટલાં જ ફુલ લાગ્યાં હોઇ આ વર્ષે કેરીનો સ્વાદ ફિકો પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આંબાવાડીના માલિકો તેમજ ઇજારદારોના માથે ચિંતા
ભરૂચ જિલ્લામાં ભરૂચ અંક્લેશ્વર સહિત વાલિયા, ઝઘડિયા અને નર્મદા જિલ્લાના રાજપીપળામાં ઘણા ખેડૂતોએ હવે આંબાવાડી કરી છે. જોકે, આ વર્ષે આંબાવાડીના માલિકો તેમજ ઇજારદારોના માથે ચિંતાની લકીર ઉપસી આવી છે. ભરૂચ શહેર જિલ્લામાં આ વર્ષે ઠંડીનું જોર ઓછું રહ્યું છે. જેની અસર આંબાના પાક પર પડી રહી છે. શિયાળાની મોસમમાં સળંગ દશેક દિવસ સુધી હાડ થીજવતી ઠંડીની મોસમ રહે ત્યારે આંબા પર ફુલ લાગતાં હોય છે. તેમ બાગાયતી ખેતી કરતાં ખેડૂતોએ જણાવ્યું છે.

સમજો કેરી પાકવાના ગણિતને
શિયાળાની શરૃઆત છતાં ઠંડીનું ઓછું પ્રમાણ પાકને સીધી અસર પહોંચાડી રહ્યું છે. ઉપરથી કમોસમી વરસાદ આવી ગયો છે. રાજ્યમાં સૌથી વધુ આંબાવાડિયા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છે. સૌરાષ્ટ્રમાં કેસર અને દક્ષિણ ગુજરાતની આફૂસ કેરીની મહેક દુનિયાભરમાં પ્રખ્યાત છે. આંબા પર મોર ત્રણ અલગ અલગ સ્ટેજે બંધાતો હોય છે. કૃષિ નિષ્ણાતો મોર બંધાવાના સ્ટેજ અને હવામાનને આધારે કેરીના ઉત્પાદન અને કેરીના સમયની આગાહી કરતા હોય છે. રાજ્યમાં નવેમ્બર- ડિસેમ્બરમાં કુલ ઉત્પાદિત થતી ૩૦ ટકા કેરીનો મોર બંધાય છે. ચોમાસા બાદ આંબો આરામની અવસ્થામાં ગયા બાદ મોરની પ્રક્રિયાનો આરંભ થાય છે.

આંબામાં ફ્લાવરિંગ સ્ટેજ મહત્ત્વનું
ઉષ્ણ અને સમશીતોષ્ણ હવામાન ધરાવતા અને સમુદ્રની સપાટીથી ૬૦૦ મીટર સુધીની ઊંચાઈ ધરાવતા પ્રદેશોમાં આંબાની વેપારી ધોરણે ખેતી કરી શકાય છે. આંબાની ઘણીખરી જાતો ૭૫૦થી ૩૭૫૦ મિમી. વરસાદવાળા વિસ્તારમાં સારી રીતે ઊગી શકે છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદ અને ત્યારપછી ફેબ્રુઆરી માસ સુધી ભેજ વિનાનું સૂકું હવામાન આંબા પર મોર બેસવાની પ્રક્રિયામાં ઘણું જ ઉપયોગી છે. જો ઓક્ટોબરમાં મોડે સુધી વરસાદ ચાલુ રહે તો આંબામાં વાનસ્પતિક વૃદ્ધિ થયેલા આંબા પર મોર આવવાની પ્રક્રિયામાં વિક્ષેપ આવે છે. આંબા પર મોર આવતા સમયે શુષ્ક અને ઠંડું વાતાવરણ હોવું જોઇએ.

આ વર્ષે વાતાવરણમાં આવેલાં બદલાવને કારણે આંબા પર હજી જોઇએ તેવું ફ્લાવરીંગ એટલે કે ફુલ લાગ્યા નથી. જિલ્લામાં આંબા પર માત્ર 20થી 40 ટકા જ ફુલ લાગ્યા છે. આ અસર આખા દક્ષિણ ગુજરાતમાં એટલે કે ભરૂચ સહિત સુરત, વલસાડ, વાપી, નવસારીમાં પણ જોવા મળી રહી છે.